સ્કૂલ ચલે હમઃ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રાંરભ, ભુલકાઓના કોલાહલથી શાળાઓ ગુંજી ઉઠી

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષ શિક્ષણ જગત માટે મુશ્કેલી રૂપ રહ્યા છે, ત્યારે બે વર્ષ બાદ સમયસર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે. અમદાવાદના મેમનગરમાં આવેલી HBK સ્કૂલ ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા વિશેષ તૈયારી કરાઈ છે.

સ્કૂલ ચલે હમઃ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રાંરભ, ભુલકાઓના કોલાહલથી શાળાઓ ગુંજી ઉઠી

અતુલ તિવારી/અમદાવાદ: આજથી વર્ષ 2022-23 ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં ઉનાળુ વેકેશન બાદ સ્કૂલો ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર રાજ્યની તમામ સ્કૂલો નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે.

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષ શિક્ષણ જગત માટે મુશ્કેલી રૂપ રહ્યા છે, ત્યારે બે વર્ષ બાદ સમયસર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે. અમદાવાદના મેમનગરમાં આવેલી HBK સ્કૂલ ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા વિશેષ તૈયારી કરાઈ છે. મુખ્ય દ્વાર પર માં સરસ્વતી, ગણપતિ દાદાની મૂર્તિ મૂકી વિદ્યાર્થીઓને કંકુ ચોખા કરી તેમનું સ્વાગત કરાયું છે. એટલું જ નહીં, સ્કૂલોમાં ફુગ્ગા લગાડી, વિદ્યાર્થીઓને બુક માર્ક આપી પ્રથમ દિવસ વિદ્યાર્થીઓ માટે યાદગાર બનાવાયો છે. કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ સતત મજબૂર બન્યા હતા, ત્યારે આ વર્ષની શરૂઆત ઓફલાઈન એજ્યુકેશન સાથે થતા વાલીઓ માટે પણ રાહતના સમાચાર છે.

નોંધનીય છે કે, ગઈકાલે (12 જૂન) વેકેશનનો છેલ્લો રવિવાર હતો, ત્યારે મોટા ગાર્ડન,પીકિનિક સ્પોર્ટસ સહિતના જાહેર સ્થળોએ પરિવારજનો બાળકો સાથે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત એ પણ છે કે રાજ્યમા ગરમીનુ પ્રમાણ ઘટયુ છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થતા વાદળછાયા વાતાવરણ અને હવામાં ઠંડક સાથે ગરમી ઓછી થઈ છે. જો કે બીજી બાજુ રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સ્કૂલો શરૂ થતા વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવામાં થોડો સંકોચ પણ અનુભવશે.

આજે શિક્ષણકાર્ય શરૂ થયું છે, ત્યારે રાજ્યની 55 હજારથી વધુ સ્કૂલોના એક કરોડથી વધુ બાળકો અસહ્ય ગરમી અને વેકેશનની મજા માણ્યા બાદ સ્કૂલોમાં પહોંચ્યા છે. સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા હજુ સુધી 2022-23ના વર્ષનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયુ નથી. આ શૈક્ષણિક વર્ષ સીબીએસઈ પેટર્ન મુજબ માર્ચ અંત સુધીનું રહેશે કે પહેલાની જેમ એપ્રિલ અંત સુધીનું રહેશે તે હજુ નક્કી નથી બોર્ડની નવી શિક્ષણ સમિતિ ગુજરાત બોર્ડની સ્કૂલોની શૈક્ષણિક  પેટર્ન-દિવસો અને કેલેન્ડર નક્કી કરશે.

નોંધનીય છે કે, કોરોનાના કારણે પાછલા બે વર્ષ શિક્ષણ જગત માટે મુશ્કેલીરૂપ રહ્યા છે ત્યારે હવે નવા સત્રથી સ્કૂલો ધમધમી ઉઠી છે. છેલ્લા બે વર્ષથી શૈક્ષણિક સત્ર રાબેતા મુજબ ચાલી શક્યું નથી. ઓનલાઇન અને ઓફલાઈન શિક્ષણ સાથે બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા ત્યારે આ વર્ષે સમયસર નવું શૈક્ષણિક સત્ર શરૂ થયુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news