આનંદો! ખેડૂતો હવે જૂના ડીઝલ ભંગાર ટ્રેક્ટરને કરાવી શકશે EVમાં કન્વર્ટ, ખર્ચો આવશે અડધો, ખાસિયતો જાણીને લેવા દોડશો!
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં MBA નો અભ્યાસ કરતા વિદ્યાર્થી વૃતિક પંચાલે મેન્ટર તુષાર પંચાલ અને GTU નાં સહયોગથી સૌથી મોટી સફળતા મેળવી છે. આ વિદ્યાર્થીએ ખેતીમાં વપરાયા બાદ ભંગાર થયેલા ડીઝલ ટ્રેકટરને ઇલેક્ટ્રિક બેટરી સાથે જોડી ડીઝલના ખર્ચમાંથી મુક્તિ આપી હતી.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: તાજેતરમાં ખેડૂતો માટે અવનવા આવિષ્કાર કરવામાં આવી રહ્યા છે અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યારે GTU માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઇલેક્ટ્રિકથી ચાલતું મીની ટ્રેક્ટર તૈયાર કરીને સમગ્ર દેશમાં ડંકો વગાડી દીધો છે. 5 વર્ષથી ભંગાર બનેલા ડીઝલથી ચાલતા ટ્રેકટરને EV ટ્રેકટરમાં કન્વર્ટ કરવામાં વૃતિક પંચાલને સૌથી મોટી સફળતા મળી છે. ખેતીમાં વપરાતા મીની ટ્રેક્ટરમાં ડીઝલના બદલે ઇલેક્ટ્રિક બેટરીનો ઉપયોગ કરી, ખેડૂતોનો ખર્ચ ઘટાડવાના ઉદ્દેશથી કરાયેલું સંશોધન સફળ થયું છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં MBA નો અભ્યાસ કરતા વિદ્યાર્થી વૃતિક પંચાલે મેન્ટર તુષાર પંચાલ અને GTU નાં સહયોગથી સૌથી મોટી સફળતા મેળવી છે. આ વિદ્યાર્થીએ ખેતીમાં વપરાયા બાદ ભંગાર થયેલા ડીઝલ ટ્રેકટરને ઇલેક્ટ્રિક બેટરી સાથે જોડી ડીઝલના ખર્ચમાંથી મુક્તિ આપી હતી. ઇલેક્ટ્રિકનાં માધ્યમથી ટ્રેક્ટર અઢીથી ત્રણ કલાકમાં ચાર્જ થાય છે. ત્યારબાદ સાત કલાક સુધી ખેતીના કામમાં ઉપયોગ થઈ શકે છે. એકવાર પૂર્ણ ચાર્જ થયા બાદ 75 કિમી સુધી ટ્રેકટર ચલાવી પણ શકાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે મીની ટ્રેકટર 22 HP નાં હોય છે, પરંતુ ઇલેક્ટ્રિક બેટરી સાથે તેની ક્ષમતા વધીને 24 HP કરવામાં આવી છે.
વિદ્યાર્થી વૃતિક પંચાલે ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું છે કે, ડીઝલ ટ્રેક્ટર સામાન્ય રીતે દોઢ ટન સુધી વજન ખેંચી શકતું હોય છે, પણ આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અઢીથી ત્રણ ટન જેટલું વજન ખેંચવાની ક્ષમતા ધરાવે છે. હાલ ડીઝલથી ચાલતા મીની ટ્રેકટર જો સાત કલાક વાપરવામાં આવે તો 400 રૂપિયા જેટલો ખર્ચ થાય છે, પંરતુ ઇલેક્ટ્રિકથી ચાલતું મીની ટ્રેક્ટર માત્ર 150 રૂપિયાનાં ખર્ચે ચાલશે.
સામાન્ય રીતે બજારમાં ઈલેક્ટ્રીક બાઈક, કાર અને રીક્ષા માર્કેટમાં જોવા મળે છે, પરંતુ હજુ ખેડૂતો માટે ઇલેક્ટ્રિક ટ્રેકટર તરફ વધારે કાંઈ થયું નથી. અમને એ પરથી વિચાર આવ્યો કે, ખેડૂતો માટે ઈલેક્ટ્રીક ટ્રેક્ટર ખેતી માટે હોવું જોઈએ. અમે કોઈ પણ ખેડૂત પાસે રહેલું જુનું અથવા ભંગાર થયેલું ટ્રેક્ટર ડીઝલમાંથી ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી આપીશું. હાલ બજારમાં નવું મીની ડીઝલ ટ્રેકટર સાડા ચાર લાખની આસપાસ મળતું હોય છે, જે ભંગાર બન્યા બાદ ઇલેક્ટ્રિકમાં માત્ર બે લાખના ખર્ચે કન્વર્ટ થશે.
હાલ અમે તૈયાર કરેલું ઇલેક્ટ્રિક ટ્રેકટર ફુલ મેટલ બોડી સાથે બનાવ્યું છે, જો પૂરી રીતે મેટલ નાં વાપરીએ તો હજુ પણ ખર્ચ ઘટવાનો દાવો કરાયો છે. વૃતીક પંચાલે જણાવ્યું છે કે માર્ચ મહિનાથી જે કોઈ ઈચ્છે એમને અમે એમનું ભંગાર ટ્રેકટરમાંથી ઈલેક્ટ્રીક ટ્રેક્ટર બનાવી આપીશું.
વૃતિક પંચાલ ઉપરાંત ત્રણ અન્ય ટીમ મેમ્બર દ્વારા ડીઝલમાંથી ઇલેક્ટ્રિકથી ચાલતું આ મીની ટ્રેકટર બનાવવામાં ભૂમિકા રહી છે. જેમાં અરુણ પંચાલ, લાલજી પંચાલ અને કાર્તિકભાઈનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે