MP ચૂંટણી બની લોહિયાળ LIVE: ભીંડમાં મતદાન કેન્દ્ર પર ઉપદ્રવ, મારપીટ અને ફાયરિંગ
બુધવારે દેશનાં બે રાજ્યોમાં મતદાન યોજાવાનું છે, મિઝોરમમાં 40 બેઠકો અને મધ્યપ્રદેશમાં 230 બેઠકો માટે સવારે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન છે.. મધ્યપ્રદેશમાં 230 બેઠકો માટે મતદાન યોજાયું છે જ્યારે મિઝોરમ વિધાનસભાની 40 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મિઝોરમ અને મધ્ય પ્રદેશમાં હાલ મતદાન શરૂ થઈ ગયું છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ભાજપના 15 વર્ષના શાસનને પરાસ્ત કરીને સત્તા હાંસલ કરવા પ્રયાસ કરી રહી છે, જ્યારે ભાજપ ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં કોંગ્રેસના એકમાત્ર ગઢ મિઝોરમના કાંગરા ખેરવી દેવાના સપના જોઈ રહ્યું છે. બાલાઘાટ જિલ્લાની 3 બેઠકો પર મતદાન 7 વાગે શરૂ થઈ ગયું જ્યારે બાકીની બેઠકો માટે 8 વાગે મતદાન શરૂ થયું. રાજ્યમાં મતદારોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ પોલિંગ બૂથો પર લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે.
LIVE UPDATES
- મિઝોરમમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 71 ટકા મતદાન થયું હતું. હજુ પણ મતદારો લાઈનમાં ઊભા હોવાથી મતદાન વધવાની શક્યતા છે.
- મિઝોરમમાં કાવરથાહ મતવિસ્તારમાં 106 વર્ષના વૃદ્ધાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
- મધ્યપ્રદેશમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન નોંધાયું છે.
- મધ્યપ્રદેશમાં ઈલેક્શન ડ્યુટી ઉપર ત્રણ કર્મચારીના કુદરતી મોત થયા હતા. ધાર, ઈન્દોર અને ગુના જિલ્લામાં ઈલેક્શન કર્મચારીઓની અચાનક તબિયત ખરાબ થવાને કારણે મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ત્રણ લાખ સરકારી કર્મચારીઓને ચૂંટણીની ડ્યુટી સોંપવામાં આવી છે, જેમાં 45,000 મહિલાઓ છે.
- નક્સલ પ્રભાવિત બાલાઘાટ જિલ્લાની 3 બેઠકો માટે સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થયું.
A 106-year-old woman after casting her vote in Kawrthah. #MizoramElections (Pic courtesy: Office of the Chief Electoral Officer) pic.twitter.com/OSd47D4Adb
— ANI (@ANI) November 28, 2018
- કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ચૂંટણી પંચ પાસે માગણી કરી કે સવારે મતદાન નક્કી સમય પર ઈવીએમ મશીને શરૂ ન થવા અને તેને બદલવામાં મતદાનનો સમય ખરાબ હોવાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આવા મતદાન કેન્દ્રો પર મતદાનના સમયને વધારવો જોઈએ.
- સીઈઓ કાર્યાલય પાસેથી મળેલી જાણકારી મુજબ શરૂઆતના પાંચ કલાકમાં પાંચ કરોડ ચાર લાખ મતદારોમાંથી એક કરોડ 26 લાખથી વધુ મતદાતાઓ મતદાન કરી ચૂક્યા હતાં. જેમાંથી 69 લાખ પુરુષ અને 59 લાખ વધુ મહિલા મતદારો છે. મુખ્ય ચૂંટણી અધિકારી વી એલ કાંતારાવે સ્વીકાર્યું કે પ્રદેશમાં 100 ઈવીએમ મશીનો ગડબડીના પગલે બદલવામાં આવી. આ મશીનો અડધા કલાકની અંદર બદલવામાં આવી.
-કોંગ્રેસના નેતા કમલનાથ અને દિગ્વિજયે જ્યાં EVMની ખરાબી પર સવાલ ઊભા કર્યા છે ત્યાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ ચૂંટણી પંચમાં તેને લઈને ફરિયાદ કરી છે. બંને નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ઈવીએમમાં ખરાબીની જાણકારી આપી.
- અશોકનગરના રાજપુરમાં 110 વર્ષની વૃદ્ધા તુલસાબાઈએ કર્યું મતદાન. તુલસાને તેના પરિજનો વ્હીલ ચેર પર મતદાન કેન્દ્ર સુધી લાવ્યાં અને મતદાન કરાવ્યું.
-ભીંડની લહાર વિધાનસભામાં ઉપદ્રવીઓએ ઉત્પાત મચાવતા મછંડ પોલિંગ બૂથ પર કબ્જો જમાવ્યો. હોબાળા દરમિયાન ત્યાં ફાયરિંગનો મામલો પણ સામે આવ્યો છે. આ જ વિસ્તારના રાયપુરા મતદાન મથક પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો. અહીં વોટિંગ મશીન તોડ્યા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત અટેર વિધાનસભાના પોલિંગ બૂથ પર109 પર નકલી મતદાનને લઈને ભાજપના એજન્ટ અભિષેક મિશ્રા પર હુમલો થયો. આરોપ છે કે વિપક્ષી દળના અડધા ડઝનથી વધુ લોકોએ હુમલો કર્યો છે.
- શરૂઆતના કલાકોમાં મધ્ય પ્રદેશમાં 6 કલાક મતદાન જ્યારે મિઝોરમમાં સવારે 9 વાગ્યા સુધી 15 ટકા મતદાન થયું.
- વોટિંગ શરૂ થયા બાદ ઈવીએમ મશીનોમાં આવતી ખરાબીના કારણે બબાલ મચી છે. જેના પગલે મતદાન કેન્દ્રોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગ્વાલિયર, શહડોલ, આગર માલવા, ઈન્દોર, ઉજ્જૈન સહિત અન્ય જિલ્લાઓમાં પોલિંગ બૂથો પર સમસ્યાઓ થઈ રહી છે. કોંગ્રેસના નેતા કમલનાથ અને દિગ્વિજય સિંહે ઈવીએમની ખરાબી પર સવાલ ઊભા કર્યા છે.
-મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવામાં લાગેલા પોલીસ અને પ્રશાસને રાજ્યમાં ભિંડ જિલ્લામાં 3 વિધાનસભાના દબંગ ઉમેદવારોને નજરકેદ કર્યા છે. કોઈ પ્રકારના અનિચ્છનીય હાલાત પેદા ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
-પોલીસે ઉમેદવારો પર શિકંજો કસતા તેમને સરકારી ગેસ્ટ હાઉસમાં રાખ્યા છે. અટેરથી ભાજપના ઉમેદવાર અરવિંદ ભદૌરિયા અને કોંગ્રેસના ઉમેદવાર હેમંત કટારેને કિયા સર્કિટ હાઉસમાં નજરકેદ રાખવામાં આવ્યાં છે. આ બાજુ લહારથી કોંગ્રેસના ડો.ગોવિંદ સિંહ અને ભાજપના રસાલ સિંહને લહાર રેસ્ટ હાઉસમાં નજર કેદ કરવામાં આવ્યાં છે. આ બાજુ ભિંડ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ચૌધરી રાકેશ સિંહ ચતુર્વેદી અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ કુશવાહને પણ ભિંડ સર્કિટ હાઉસ પર પોલીસ પ્રશાસને નજરકેદ કર્યાં છે.
-મોબાઈલ પર લઈ રહ્યાં છે અપડેટ: ચંબલ વિસ્તારના ભિંડ જિલ્લાની અટેર, ભિંડ અને લહાર વિધાનસભાઓના ઉમેદવાર નજરકેદ દરમિયાન પોત પોતાના વિસ્તારના કાર્યકર્તાઓ પાસેથી દરેક પળની અપડેટ લઈ રહ્યાં છે. ચૂંટણી પૂરી થયા બાદ જ તેમને ત્યાંથી છોડવામાં આવશે.
- ગુનાના બમોરીમાં પરાંઠા ગામ પોલિંગ બૂથ પર પીઠાસીન અધિકારી સોહનલાલ બાથમનું હાર્ટ એટેકથી મોત થયું. આ બાજુ ઈન્દોર વિધાનસભા 5ની દીપિકા બાલ મંદિર નહેરુનગરના અધિકારી કૈલાશ પટેલને પણ હાર્ટ એટેક આવ્યો. તેમને શહેરની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
- વોટિંગ શરૂ થતા જ ઈવીએમ મશીનો ખોટકાવવાના શરૂ થયાં. આગર માલવાના પોલિંગ બૂથ 139 અને 140 પર મશીન ખરાબ થઈ છે. આ ઉપરાંત ભોપાલના દક્ષિણ પશ્ચિમ વિધાનસભામાં કોપલ શાળાના પોલિંગ બૂથ પર ઈવીએમ ખરાબ થયું. શહડોલમાં પણ આ સમસ્યા જોવા મળી. ડબરા વિધાનસભાના મતદાનકેન્દ્ર 178 પર ઈવીએમ ખરાબ થતા અડધા કલાકથી વોટિંગ રોકાયેલુ છે. આ ઉપરાંત રાધૌગઢમાં પણ ઈવીએમ ખરાબ થયું છે.
- સવારે 8 વાગે સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પત્ની સાધના સિંહ સાથે પોતાના ગામ જૈતમાં મતદાન કર્યું. આ અગાઉ ભાજપના નેતા શિવરાજ સિંહે પત્ની અને પુત્રો સાથે પોતાના પૈતૃક ગામ જૈતમાં દર્શન પૂજન કરીને પ્રદેશવાસીઓને કલ્યાણ, સુખ અને સમૃદ્ધિની કામના કરી. તેમણે કહ્યું કે આજે મતદાન છે, આથી દર્શન પૂજા કરીને હવે મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું. અત્રે જણાવવાનું કે બુધની વિધાનસભા સીટ પર આ વખતે શિવરાજ સિંહ સામે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ યાદવ જંગ લડી રહ્યાં છે.
મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018 : 40 બેઠકો પર મતદાન
મિઝોરમ વિધાનસભાની 40 બેઠકો માટે કુલ 209 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 7,70, 395 મતદારો આ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ કરશે. મિઝોરમમાં કુલ મતદારમાંથી 3,94,897 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મિઝોરમમાં સવારે 7 કલાકે મતદાન શરૂ થશે અને સાંજે 4.00 કલાકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે. તમામ વિધાનસભા બેઠક પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ઉપયોગ કરાશે. મિઝોરમની મતગણતરી 11 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે અને આ જ દિવસે પરિણામ જાહેર થઈ જશે.
1987માં મિઝોરમની સ્થાપના થઈ હતી અને ત્યાર બાદ 1989માં અહીં પ્રથમ સરકાર રચાઈ હતી. મિઝોરમમાં અત્યાર સુધી 6 વિધાનસભા ચૂંટણી થઈ છે, જેમાંથી 4 વિધાનસભામાં કોંગ્રેસની સરકાર રહી છે, જ્યારે 1998-2003 અને 2003થી 2008 સુધી મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં રહી છે. કોંગ્રેસની ચારેય સરકારમાં વર્તમાન મુખ્ય મંત્રી લાલ થાનહવલા જ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા છે. મિઝોરમમાં સૌથી વધુ વસ્તી મૂળ આદિવાસી મિઝો પ્રજા બહુમતમાં છે અને આ ઉપરાંત ચકમા તથા બૌદ્ધ પ્રજા પણ વસે છે.
કુલ બેઠકઃ 40
બહુમત માટે જરૂરી બેઠકઃ 21
ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018
મતદાનઃ 28 નવેમ્બર, 2018
મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018
2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
પક્ષ સીટ
કોંગ્રેસ 34
MNF 05
MPC 01
મિઝોરમના રાજકીય પક્ષો
મિઝોરમમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ઉપરાંત મિઝો નેશનલ ફ્રન્ટ અને મિઝમર પિપલ્સ કોન્ફરન્સ મુખ્ય પાર્ટી છે. ભાજપે વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીથી અહીં ઝંપલાવ્યું છે, પરંતુ હજુ પોતાનું અસ્તિત્વ બનાવી શકી નથી. આ ઉપરાંત એનસીબી, ઝોરામ નેશનાલિસ્ટ પાર્ટી, મારલન્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ જેવા સ્થાનિક પક્ષો પણ રાજકીય કદ ધરાવે છે.
કોંગ્રેસનો ગઢ
કોંગ્રેસ વર્ષ 2008થી મિઝોરમમાં સત્તામાં છે. આ અગાઉ 1989-1993 અને 1993-1998માં પણ કોંગ્રેસ સત્તામાં હતી. કોંગ્રેસના વર્તમાન મુખ્યમંત્રી લાલ થનહવલા મિઝોરમ પ્રજા ઉપર સારી પકડ ધરાવે છે. તેઓ મિઝોરમ રાજ્યની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીમાં ચાર ટર્મ મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. મિઝો આદિવાસી પ્રજામાં તેઓ લોકપ્રિય નેતા છે. આ વખતે કોંગ્રેસને મિઝો નેશનલ ફ્રન્ટ ઉપરાંત ભાજપનો પણ પડકાર છે. આ સિવાય ઉત્તર પૂર્વનાં તમામ રાજ્યોમાં કોંગ્રેસ સત્તા ગુમાવી ચુકી છે, માત્ર મિઝરમમાં જ તેની પાસે સત્તા છે. એટલે તેની સામે પોતાનો આ એકમાત્ર ગઢ સાચવી રાખવાનો પણ સૌથી મોટો પડકાર છે.
ભારતીય જનતા પાર્ટી
મિઝોરમમાં ભારતીય જનતા પાર્ટીએ 2013ની ચૂંટણીથી રાજકીય મેદાનમાં ઝંપલાવ્યું છે, પરંતુ તે હજુ સુધી એક પણ સીટ જીતી શકી નથી. આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એવી જાહેરાત કરી છે કે, તેમની પાર્ટી રાજ્યમાં સરકાર બનાવશે. ભાજપે અહીં નોર્થ-ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA) બનાવ્યું છે, જેમાં તેણે મિઝો નેશનલ ફ્રન્ટ સાથે ભાગીદારી કરી છે. ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહ્યો છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારનો પણ ભાજપને ફાયદો મળી શકે છે.
મિઝોરમમાં છેલ્લા 5 મુખ્યમંત્રી
1993 : લાલ થનહવલા (કોંગ્રેસ)
1998 : ઝોરામથંગા (MNF)
2003 : ઝોરામથંગા (MNF)
2008 : લાલ થનહવલા (કોંગ્રેસ)
2013 : લાલ થનહવલા (કોંગ્રેસ)
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : 230 બેઠકો પર મતદાન
મધ્યપ્રદેશમાં 230 બેઠકો માટે 2899 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 1,094 ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં કુલ 5.05 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 2,63,01,300 પુરુષ, 2,41,30,390 મહિલા, 1,389 ત્રીજી જાતિના અને 62,172 પોસ્ટલ મતદાર છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી વી.એલ. કાન્થા રાવે જણાવ્યું કે, "રાજ્યમાં 227 બેઠકો પર સવારે 8 કલાકથી સાંજે 5 કલાક સુધી મતદાન યોજાશે. જ્યારે નકસલવાદ પ્રભાવિત બાલાઘાટ જિલ્લાની લાનજી, પારસવાડા અને બૈહાર બેઠકો પર મતદાનનો સમય સવારે 7 કલાકથી બપોરે 3 કલાકનો રહેશે. રાજ્યમાં 65,341 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં 3,00,782 ચૂંટણી કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે. તેમાં 45,904 મહિલા કર્મચારી છે. રાજ્યમાં ચૂંટણીમાં સુરક્ષા માટે 1 લાખ 80 હજાર અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્યમાં મતદાન પ્રક્રિયા દરમિયાન 78,870 EVMનો ઉપયોગ કરાશે."
રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર છે અને વર્તમાન ચૂંટણીમાં ભાજપે 230 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. કોંગ્રેસે 229 બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે અને એક બેઠક શરદ યાદવના લોકતાંત્રિક દળને આપી છે. સમાજવાદી પાર્ટી 52 બેઠકો પર, જ્યારે માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી 227 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના પુત્ર કુણાલે પહેલીવાર કર્યો મતાધિકારનો ઉપયોગ
કુલ બેઠકઃ 230
બહુમત માટે જરૂરી બેઠકઃ 116
ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018
મતદાનઃ 28 નવેમ્બર, 2018
મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018
ભાજપને એન્ટી-ઈન્કમ્બન્સીનો ડરઃ
રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (ભાજપ) છેલ્લા 15 વર્ષથી એકધારૂં શાસન કરી રહ્યા છે અને તેમની રાજકીય પકડ મજબૂત છે. જોકે, અત્યારે રાજ્યમાં એન્ટી ઈન્કમ્બન્સીનો માહોલ છે, જેના કારણે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. શવિરાજ સિંહના 15 વર્ષમાં રાજ્યનો વિકાસ થયો છે તેવું દર્શાવવા માટે કોઈ નક્કર કારણો નથી. જેની સામે, કેન્દ્રની ભાજપ સરકાર 2014ની ચૂંટણીમાં આપેલા વચનો પાળવામાં નિષ્ફળ ગઈ છે તેનો ફટકો પણ મધ્યપ્રદેશ ભાજપને પડી શકે એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
કોંગ્રેસમાં ત્રણ નેતા વચ્ચે ખેંચતાણઃ
મધ્યપ્રદેશ કોંગ્રેસમાં સૌથી મોટી સમસ્યા પ્રમુખ નેતા અથવા ચહેરાનો અભાવ છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, મધ્ય પ્રદેશના વર્તમાન પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કમલનાથ અને ગ્વાલિયરના મહારાજા માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ મુખ્ય સમસ્યા છે. આ કારણે જ ભાજપને એવું કહેવાની તક મળી છે કે, કોંગ્રેસ પાસે મુખ્યમંત્રી પદના ત્રણ ચહેરા છે.
મુખ્ય ચહેરાઃ
મધ્યપ્રદેશના ચૂંટણી પ્રચારમાં સીધી લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસ પાસે કોઈ મુખ્ય ચહેરો નથી જેને તેઓ પ્રમોટ કરી શકે, એટલે હાલ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની કમાન હાથમાં લીધી છે. કોંગ્રેસના યુવાન નેતાઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રમુખ ચહેરો છે, જે ગ્વાલિયર રાજઘરાણાનો સુપુત્ર હોવાને કારણે થોડી લાગણી ખેંચી શકે છે. ભાજપનો મુખ્ય ચહેરો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે, જેઓ છેલ્લા 15 વર્ષથી મુખ્યમંત્રી તરીકે ચૂંટાતા આવ્યા છે. આ ઉપરાંત, કૈલાશ વિજય વર્ગીય અને અન્ય પીઢ નેતાઓ પણ ભાજપના ચૂંટણી પ્રચારના મુખ્ય ચહેરા બની શકે છે. વડા પ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ પણ ભાજપ માટે વોટ ખેંચી લાવી શકે છે.
મધ્યપ્રદેશ 2013 ચૂંટણી પરિણામ
બેઠકઃ ભાજપ(165), કોંગ્રેસ (58), બીએસપી(4) અને અપક્ષ(3)
મતની ટકાવારીઃ ભાજપ(44.88 ટકા), કોંગ્રેસ (36.38 ટકા), બીએસપી (6.29 ટકા)
મતદાર સંખ્યાઃ કુલ મતદાર 4,66,36,788 (2,45,71,298 પુરુષ અને 2,20,64,402 મહિલા)
મતદાન ટકાવારીઃ કુલ 70.07 ટકા (73.86 ટકા પુરુષ અને 70.09 ટકા મહિલા)
મધ્યપ્રદેશમાં છેલ્લા 5 વિધાનસભા કાર્યકાળ
વર્ષ 2013- ભાજપ (166), કોંગ્રેસ (57), મુખ્યમંત્રી- શિવરાજ સિંહ ચૌહાણ
વર્ષ 2008 - ભાજપ (143), કોંગ્રેસ (71), મુખ્યમંત્રી - શિવરાજ સિંહ ચૌહાણ
વર્ષ 2003 - ભાજપ (173), કોંગ્રેસ (38), મુખ્યમંત્રી - ઉમા ભારતી
વર્ષ 1998 - કોંગ્રેસ (172), ભાજપ (119), મુખ્યમંત્રી - દિગ્વિજય સિંહ
વર્ષ 1993 - કોંગ્રેસ (174), ભાજપ (119), મુખ્યમંત્રી - દિગ્વિજય સિંહ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે