'એક શામ, શહીદોં કે નામ' : સુરતીઓએ આપ્યું 5 કરોડનું દાન
પુલવામાંમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનામાં સીઆરપીએફના 40 થી વધુ જવાનો શહીદ થયા હતાં. સુરતમાં શહીદોની શહાદતને વંદન કરવા "એક શામ શહીદો કે નામ - ભારત કે વીર" કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અક્ષય કુમારની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 5 કરોડની આસપાસનું ફંડ દાન કરાયું હતું
Trending Photos
તેજશ મોદી/ સુરતઃ સુરતમાં પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની કુરબાનીને યાદ કરવા અને શહીદ પરિવારોની મદદ માટે ફંડ એક્ઠું કરવાના હેતુ સાથે "એક શામ શહીદો કે નામ - ભારત કે વીર" કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અક્ષય કુમારની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 5 કરોડની આસપાસનું ફંડ એક્ઠું થયું હતું.
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, પહેલા એવી સ્થિતિ હતી કે પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવતો ન હતો, પરતું હવે ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવે છે. સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી હતી અને તેથી જ સમય અને સ્થળ બંને આપણી વાયુ સેનાએ નક્કી કર્યું હતું.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીએ બતાવેલા શૌર્યના વખાણ કરતાં કહ્યું કે, દેશની માગ હતી કે પુલવામાનો બદલો લેવામાં આવે. મોદીએ એ કરી બતાવ્યું. મોદી હૈ તો મુમકીન હૈ. એટલે જ સરકારે માત્ર 48 કલાકમાં પાઈલટ પાછો આવે એવું દબાણ ઊભું કર્યું હતું. શહીદોના પરિવારની પડખે ઉભું રહેવું આપણી જવાબદારી છે. ભારત સામે જોવાની દ્રષ્ટિ હવે બદલાઈ છે, હવે કોઈ પણ ભારત સામે આંખ ઉઠાવીને જોવાની હિમ્મત નહીં કરે.
અભિનેતા અક્ષય કુમારે શહિદોને યાદ કરતા કહ્યું કે, પુલવામા ખાતે થયેલી ઘટના અત્યંત દુઃખદ હતી. જવાન જ્યારે 24 કલાક સરહદ પર ઊભો રહીને આપણી સુરક્ષા કરે છે ત્યારે આપણે તેના પરિવારની પડખે ઊભા રહેવાની આપણી ફરજ છે. સેના માટે યોજાયેલા આ કાર્યક્રમથી દરેક જવાનને હૂંફ મળશે. શહીદોના પરિવાર માટે કરીએ તેટલું ઓછુ છે. એ આપણી ફરજ છે.
લોકોએ દિલ ખોલીને શહીદો માટે રૂપિયા આપ્યા
સુરતમાં શહિદ પરિવારો માટે ફંડ એક્ઠું કરવા યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ દિલ ખોલીને રૂપિયા આપ્યા હતા. શહેરના ઉદ્યોગકારો, અગ્રણીઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટરોએ 'ભારત કે વીર' માટે ફંડની પણ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 5 કરોડ જેટલું ફંડ એક્ઠું થયું છે. કાર્યક્રમમાં નિવૃત સેના અધિકારીઓની સાથે સૈનિકોનું પણ સન્માન કરાયું હતું. દેશભક્તિના ગીતો પર કૃતિઓ અને દેશભક્તિના ગીતો દ્વારા લોકોનું મનોરંજન કરાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે