માંડલ અંધાપા કેસમાં ગુજરાત હાઈકોર્ટે લીધો સુઓમોટો, આરોગ્ય મંત્રીએ કહ્યું; જવાબદારો સામે પગલાં લેવાશે
અમદાવાદના માંડલ અંધાપાકાંડમાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરતાં આરોગ્ય વિભાગની ઉડી ઊંઘ. 29 દર્દીઓને મોતિયાનું ઓપરેશન કર્યું હતું તેમાંથી 17 લોકોને અંધાપો આવ્યો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું- જવાબદારો સામે પગલાં લેવાશે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર માંડલમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન પછી દર્દીને આડઅસર થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજે આ અસરગ્રસ્ત દર્દીઓની આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતી. રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા પછી દર્દીઓએ આંખથી દેખાતું ન હોવાની ફરિયાદ કરી હતી. હાલ આ દર્દીઓની અસારવા સિવિલમાં સારવાર ચાલી રહી છે.
માંડલમાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઈકોર્ટે સુઓમોટો કરી છે. હાઇકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ પાઠવી છે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા હાઇકોર્ટે સરકારને આદેશ પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મોતિયાના ઓપરેશન પછી કેટલાક લોકોએ દ્રષ્ટિ ગુમાવી છે. હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.
- ગુજરાતમાં કેમ વારંવાર થાય છે અંધાપા કાંડ?
- તંત્રના પાપે દર્દીઓની કેમ છીનવાઈ રહી છે રોશની?
- હોસ્પિટલની લાલિયાવાડી સામે લગામ ક્યારે?
અમદાવાદના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં દ્રષ્ટી મેળવવા માટે આવેલા 17 દર્દીને દ્રષ્ટી ગુમાવવાનો વારો આવ્યો. તંત્રની બેદરકારીથી દર્દીઓ હવે ક્યારેય દુનિયા નહીં જોઈ શકે. જો કે ગુજરાતમાં આ કંઈ નવું પણ નથી. આ પહેલા પણ અનેક દર્દીઓના જીવનમાં અંધારુ ફેલાવનું કામ બેદરકાર તંત્રએ કર્યું છે.
આ ઘટના બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે. તો હાઈકોર્ટે પણ લાલ આંખ કરી છે. દર્દી હોસ્પિટલમાં કંઈ સારુ થાય તે માટે જાય છે. પરંતુ ગુજરાતમાં એવી અનેક હોસ્પિટલ છે જ્યાં સારુ તો નથી થતું પરંતુ ઉપરથી ખરાબ થાય છે. અમદાવાદના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં દર્દીઓ દ્રષ્ટી મેળવવા માટે ગયા હતા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે ત્યાં દ્રષ્ટી મળશે નહીં પરંતુ લઈ લેવામાં આવશે? તંત્રના પાપે રોશની જતી રહેતા દર્દીઓ નિરાધાર બન્યા છે.
તો દર વખતની જે આ વખતે પણ સરકાર ત્યારે જાગી જ્યારે અંધાપા કાંડ થઈ ગયો. સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દર્દીઓની મુલાકાતે પહોંચ્યા. પુરા તામજામ સાથે પહોંચેલા આરોગ્ય મંત્રીએ એક એક દર્દીની મુલાકાત લઈ તેમને આશ્વાસન આપ્યું. ડૉક્ટર્સ સાથે બેઠક કરી જરૂરી માહિતી મેળવી હતી. પરંતુ આ બધુ જો પહેલા કર્યું હોત તો કદાચ દર્દીઓને અંધાપો ન આવ્યો હતો. કંઈ નહીં હવે કર્યું તે સારુ કહેવાય. આરોગ્ય મંત્રીએ આશ્વાસન આપ્યું છે કે જવાબદારો સામે કડક પગલાં લેવાશે.
આ ઘટનાને કારણે હાઈકોર્ટ લાલચોળ થઈ ગઈ છે. હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને આરોગ્ય સચિવ અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ પાઠવી છે. સાથે જ પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા માટે સરકારને પણ આદેશ કર્યો છે. 07 ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ જજની કોર્ટમાં રજૂ થશે. અને તેના પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
- હાઈકોર્ટે દાખલ કરી સુઓમોટો
- આરોગ્ય સચિવ અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ પાઠવી
- પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા માટે સરકારને આદેશ
- 07 ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ જજની કોર્ટમાં રજૂ થશે
માંડલમાં બનેલી આ ઘટના કંઈ પહેલીવાર નથી. આ પહેલા પણ અનેક જગ્યાએ આવા કાંડ થઈ ચુક્યા છે. જેમાં અનેક લોકો પોતાની દ્રષ્ટી ગુમાવી છે. હવે જોવાનું રહેશે કે તંત્ર માંડલ કેસમાં કેટલી કડક કાર્યવાહી કરી દાખલો બેસાડે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે