નવસારીની આ શાળાએ ગણિતના શિક્ષકની ભરતી કરવા આપી અનોખી જાહેરાત, દાખલામાં છુપાવ્યો મોબાઇલ નંબર, દેશ વિદેશમાંથી આવ્યા જવાબ
નવસારીની એક શાળામાં ગણિતના શિક્ષકની જગ્યા ખાલી પડી હતી. સ્કૂલ સંચાલકોએ તે માટે એવી જાહેરાત બનાવી કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ. વિદેશથી પણ લોકોએ શાળાને પોતાનો જવાબ આપ્યો હતો.
Trending Photos
ધવલ પારેખ, નવસારીઃ સવાલના જવાબ તો હર કોઈ શોધી આપે છે, પણ નવસારીની એક શાળાના શિક્ષકે ખાલી પડેલી ગણિત શિક્ષકની જગ્યા માટે જવાબમાંથી ગણિતનો સવાલ બનાવી ઉત્તમ શિક્ષકની શોધ માટે જાહેરાત આપી હતી. જે સવાલનો જવાબ શોધનાર જ શાળાનો સંપર્ક કરી ઈન્ટરવ્યુમાં પહોંચી શકે એમ હતું. ગણિતનો આ ઇક્વિશનની જાહેરાત દેશ વિદેશમાં વાયરલ થઈ રહી છે અને આજે પણ જવાબ શોધનારાઓ શાળાનો સંપર્ક કરી રહ્યા છે, પણ શાળાએ જવાબ શોધી ઈન્ટરવ્યુમાં પાસ થનાર નવસારીના જ યુવાનને ગણિત શિક્ષક તરીકે પસંદ કર્યો હતો.
નવસારીના માણેકલાલ રોડ પર આવેલી 105 વર્ષ જૂની ભક્તાશ્રમ શાળા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે શાળામાં શ્રેષ્ઠ શિક્ષકો હોય એવા પ્રયાસ કરતી રહે છે. ત્યારે હાલમાં જ ધોરણ 10 અને ઉચ્ચત્તર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં ગણિત શિક્ષકની ખાલી પડેલી જગ્યા માટે જાહેરાત આપવાની તૈયારી કરી, પરંતુ દર વખતે જાહેરાત આપ્યા બાદ જે અરજીઓ આવતી એમાં ભલામણો પણ ઘણી આવતી અને એમના ઇન્ટરવ્યૂ કરવામાં સમય પણ ઘણો જતો હતો. જેથી શાળાના શિક્ષક પરીન મહેતાએ યુનિક જાહેરાત આપવાનું વિચાર્યુ અને પોતાની 9 માં ધોરણમાં ભણતી દિકરી સાથે દોઢ કલાકની મહેનત બાદ મોબાઈલ નંબરને ગણિતના પ્રાથમિક નિયમ MODMAS Rule (ભાગુસબા) આધારે જવાબ બનાવી તેના આધારે ગણિતના એક સમીકરણને સવાલ બનાવી ગણિતના શિક્ષકની જાહેરાતમાં દાખલાનો જવાબ શોધે એ જ શાળાનો સંપર્ક કરી શકે એમ હતુ. જેથી શાળામાં ઇન્ટરવ્યૂ લેવા પૂર્વે જ હોશિયાર ગણિત શિક્ષક મળે એવો પ્રયાસ થયો. જેમાં શાળાને શરૂઆતમાં તો કોઈ અરજી મળી નહીં, પણ ત્રણ મહિનાને અંતે 8 ઉમેદવારો મળ્યા હતા. જેમાંથી જાહેરાત મળ્યા ગણિતના સમીકરણને ઉકેલી શાળાનો સંપર્ક કરનાર નવસારીના ચિંતન ટંડેલને ઈન્ટરવ્યુ સાથે ડેમો ક્લાસ લીધા બાદ ગણિત શિક્ષક તરીકે પસંદ કર્યો હતો.
ભક્તાશ્રમ શાળાની ગણિત શિક્ષક માટેની જાહેરાતના ગાણિતિક સમીકરણને નવસારીના ચિંતન ટંડેલે 5 મિનીટમાં સોલ્વ કર્યુ હતુ. જવાબમાં મળેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી, ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગણિત શિક્ષક તરીકે નોકરી મેળવી હતી. ખાસ કરીને ગાણિતિક સમીકરણનો ઉકેલ સરળતાથી મેળવી શકાય છે, પણ તમને ગણિતના પ્રાથમિક નિયમ આવડતા હોય, તો અઘરા સમીકરણ પણ સહેલાઈથી ઉકેલી શકાય છે.
સોશ્યલ મિડીયા થકી વાયરલ થઈ રહી છે. જેને હર્ષ ગોએંકા સહિત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ ટ્વીટ કરી છે. જાહેરાતમાં આપેલ મોબાઈલ નંબરનું ગાણિતિક સમીકરણ સોલ્વ કરી સમગ્ર ભારત તેમજ દુનિયામાંથી અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોએ શાળાનો સંપર્ક કર્યો છે. ત્યારે શાળાનો શિક્ષક શોધવાનો નવતર પ્રયોગ શાળાને વૈશ્વિક નામના અપાવી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે