નેતાઓ, બિલ્ડરો અને માલેતુજારોના દબાણોના કારણે વડોદરા શહેર પાણીમાં ડૂબ્યું! ભાજપના નેતાએ દબાણ તોડ્યું

Vadodara Floods : વડોદરામાં પૂરથી નુકસાન બાદ તંત્રને દબાણો દૂર કરવાનું આવ્યું યાદ... ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ નદીમાં કરેલું દબાણ તોડાયું... લોકોના આક્રોશ બાદ તંત્ર આવ્યું એક્શનમાં...
 

નેતાઓ, બિલ્ડરો અને માલેતુજારોના દબાણોના કારણે વડોદરા શહેર પાણીમાં ડૂબ્યું! ભાજપના નેતાએ દબાણ તોડ્યું

Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા શહેરમાં પૂરના પાણીએ સર્જેલી તારાજીને વડોદરાવાસીઓ ભૂલી શકે તેમ નથી. તો સાથે જ જેમના કારણે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ તેમને પણ વડોદરાવાસીઓ ભૂલવાના મૂડમાં નથી. વિશ્વામિત્રીમાં પૂરનું પાણી આવ્યું અને વડોદરાની દશા બેઠી એ તો સૌ કોઈ જાણે છે. પરંતુ આ નિર્દોષ નદીએ કેમ આટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું એના જીવતા જાગતા પુરાવા આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. કોણે નદી પર દાનત બગાડી અને દબાણો થકી પોતાનું સામ્રાજ્ય ઉભુ કર્યું એ જાણવા માટે જોઈએ આ વિશેષ અહેવાલ… 

વડોદરામાં પૂરના કારણે નાગરિકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, વિશ્વામિત્રી નદી અને વરસાદી કાંસ પર થયેલા દબાણો પૂર માટે મુખ્ય જવાબદાર છે, જેને લઇ નાગરિકોમાં ભારે રોષ પણ છે. દબાણોને લઇ નાગરિકો, ભાજપ કોંગ્રેસના મોટા નેતાઓએ તમામે સવાલો ઉઠાવ્યા છે. ત્યારે હવે મોડે મોડે ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ વિશ્વામિત્રી નદીમાં કરેલ દબાણો તોડવાની શરૂઆત કરી છે. પરાક્રમસિંહ જાડેજાએ નદીમાં ઓટલો બનાવ્યો, સાથે જ નદીથી 30 મીટરનું માર્જિન છોડ્યા વગર સોમનાથ વીલા બંગલાની પ્રોટેક્શન વોલ પણ ઉભી કરી દીધી છે. ભાજપ કોર્પોરેટરના દબાણને લઇ ઉઠતા મોડે મોડે કોર્પોરેટરે ઓટલો તોડવાની શરૂઆત કરી છે. પણ ઘરની પ્રોટેક્શન વોલ પણ નિયમ પ્રમાણે તોડવી પડે તેમ છે. ત્યારે શું તેવો વોલ તોડશે તે સવાલ ઊઠવા પામી રહ્યો છે. નેતાઓ, બિલ્ડરો અને માલેતુજારોના દબાણોના કારણે શહેર પાણીમાં ડૂબ્યું જેને લઇ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

પરાક્રમસિંહ જાડેજાના ઘરની બિલકુલ સામે વિશ્વામિત્રી નદીની જમીનમાં વધુ એક બંગલો બની રહ્યો છે. અગોરા મોલની જેમ આ બંગલાના માલિકે પણ નદીની અંદર પુરાણ કરી પ્રોટેક્શન વોલ બનાવી દીધી છે, જેથી નદી સાંકડી થઈ ગઈ છે. વિશ્વામિત્રી નદી હવે દબાણોના કારણે નાળુ બની ગઇ છે. તેમ છતાં તંત્રને આવા દબાણો દેખાતા નથી. નિયમ મુજબ કોઈપણ વ્યક્તિને બાંધકામ કરતાં પહેલા નદીથી 30 મીટર અને તળાવ, કાંસથી 9 મીટરનું માર્જિન છોડવું ફરજિયાત છે, જે છોડવામાં નથી આવ્યું. કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી બેફામ બનીને રજાચિઠ્ઠી પણ આપી રહ્યા છે. 

ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવી જરૂરી છે. શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહે કહ્યું કે 15 દિવસમાં વિશ્વામિત્રી નદી પરના દબાણોને લઈ સિનોમ કંપનીનો રિપોર્ટ કોર્પોરેશનને મળી જશે, ત્યારબાદ નદી પરના તમામ દબાણો અમે તોડી પાડીશું, શરૂઆત જે દબાણ તોડવાની સૌથી વધુ ચર્ચા છે તેનાથી જ કરીશું.

મહત્વની વાત છે કે વિશ્વામિત્રી નદી પર ભાજપ કોંગ્રેસના નેતાઓ ઉપરાંત અગોરા મોલ, શ્રી બાલાજી મોલ, દર્શનમ ગ્રુપના બિલ્ડર, આર.સી પટેલ એસ્ટેટ, સયાજી હોટલ સહિત અનેક મોટા માથાઓએ દબાણ કર્યા છે. જો આ મોટામાથાઓના દબાણ તોડવામાં આવે તો જ ભાજપ પ્રમુખે બોલેલુ પાડયું તેમ માનવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news