'મન હોય તો માળવે જવાય', એક બાદ એક પાંચ ફ્રેકચર છતાં મલેશિયામાં આ સુરતીએ વગાડ્યો ગુજરાતનો ડંકો

વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા અને પરિવાર અને કોચ તરફથી સતત સહાય સાથે લાંબી મજલ હતી. ડો. હેતલ તમાકુવાળા જણાવ્યું હતું કે, "રૂલ-ઓફ-7" એટલે કે ક્લિનિકલ પ્રેક્ટિસના 7 કલાક, તાલીમના 7 કલાક, દિવસમાં 7 કલાકની ઊંઘ, સમર્પણ અને શિસ્ત આયર્નમેન બનાવે છે.

'મન હોય તો માળવે જવાય', એક બાદ એક પાંચ ફ્રેકચર છતાં મલેશિયામાં આ સુરતીએ વગાડ્યો ગુજરાતનો ડંકો

ઝી ન્યૂઝ/સુરત: હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે અમે એક એવી મહિલા શક્તિ અંગે તમને જણાવવા જઈ રહ્યા છે જેણે મહિલાઓની આંતરિક શક્તિ કેટલી મજબૂત હોય છે અને તેના કારણે દરેક સિદ્ધિ મેળવી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યુ છે. મલેશિયા ખાતે આયોજિત થનાર ફુલ આયર્નમેન ટ્રાયથ્લોન માટે પ્રેક્ટિસ દરમિયાન એક બાદ એક પાંચ ફ્રેક્ચર હોવા છતાં સુરતની મહિલા ડેન્ટિસ્ટ ડો. હેતલ તમાકુવાલાએ આ ઇવેન્ટમાં ભાગ પણ લીધો અને આયર્નમેન ટ્રાયથ્લોન માં દસમો ક્રમ હાંસલ પણ કર્યો છે. એટલું જ નહીં આવી વિકટ પરિસ્થિતિમાં પણ 5 મહિનામાં 5 ઇવેન્ટ્સ જીત્યા છે.

આયર્ન-વુમન તરીકે ગુજરાતમાં પોતાની ઓળખ સ્થાપિત કરનાર સુરતના ડો. હેતલ તમાકુવાલા ભારતની 9 મહિલાઓમાંથી સંપૂર્ણ-આયર્નમેન ટ્રાયથ્લોન પૂર્ણ કરનાર "પ્રથમ અને એકમાત્ર ડેન્ટીસ્ટ" છે. તમને આશ્ચર્ય થશે કે, તે શું છે. તે એક ઉચ્ચ-પ્રદર્શન સહનશક્તિની સ્પર્ધા છે. જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: સમુદ્રમાં 3.8 કિ.મી. તરવું, 180 કિલોમીટર સાઇકલ અને 42 કિ.મી.ની દોડનો સમાવેશ થાય છે.

45 વર્ષની ઉંમરે તેઓ પોતાના પ્રથમ પ્રયાસમાં જ 15 કલાક 40 મિનિટના વિક્રમી સમય અને આંતરરાષ્ટ્રીય 10મા ક્રમ સાથે આ સ્પર્ધા પૂરી કરી શક્યા હતા. તે ગુજરાતની માત્ર 2જી મહિલા છે, જે 40 વર્ષથી વધુ ઉંમરની છે, જેણે આ ઇવેન્ટને પૂરી કરી છે. તેમણે 5-નવેમ્બર, 2022 ના રોજ મલેશિયાના સત્તાવાર ફુલ-આયર્નમેન ટ્રાયથ્લોન લુંગકાવી ખાતે આ સિદ્ધિ હાંસલ કરી હતી. 

આખો દિવસ ચાલનારી આ સ્પર્ધામાં બપોરના આકરા તડકાથી માંડીને દરિયાનું પાણી, જેલીફિશના ડંખ, ભેજવાળું વાતાવરણ, બદલાતી ઊંચાઈઓ અને ભારે પવનો સુધીનું બધું જ હોય છે. તેઓ 45 વર્ષના છે અને ફુલ-ટાઇમ ડેન્ટલ પ્રેક્ટિશનર, કુશળ કેનવાસ અને સ્કેચ આર્ટિસ્ટ અને બે બાળકોની માતા છે. તે દરરોજ સવારે 4 વાગ્યાથી પ્રેક્ટિકસ કરે છે.

રૂલ-ઓફ-7
આયર્ન-મેનનું બિરુદ હાંસલ કરવું એ નિયમિત સઘન તાલીમ છે. 5 ફ્રેક્ચર જેમાં- જમણી હાંસડીનું ફ્રેક્ચર , નાકનું હાડકું ફ્રેક્ટચર, જમણા પગનું ફ્રેક્ચર, બે વાર હથેળીના હાડકાં ફ્રેક્ચર થયા છે. વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા અને પરિવાર અને કોચ તરફથી સતત સહાય સાથે લાંબી મજલ હતી. ડો. હેતલ તમાકુવાળા જણાવ્યું હતું કે, "રૂલ-ઓફ-7" એટલે કે ક્લિનિકલ પ્રેક્ટિસના 7 કલાક, તાલીમના 7 કલાક, દિવસમાં 7 કલાકની ઊંઘ, સમર્પણ અને શિસ્ત આયર્નમેન બનાવે છે.

પાંચ મહિનામાં ક્યાં પાંચ ઇવેન્ટ જીત્યા?
- 2 ઓક્ટોબર 2022ના રોજ કોહલાપુર લોહપુરૂષ અર્ધ-આયર્નમેન ટ્રાયથ્લોન બીજું ઇનામ
-5 નવેમ્બર 2022ના રોજ ફુલ-આયર્નમેન ટ્રાયથ્લોન લુંગકાવી, મલેશિયા ખાતે 15 કલાક 40 મિનિટમાં, પહેલા પ્રયાસમાં ફિનિશર

-13 નવેમ્બર 2022ના રોજ
ગોવા હાફ-આયર્નમેન ટ્રાયથ્લોનમાં બીજું ઇનામ

-1 જાન્યુઆરી 2023 ના રોજ
ગુરુશીખર ચેલેન્જ - મહેસાણાથી માઉન્ટ આબુથી ગુરુશીખર સુધી 183 કિ.મી.ની અપહિલ સાયકલ ચલાવવી. જેમાં પહેલું ઇનામ

25 ફેબ્રુઆરી 2023 
કોણાર્ક હર્ક્યુલિયન ફુલ-આયર્નમેન ટ્રાયથ્લોનમાં પહેલું ઇનામ

નેઝલ બોન ફેક્ચર થયો હતો
ડોક્ટર હેતલ તમાકુવાળાએ જણાવ્યું હતું કે, ફુલ આયર્નમેન ટ્રાયથ્લોન ઇવેન્ટની તૈયારીઓ માટે ઘણી મુશ્કેલીઓ આવી હતી. એમાં મને પાંચ વાર ફેક્ચર થયું છે. પગમાં એકવાર, ત્રણ વાર હાથમાં અને નેઝલ બોન ફેક્ચર થતું હતું. આ સિવાય નાની-મોટી બીજાઓ પણ થઈ હતી. જેમાં લિગામેન્ટ ખેંચાઈ જવું આ બધું ચાલતું જ હતું. ત્યાર પછી પણ મારા ફેમિલી અને મારા પતિ તરફથી એટલો સારો સપોર્ટ મળ્યો કે મારી ઇવેન્ટ છોડવા કરતા વધારે આગળ વધવા માટે પ્રોત્સાહન મળ્યું. ધીમે ધીમે પહેલા ઓલમ્પિક ડિસ્ટન્સ ત્યાર પછી હાફ આયરમેન, ફુલ આયરમેન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો.

ઘરની અંદર જ 21 કિલોમીટર રનિંગ
ફૂલ આયર મેન કમ્પ્લીટ કરવા માટે કોરોના કાળ પહેલાથી જ હું તૈયારી કરી રહી હતી. પરંતુ એક થી દોઢ વર્ષ સુધી કોરોનાના કારણે સાઇકલ લઈને બહાર જઈ શકાતું નહોતું. તો પણ મારી ફિટનેસ જાળવવા માટે ઘરની અંદર કંઈક ને કંઈક એક્સરસાઇઝ કરતી હતી. ઘરની અંદર જ 21 કિલોમીટરનું રનિંગ કરતી હતી. મારુ ઘર બે માળનું છે. 200 વાર પગથીયા ઉપર નીચે કરતી હતી. દોઢસો વાર સૂર્ય નમસ્કાર કરતી હતી. આવી રીતે અલગ અલગ એક્સરસાઇઝ અને ફિટનેસ માટે કરતી હતી. લોકડાઉન ઓપન થતા મેં ફરીથી સ્વિમિંગ અને સાયકલિંગ શરૂ કર્યુ હતું.

પોઇન્ટ સિસ્ટમ પ્રમાણે દેશમાં ત્રીજા ક્રમે
મલેશિયાની આ ઇન્ટરનેશનલ ઇવેન્ટ હોય છે. ફોર્ટી એજ ગ્રૂપમાં મહિલાઓમાં ભારતમાંથી માત્ર મેં જ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. હું હાલ 45 વર્ષની છું. આ ઈવેન્ટમાં મારો દસમો રેન્ક હતો. જોકે કન્ટ્રી રેન્કની વાત કરવામાં આવે તો વર્તમાનમાં હું પોઇન્ટ સિસ્ટમ પ્રમાણે ત્રીજા ક્રમે છું. જે મારા માટે ગર્વની બાબત છે અને આગળ હજુ હું અલ્ટ્રામેન ઇવેન્ટમાં ભાગ લેવા માટે હું ખૂબ જ ઉત્સુક છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news