Chinese Oximeter થી સાવધાનઃ સસ્તા મશીન દર્શાવે છે ખોટી માહિતી, ચાઈનીઝ કોરોના બાદ ચાઈનીઝ ઓક્સિમીટરથી મોતનું જોખમ

Chinese Oximeter થી સાવધાનઃ સસ્તા મશીન દર્શાવે છે ખોટી માહિતી, ચાઈનીઝ કોરોના બાદ ચાઈનીઝ ઓક્સિમીટરથી મોતનું જોખમ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. આવી સ્થિતિમાં પણ કાળા બજારીયાઓ પૈસા કમાવવા માટે ની કોઈ તક ચૂકતા નથી. દવાઓમાં કાળા બજારી થઈ રહી છે. બેફામ પૈસા લઈને રીતસરની લૂંટ મચાવવામાં આવી છે. જેને કારણે સામાન્ય માણસની સ્થિતિ ખુબ જ વિકટ બની ગઈ છે. કોરોનાની બીજી લહેરમાં વાયરસના સંક્રમણને કારણે સીધી લોકોના શ્વસન તંત્ર પર અસર પડે છે. જેના માટે સતત ઓક્સિજન લેવલ ચેક કરતા રહેવું પડે છે. જેના માટે ઓક્સિમીટર અનિવાર્ય બની ગયું છે. એવામાં હવે બજારમાં ચાઈનીઝ ઓક્સિમીટરનો વેપલો શરૂ થઈ ગયો છે. તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. 

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિમીટરની માંગ વધીઃ
સમગ્ર દેશમાં કોરોના વાયરસની આ મહામારીમાં ઓક્સિમીટરની માગ વધી છે ત્યારે બજારમાં તેની અછત સર્જાઈ છે અને કિંમતમાં પણ ઉછાળો આવ્યો છે. કારણકે આ ડિવાઈસની મદદથી દર્દીની નસ અને બ્લડમાં ઓક્સિજન લેવલ કેટલું હોય છે તે વિશે જાણી શકાય છે. પલ્સ ઓક્સિમીટરના ડિજિટલ ડિસ્પ્લેમાં તેના રીડિંગ જોઈ શકાય છે.

બજારમાં મળતા ચાઈનીઝ ઓક્સિમીટર બની શકે છે જોખમીઃ
બજારમાં મળતા સસ્તા ચાઈનીઝ પલ્સ ઓક્સિમીટર જ્યારે ઓક્સિજન લેવલ ઓછું બતાવે છે ત્યારે લોકો ગભરાઈ જાય છે. ઓક્સિજન લેવલ ઓછું હોવાનું જાણવા મળતા જ કેટલાંક લોકો પોતે કોરોના પોઝિટિવ હોવાનું સમજીને હોસ્પિટલમાં બેડ શોધવા લાગે છે. દસથી બાર ટકા જેટલું ખોટું રિડીગ આવા ચાઈનીઝ ઓક્સીમીટર દર્શાવતાં હોય છે. તેથી સ્વાભાવિક રીતે ચેક કરનારી વ્યક્તિ તરત જ ટેનશનમાં આવી જાય છે.

સસ્તા ઓક્સિમીટરમાં મળે છે ખોટી માહિતીઃ
હાલ એવી સ્થિતિ છે કે સસ્તા ઓક્સિમીટરના કારણે લોકો દોડતા થઈ ગયા છે. કારણકે, સ્ટાન્ડર્ડ કંપનીઓના ઓક્સિમીટર શરીરમાં ઓક્સિજનની કેટલી માત્રા છે તેની યોગ્ય માહિતી આપે છે પરંતુ, આવા સસ્તાં ચાઇનીઝ ઓક્સિમીટર ઓક્જિનની માત્રાની સાચી માહિતી નહીં આપતાં તેના ભરોસે બેઠેલા લોકો પરેશાન થઈ રહ્યાં છે.

તકવાદીઓ વધારે પૈસા લઈને ઉઠાવે છે મજબૂરીનો લાભઃ
આપણા દેશમાં ઓક્સિમીટરની બહારથી આયાત થાય છે. કોરોનાની આ બીજી લહેરમાં ઓક્સિમીટરની માગમાં ભારે વધારો થયો છે. ત્યારે આ કપરા સમયનો ફાયદો ઉઠાવતા કેટલાંક મેડિકલ સ્ટોર, ઓક્સિમીટરની અછત હોવાની વાત કરતા વધારે કિંમતે ઓક્સિમીટરનું વેચાણ કરી રહ્યા છે. જે ઓક્સિમીટર પહેલા 500થી 800 રૂપિયે મળતા હતા તે આજે 2000 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.  

ચાઈનીઝ કોરોના બાદ હવે ચાઈનીઝ ઓક્સિમીટરથી હાલાકીઃ
ચાઈનીઝ ઓક્સિમીટરથી એવી સ્થિતિ ઊભી થઇ છે કે કોઈ વ્યક્તિનું ઓક્સિજન લેવલ 90થી ઉપર હોય તો પણ તેમાં ચેક કરતા 85 કે તેનાથી ઓછું બતાવે છે. જેના કારણે લોકો ગભરાઈ જાય છે. કેટલાંક લોકો તો કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા દોડે છે જ્યારે કેટલાંક લોકો 108ને ફોન કરે છે. તેથી બજારમાં મળતા આવા સસ્તા ઓક્સિમીટરથી ચેતી જવાની જરૂર છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news