સાપ ભી મરે લાઠી ભી ન તૂટે: સુરતી પરિવારે કોરોનાકાળમાં 3 હજાર લોકોની હાજરીમાં કર્યા લગ્ન, જાણો કેવી રીતે
કોરોનાકાળમાં સરકારની નવી ગાઇડલાઇનના કારણે લગ્નસરાની સીઝનમાં અનેક લોકોને પરેશાની થઇ રહી છે. ગાઇડલાઇન મુજબ એક તરફ મહેમાનોની સંખ્યા માત્ર 100 કરી દેવામાં આવી છે અને રાત્રિ કરફ્યુ પણ છે.
Trending Photos
ચેતન પટેલ, સુરત: કોરોના કાળના ફેઝ-2માં રાત્રિ કર્ફ્યુ છે અને આવામાં લગ્નસરા માટે સરકાર દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. ત્યારે સુરતના અગ્રવાલ પરિવારે પોતાના દીકરાના અનોખી રીતે લગ્ન કરી સરકારની ગાઇડલાઇનનું પાલન કર્યું છે. સાથે જ ગાઈડલાઈન અને લગ્ન બંન્નેનો તાલમેલ કંઈક અલગ જ રીતે બેસાડ્યો છે. પરિવાર દ્વારા આવનાર મહેમાનોને સેનીટાઇઝર અને સ્ટીમ મશીન આપવામાં આવ્યા છે. એટલું જ નહિ, લગ્નનું ફેસબુક લાઈવ કરી પરિવારના સભ્યોને ઓનલાઇન જોડાવ્યા પણ હતા. લગ્ન સાદાઈથી કરી જે પણ ખર્ચ બચ્યો તે ત્રણ લાખની રકમ પ્રધાનમંત્રી કેર ફંડમાં આપી સરકારની સાથે કોરોનાની લડતમાં સહભાગી પણ બન્યા છે.
બારડોલીના પરિવારે ભેગા મળીને નિર્ણય કર્યો
કોરોનાકાળમાં સરકારની નવી ગાઇડલાઇનના કારણે લગ્નસરાની સીઝનમાં અનેક લોકોને પરેશાની થઇ રહી છે. ગાઇડલાઇન મુજબ એક તરફ મહેમાનોની સંખ્યા માત્ર 100 કરી દેવામાં આવી છે અને રાત્રિ કરફ્યુ પણ છે. તેથી લોકોને મુશ્કેલી થઈ રહી છે, ત્યારે બીજી બાજુ સુરતના અગ્રવાલ પરિવાર એવા લોકો સામે એક મિશાલ રજૂ કરી છે. સુરત બારડોલી ખાતેના રહીશ અગ્રવાલ સમાજ બાલોતરા ગ્રુપના સદસ્ય અને બારડોલી લાયન્સ ક્લબના પૂર્વ અધ્યક્ષ સુરેશ ગોહિલના પુત્રના લગ્ન રાખવામાં આવ્યા હતા. આ લગ્ન બાબતે સુરેશભાઈ અને તેમના કુટુંબીઓએ સામૂહિક નિર્ણય લઈ કોરોનાવાયરસ અંગેની સરકારી ગાઈડલાઈન્સ મુજબ સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
લગ્ન ન યોજીને લાખોની બચત કરી
સુરતના રાધાકૃષ્ણ મંદિર ખાતે આ પરિવાર દ્વારા લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં ગાઇડલાઇન મુજબ ઓછા મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા.. મંદિરમાં લગ્ન યોજવાથી લાખો રૂપિયાની બચત થઈ હતી. જેથી સુરેશ અગ્રવાલે મોંઘા લગ્ન આયોજન ન કરી સાદગીથી કરાયેલા લગ્નથી બચેલ 3 લાખ જેટલી રકમ પ્રધાનમંત્રી ફંડમાં આપી સરકારની સાથે કોરોનાની લડાઈમાં સહભાગી બન્યા હતા.
લગ્ન ફેસબુક લાઈવ કરાયા હતા
આ લગ્ન મંદિરમાં અને ઓનલાઇન રાખ્યા હતા. આમ તો લગ્નમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે. પરંતુ ગાઇડલાઇન મુજબ માત્ર સો લોકોને જ લગ્નમાં જવાની પરવાનગી સરકારે આપી છે. જેથી લોકો મોટા પ્રમાણે ભેગા ન થાય આ માટે આગળ પરિવારે ફેસબુક પર લગ્ન લાઈવ કર્યા હતા. જેથી મિત્રો અને પરિવારના અન્ય સભ્યો ઘરે બેસીને લગ્નની મજા માણી શકે અને ત્યાંથી જ વર-વધુને આશીર્વાદ આપે. ફેસબુક લાઈવ પર આ લગ્ન બંન્ને પરિવારના સભ્યો અને મિત્રમંડળ મળીને ત્રણ હજારથી વધુ લોકોએ જોયા હતા.
આ લગ્નમા માત્ર ગાઈડલાઈનનું જ પાલન કરવામાં આવ્યું ન હતું, પરંતુ જે પણ મહેમાનો વર વધૂને આશીર્વાદ આપવા માટે લગ્નમાં હાજર રહ્યા હતા તેઓને સેનિટાઇઝરની બોટલ અને સ્ટીમ મશીન આપી કોરોના કાળમાં જાગૃત રહેવાનું આવાહન પણ કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે