સૌરાષ્ટ્રના અસલી કિંગ! ચૂંટણીની અગ્નિપરીક્ષામાં પાસ થયા ગુજરાતના બે યુવા નેતા

Sthanik Swaraj Election Result 2025 : ભાજપના નેતા જયેશ રાદડિયાએ જેતપુરમાં પોતાનો પાવર દેખાડ્યો, તો કુતિયાણામાં કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીને એકલા હાથે જીતાડી 

સૌરાષ્ટ્રના અસલી કિંગ! ચૂંટણીની અગ્નિપરીક્ષામાં પાસ થયા ગુજરાતના બે યુવા નેતા

Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા કુતિયાણા નગરપાલિકાને લઈ કાંધલ જાડેજાની તથા જેતપુર નગરપાલિકાને લઈ જયેશ રાદડિયાની રહી છે. આમ તેમના રાજકીય વર્ચસ્વની પણ પરીક્ષા હતી, જેમાં તેઓ પાસ થયા છે. ગુજરાતના બંને યુવા નેતાઓનો સૌરાષ્ટ્રમાં દબદબો યથાવત છે. આ ચૂંટણી જીતવી તેમની લોકપ્રિયતાને સાબિત કરે છે. 

કુતિયાણામાં કાંધલ જ કિંગ
કુતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળતા કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે. જ્યારે ભાજપને 10 સીટ મળતા ઢેલી બહેનને મોટો ફટકો પડ્યો છે. અહીં સમાજવાદી પાર્ટીનું કોઈ નામોનિશાન નથી અને કાંધલ જાડેજા પોતે જ એક પાર્ટી છે. તેમના નામનું જ અહીં આગવું મહત્વ રહ્યું છે. એનસીપી, અપક્ષ, સપા એમ વિવિધ પક્ષમાંથી ધારાસભ્ય બનેલાં કાંધલ જોકે રાજ્યસભાની ચૂંટણીમાં નિયમિત રીતે ભાજપની તરફે મતદાન કરતાં રહે છે અને આડકતરી રીતે ભાજપના જ ધારાસભ્ય હોય એમ વર્તે છે. 

સમાજવાદી પાર્ટીની ભવ્ય ઉજવણી
કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. કુતિયાણામાં જીત બાદ સમાજવાદી પાર્ટીએ જીતની ભવ્ય ઉજવણી કરી. કુતિયાણામાં ભવ્ય જીત બાદ સમાજવાદી પાર્ટીએ વિજય સરઘસ કાઢ્યું હતું. આ વિજય સરઘસમાં ધારાસભ્ય કાંધલ જાડેજા તથા કાના જાડેજા પણ જોડાયા હતા. પોરબંદર જિલ્લાની બંને નગરપાલિકામા આ વખતે ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર હતી. સમાજવાદી પાર્ટીમાથી આ વખતે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા પણ ચૂંટણી લડી રહ્યાં હતા. 

રાદડિયાની જીતની હેટ્રિક
વિઠ્ઠલ રાદડિયાનો ગઢ કહેવાતા જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જેતપુર પાલિકાની 44 બેઠકો પરથી 32 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. પાલિકાની વોર્ડ 11 ની 44 બેઠકોમાંથી ભાજપના-32, અપક્ષ-11 અને કોંગ્રેસ-1 બેઠક મળી છે. જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાતા ખુશીનો મહોલ છવાયો છે. ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાલિકાના સદસ્યોને વધાવ્યા હતા. ધારાસભ્ય જયેશ રાદડિયા પણ મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા.

રાદડિયાની કસોટી 
રાદડિયાને ભાજપથી વાકું ચાલે છે. રાદડિયાએ જ્યારથી હાઈકમાન્ડના મેન્ટેડનો અનાદર કરીને ઈફ્કોની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, ત્યારથી રાદડિયા ભાજપમા આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યાં છે. રાદડિયા અનેકવાર જાહેરમાં બોલી ચૂક્યા છે કે, તેમની સામે રાજકારણ થઈ રહ્યું છે. પરંતુ જયેશ રાદડિયા જેતપુરના કિંગ છે. તેથી આ ગઢ સાચવવાની જવાબદારી તેમના શિરે હતી. 

જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ રૂપિયાનો વરસાદ કરાયો હતો. ભાજપના વિજય ઉત્સવમાં ધારાસભ્ય જયેશ રાદડીયા અને પૂર્વ પ્રમુખએ ઉમેદવારો પર રૂપિયાનો વરસાદ કર્યો. ધારાસભ્યે વિજય ઉત્સવ દરમિયાન રૂપિયા 50 /50ની નોટોનો વરસાદ કર્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news