સૌરાષ્ટ્રમાં લોકસભાની ચુંટણીમાં ટીકીટ ફાળવણીમાં પાટીદારનો દબદબો
લોકસભાની ચૂંઠણીમાં સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની 7 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે કરેલા ઉમેદવારોની પસંદગી જ્ઞાતિના સમીકરણના આધારે જ કરવામાં આવી છે.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: નેતાઓ જાહેરસભાના ભાષણમાં ભલેને ભાઇચારાની વાતો કરતા હોય પરંતુ અંતે તો તેઓ જ્ઞાતિ અને જાતિવાદીના રાજકારણ વચ્ચે રચ્યા-પચ્યા રહેતા હોય છે અને તેના જ કારણે ચૂંટણીનું ગણિત જ્ઞાતિ-જાતિના સમીકરણ આધારિત લાદવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંઠણીમાં સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની 7 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે કરેલા ઉમેદવારોની પસંદગી જ્ઞાતિના સમીકરણના આધારે જ કરવામાં આવી છે. ત્યારે આવો જાણીએ શું છે સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ આધારિત રાજકારણ અને શું છે માહોલ...
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બંને રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રચાર અર્થે જોર સોરથી લાગી ગયા છે. ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રકો પણ ભરી દીધા છે. ત્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આ વખતે સૌરાષ્ટ્રની 7 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા પાટીદાર, કોળી અને એક એક આહીર ઉમેદવારને ટિકિટ ફાળવી છે. આમ તો મોટા ભાગે નેતાઓ જાહેરમાં બધા સમાજને સાથે રાખી ચાલવાની વાત કરતા હોય છે. ભાઇચારાની વાતો કરતા હોય છે. ત્યારે એક વાત નિશ્ચિત છે કે, ચૂંટણી ગમે તે હોય પરંતુ ચૂંટણી સમાજના સમીકરણ ઉપર જ આધાર રાખતી હયો છે અને એટલા માટે જ આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 7 બેઠકો પર ભાજપે 3 પટેલ, 3 કોળી અને 1 આહીર ઉમેદવારને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ 4 પટેલ, 2 કોળી અને 1 આહીર ઉમેદવારને ટિકિટ આપી છે.
સૌરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ કુલ 7 બેઠક પર 7 પાટીદારોને ટિકિટ ફાળવી છે એટલે કે 50 ટકા ટિકિટ ફાળવણી પાટીદાર ઉમેદવારને કરવામાં આવી છે. ભાજપે 3 પાટીદારોને મેદાનમાં ઉતાર્યા, જેમાં 1 કડવા અને 2 લેઉવા પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસે 4 પાટીદારોને મેદાને ઉતાર્યા, જેમાં 1 કડવા અને 3 લેઉવા પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ભાજપના ઉમેદવારોની વાત કરવામાં આવે તો રાજકોટમાં મોહન કુંડારિયા કે જેઓ કડવા પટેલ છે. અમરેલીમાં નારણ કાછડિયા અને પોરબંદરમાં રમેશ ધડુક જે બંન્ને લેઉવા પટેલ છે.
જ્યારે ભાવનગરના ભારતીબેન શિયાળ, સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા અને જુનાગઢમાં રાજેશ ચુડાસમા કોળી ઉમેદવાર છે, અને જામનગર બેઠક પરથી પુનમ માડમને ટિકિટ આપવામાં આવી છે. જે આહીર ઉમેદવાર છે. તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવારોની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક પર લલિત કથગરા કે જેઓ કડવા પટેલ છે, અમરેલીમાં પરેશ ધાનાણી, પોરબંદરમાં લલિત વસોયા અને ભાવનગરમાં મનહપ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે 7 બેઠકો પૈકા સુરેન્દ્રનગર, અમરેલી અને પોરબંદર બેઠક પર રસાકરીનો જંગ થાય તેમ છે તેવામાં ભાજપને આ 3 બેઠક પર કબ્જો યથાવત રાખવા મહેનત વધુ કરવી પડશે.
લોકસભાની ચૂંટણીની સાથે સૌરાષ્ટ્રમાં વિધાનસભાની 3 બેઠકો પર ચૂંટણી યોજવાની છે. જેમાં કોંગ્રેસ 3 બેઠક પર પાટીદાર ઉમેદવાર મેદાને ઉતર્યા છે. જ્યારે ભાજપે એક પટેલ, એક કોળી અને એક આહીર ઉમેદવારને ટિકિટ ફાળવી છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે સૌરાષ્ટ્રમાં મુખ્ય ઉમેદવાર જય પરાજય પાટીદાર, કોળી અને આહીર સમાજ નક્કી કરશે. કારણ કે, આ ત્રણેય જ્ઞાતિની વસ્તી જે તે લોકસભા વિસ્તારમાં બહુમતીમાં છે. જ્યારે એન્ય સમાજના મતદારો પણ નિર્ણાયક બની રહેશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, જ્ઞાતિ આધારિત રાજકારણમાં સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રોવાળી ભાજપ ફરી એક વખત સૌરાષ્ટ્રની સાત બેઠક પર કબ્જો બળવાન રાખશે કે પછી હમેશા ખેડૂતોની સાથે રહેતી હોવાનો દાવો કરતી કોંગ્રેસ પાટીદારોને મેદાને ઉતારી વિધાનસભાના પરિણામની લોકસભા ચૂંટણીમાં કબજો જમાવશે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે