જો સત્તા મળી તો PM મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને ચકનાચૂર કરી નાખશે કોંગ્રેસ

કોંગ્રેસે કહ્યું છે કે જો તે સત્તામાં આવી તો આ પ્રોજેક્ટને રદ કરી નાખશે.

જો સત્તા મળી તો PM મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને ચકનાચૂર કરી નાખશે કોંગ્રેસ

નવી દિલ્હી: મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનની શરૂઆત કરાવવી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ સપનાઓમાંનું એક સપનું છે. પરંતુ હવે કોંગ્રેસે કહ્યું છે કે જો તે સત્તામાં આવી તો આ પ્રોજેક્ટને રદ કરી નાખશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રદ કરી નાખશે.

આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ પ્રોજેક્ટ હાલ આર્થિક રીતે વ્યવહારિક નથી. કોંગ્રેસ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રાજ્ય સરકારની ભાગીદારી વધારવાનો પણ વિરોધ કરી રહી છે. આ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર રાજ્યની ભાગીદારીમાં 250 કરોડ રૂપિયાના વધારાનો પ્રસ્તાવ છે. જો કે આ પ્રસ્તાવ તો પાસ થઈ ગયો પરંતુ ચૌહાણને હજુ પણ એમ લાગે છે કે આ પ્રોજેક્ટ વ્યવહારિક નથી અને ફક્ત એક ખ્યાલી પુલાવ (શેખચલ્લીનું સપનું) છે.

વધતો ગયો ખર્ચો
મીડિયા રિપોર્ટ મુજબ ચૌહાણે કહ્યું કે 'જ્યારે યુપીએ સરકારે બુલેટ ટ્રેન અંગે અભ્યાસનો આદેશ આપ્યો હતો, ત્યારે તેનો ખર્ચો 65,000 કરોડ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યાં બાદ તે વધીને 95,000 કરોડ થઈ ગયો અને જ્યારે જાપાન સાથે સહમતિ પત્ર સાઈન કરવામાં આવ્યું તો તેનો ખર્ચો વધીને 1,10,000 કરોડ રૂપિયા થઈ ગયો. ફક્ત ચાર વર્ષની અંદર ખર્ચો વધીને બમણો કેવી રીતે થઈ શકે.' ચૌહાણે કહ્યું કે જ્યારે તેમણે અંદાજી  ખર્ચનો બ્રેક અપ માંગ્યો તો જાણકારી આપવાની ના પાડી દીધી.

તેમણે કહ્યું કે એ માનવાની પૂરેપૂરી સંભાવના છે કે કઈંકને કઈંક ગડબડ ચાલી રહી છે. આ પ્રોજેક્ટ સસ્તો નથી. ચૌહાણના જણાવ્યાં મુજબ મુંબઈથી અમદાવાદ જવાનું ભાડું લગભગ 13,000 રૂપિયા હશે. ચૌહાણે કહ્યું કે જાપાનના વડાપ્રધાન શિંજો આબેનો ભારત પ્રવાસ પહેલેથી નક્કી નહતો. સંધિ પર એટલા માટે હસ્તાક્ષર થયા કારણ કે આબે અને મોદી બંનેને તેમાં ફાયદો હતો. આબે જાપાનમાં ચૂંટણીનો સામનો કરી રહ્યાં હતાં અને ભાજપે ગુજરાતમાં ચૂંટણી લડવાની હતી. બુલેટ ટ્રેન વડાપ્રધાન મોદીનો સૌથી વધુ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હાલના સમયમાં જમીન સંપાદનની મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે.

પલટી નાખી રાહુલ ગાંધીની વાત
આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીમાં કહ્યું હતું કે મોદી સરકાર બુલેટ ટ્રેન તો નથી બનાવી શકતી, પરંતુ મેજિક ટ્રેન જરૂર બનાવી શકે છે. તેમણે કહ્યું કે જો કોઈ બુલેટ ટ્રેનનું સપનું સાકાર કરી શકે તો તે માત્ર કોંગ્રેસની સરકાર કરી શકે. આવામાં હવે જો કોંગ્રેસ સમગ્ર પ્રોજેક્ટને જ રદ કરવાની વાત કરી રહી છે તો તે વાત રાહુલ ગાંધીના નિવેદન સાથે મેળ ખાતી નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news