રેપિસ્ટ નિર્દોષ, તો મહિલા પર કોણે બળાત્કાર કર્યો? દિલ્હીની જેસિકા લાલ જેવો ગુજરાતનો નલિયા સેક્સકાંડ
Naliya Rape Case : આખા ગુજરાતને હચમચાવી દેતા બહુચર્ચિત નલિયા સેક્સકાંડનું ખતરનાક ક્લાયમેક્સ, મહિલા પર બળાત્કાર થયો જ ન હતો, તો કેસ કેવો... 8 વર્ષ આ કેસ પાછળ કરાયેલી મહેનત પર પાણી ફરી વળ્યું
Trending Photos
Kutch News : કચ્છના નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં કોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં 8 આરોપી નિર્દોષ જાહેર કરાયા છે. જી હા...2017માં સામુહિક દુષ્કર્મ કેસમાં ભાજપના નેતાઓને સાંકળતા ચકચારી કેસમાં ભુજ સેશન્સ કૉર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઈલ થઇ હતી. જેના કારણે આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે. પરંતું ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારા આ કેસનું આવું ક્લાયમેક્સ આવશે તેવું કોઈએ વિચાર્યું પણ નહિ હોય. ત્યારે આ કેસ અનેક સવાલો પેદા કરે છે કે, જો બળાત્કાર થયો જ ન હતો તો કેસ કેવો થયો. આ કેસ દિલ્હીનો જેસિકા લાલ કેસને યાદ અપાવે છે.
8 આરોપી નિર્દોષ જાહેર
નલિયા સામૂહિક દુષ્કર્મકાંડના તમામ ૮ આરોપી નિર્દોષ જાહેર કરાયા છે. વર્ષ 2017 ના ચકચારી કેસમાં ભુજ સેશન્સ કૉર્ટે ચુકાદો આપ્યો છે. ભાજપના નેતાઓને સાંકળતા ચકચારી કેસમાં ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂંક કરી હતી. પરંતું મહત્વની સાક્ષી એવી ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઈલ થઇ હતી અને શંકાનો લાભ મળતા આરોપી નિર્દોષ જાહેર થયા છે.
શું હતો કચ્છ નલિયા સેક્સકાંડ
કચ્છ જિલ્લાના નલિયામાં એક યુવતી ઉપર ઓગસ્ટ 2015થી નવેમ્બર 2016 દરમિયાન સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની હકીકતો બહાર આવી હતી. આ બનાવની તલસ્પર્શી તપાસ માટે જસ્ટિસ એ એલ દવેના અધ્યક્ષ પદે તપાસ પંચ નીમાયુ હતું. બહુચર્ચીત નલિયા સેક્સ કાંડના તપાસનો અહેવાલ ગુજરાત વિધાનસભામાં પણ રજૂ થયો હતો. નલિયા કાંડની તપાસ માટે જસ્ટિસ દવે કમિશન રચાયું હતું. આ કમિશનના રિપોર્ટના મતે ઓગસ્ટ 2015 થી નવેમ્બર 2016 સુધી બળાત્કારની ઘટના બન્યા અંગેનું કોઈ સાહિત્ય મળ્યું ન હતું.
રેપિસ્ટ નિર્દોષ, તો કેસ કેવો
તમને રાની મુખરજી અને વિદ્યા બાલન ફેમ મુવી ‘નો વન કિલ્ડ જેસિકા’ તો યાદ હશે ને. આ ફિલ્મમાં દિલ્હીનો બહુચર્ચિત જેસિકા લાલનો કેસ બતાવાયો હતો. જેમાં જેસિકા લાલની જાહેરમાં હત્યા કરનાર બંને આરોપીએ નિર્દોષ જાહેર કરાયા હતા. ત્યારે ગુજરાતના નલિયા સેક્સકાંડે પણ ખળભળાટ મચાવ્યો હતો. લાંબો સમય આ કેસ ચાલ્યો હતો, જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યો હતો. બડાસા-નલિયામાં કામ કરતી અને મૂળ મુંબઈની યુવતીએ 2017ના જાન્યુઆરીમાં નલિયા પોલીસ મથકે ગેંગ રેપની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ જેમનાં નામ ફરિયાદમાં આપ્યાં તેમાં ભાજપના કેટલાક નેતા પણ હતા. યુવતીએ પોતાની ઉપર ઓગસ્ટ-2015થી નવેમ્બર-2016 દરમિયાન 65 લોકો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.ભાજપના નેતાઓ સહિત 10 લોકોએ પોતાને હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ યુવતીએ નોંધાવતા ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. જેના બાદ લાંબી તપાસ થઈ. 9 આરોપીઓ પકડાયા હતા, તમામ સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી. પરંતું હવે ફરિયાદી યુવતી જ ફરી ગઈ છે.
મહેનત પર પાણી ફરી વળ્યું
હવે જ્યારે ચુકાદો આવી ગયો છે, અને 8 લોકો નિર્દોષ જાહેર કરાયા છે, તો સવાલ એ છે કે જો બળાત્કાર થયો જ ન હતો, તો પછી કેસ કેવો. કાનૂની નિષ્ણાતોના મતે, ન્યાયતંત્રની આ ક્રૂર મજાક છે. ફરિયાદી યુવતીના આક્ષેપો પછી એસટીઆઈ અને સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર નિમ્યા તેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો. ગમે તે કારણોસર યુવતી ફરી જતાં બધા પર પાણી ફરી વળ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે