લોકસભા ચૂંટણી 2019: યુપીનું મિશન પાર પાડવાની જવાબદારી ભાજપના આ 5 'પાંડવ'ને શીરે
દેશના સૌથી મોટા પક્ષ ભાજપે માટે ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં કમળ ખિલવવા માટે પોતાની સંપૂર્ણ તાકાત કામે લગાડી છે. સંસદમાં બહુમતી માટેનો મુખ્ય માર્ગ કહેવાતા ઉત્તરપ્રદેશમાં આ વખતે ભાજપ માટે સરળ માર્ગ ન હોવાથી પાર્ટીઓ પોતાની સંપૂર્ણ તાકાત કામે લગાડી છે
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ભારતમાં એવું કહેવાય છે કે દિલ્હીની રાજગાદીનો રસ્તો ઉત્તરપ્રદેશ થઈને જાય છે. દેશની રાજનીતિના કેન્દ્ર ગણાતા ઉત્તરપ્રદેશ રાજ્યમાં કબ્જો કરવા માટે આ વર્ષે સત્તાધારી ભાજપને 2014ની સરખામણીમાં વધુ મજબૂત રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડ્યું છે. જેનું કારણ છે, અહીં સ્થાનિક રીતે મજબૂત ગણાતા બે પક્ષ સમાજવાદી પાર્ટી (SP) અને બહુજન સમાજ પાર્ટી (BSP) વચ્ચે થયેલું ગઠબંધન. આ ઉપરાંત, છેલ્લે પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં ભાજપનો પરાજય અને ભાજપના ગઢ ગણાતા ત્રણ રાજ્ય છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વિજય સાથે જ સત્તામાં પુનરાગમન.
આ કારણે જ ભારતીય જનતા પાર્ટીએ અહીં 5 સભ્યોની એક વિશેષ ટીમ બનાવી છે. સાથે જ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા પણ અહીં રાત-દિવસ અડ્ડો નાખીને બેઠા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મોદી લહેરમાં અને મજબૂત પ્લાનિંગ સાથે ઉત્તરપ્રદેશની 80માંથી 71 સીટ જીતી હતી અને તેની સાથે ગઠબંધનમાં રહેલા અપના દલે બે સીટ જીતી હતી. આમ ઉત્તરપ્રદેશમાં 2014માં એનડીએને 80માંથી 73 સીટ મળી હતી.
2019માં 2014ની સરખામણીએ પરિસ્થિતિ બદલાઈ ગઈ
ઉત્તરપ્રદેશમાં ભલે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં 2014ની સરખામણીએ પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. અહીં દાયકાઓથી એક-બીજાના કટ્ટર વિરોધી રહેલા SP અને BSPએ હાથ મિલાવ્યો છે. આ મહાગઠબંધને યુપીમાં ભાજપ માટે કરો યા મરોની સ્થિતિ પેદા કરી છે. આ ઉપરાંત, કોંગ્રેસને ત્રણ રાજ્યોમાં મળેલા વિજયને કારણે પણ ભાજપ કોંગ્રેસને હળવાશથી લેવા માગતું ન હતું. આ કારણે જ તેણે અહીં પોતાની વિશેષ 5 સભ્યોની ટીમને ગુપ્ત મિશનમાં લગાવી છે.
ભાજપે કોને-કોને સોંપી છે 'મિશન યુપી'ની જવાબદારી
ભાજપે લોકસભા ચૂંટણી 2019માં 'મિશન યુપી' પાર પાડવા માટે 5 વ્યક્તિઓને જવાબદારી સોંપી છે. ભાજપની યુપી ટીમમાં સુનીલ બંસલ (મોદીની જેમ પૂર્ણકાલિન પ્રચારક), ભાજપના દલિત નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દુષ્યંત ગૌતમ, મધ્યપ્રદેશના નેતા ડો. નરોત્તમ મિશ્રા, ગુજરાતના ગોરધન ઝડફિયા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો સમાવેશ થાય છે. આ ટીમ રણનીતિ બનાવે છે અને તેનો રિપોર્ટ સીધો જ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મોકલવામાં આવે છે. ટીમના જ એક સભ્યએ જણાવ્યું કે, "યુપીમાં આ વખતે અમારા માટે પહેલા જેવું સરળ નથી. ડિસેમ્બર પછી અમે જે રીતે કામ કર્યું છે, તેનાથી અમને વિશ્વાસ છે કે અમે સારું પરિણામ આપીશું."
જાતિગત સમીકરણ પર લડાઈ
ભાજપે યુપી મિશનની સંપૂર્ણ જવાબદારી ગુજરાતના ગોરધન ઝડફિયાને સોંપી છે, જેઓ તોડફોડમાં માહેર છે. ઉત્તરપ્રદેશમાં હાર્દિક પટેલના ફેક્ટરને તોડી નાખવા માટે ભાજપે પાટીદાર નેતા ગોરધન ઝડફિયાને પસંદ કર્યા છે. દલિત વોટને માયાવતી પાસે જતા રોકવા માટે રાજસ્થાનમાંથી ભાજપના નેતા દુષ્યંત ગૌતમને લાવવામાં આવ્યા છે. સવર્ણ વર્ગને પોતાની તરફ ખેંચવા માટે ભાજપે મધ્યપ્રદેશથી ડો. નરોત્તમ મિશ્રાને બોલાવ્યા છે. આ ઉપરાંત અન્ય જાતીગત સમીકરણો પાર પવાડ સુનીલ બંસલને પણ ટીમના સભ્ય બનાવાયા છે. હિન્દુ વોટ બેન્કને ખેંચવાનું કામ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરી રહ્યા છે.
ઉત્તરપ્રદેશ માટે ભાજપે નક્કી કરેલા મુદ્દા
ભાજપે રાજ્યની 80 સીટને વિવિધ ઝોનમાં વહેંચી દીધી છે. સાથે જ તેણે રાષ્ટ્રવાદ, હિન્દુત્વ, ખેડૂતોની મુશ્કેલીઓ, જળ સંકટ, જાતિ અને બેરોજગારીના છ મુદ્દા નક્કી કર્યા છે. સ્વયંસેવકો અને કાર્યકર્તાઓને આ મુદ્દાઓ સાથે લોકોમાં જવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.
28 સીટ પર ફોકસ
ભાજપે એ 28 સીટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે જ્યાં કોંગ્રેસે ભાજપની પરંપરાગત વોટબેન્ક જેમ કે સવર્ણ વર્ગ, કુર્મી, કોઈરી, લોધ અને શાક્યને ટિકિટ આપી છે. આ જાતિઓએ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને વોટ આપ્યો હતો. આ ઉપરાંત જે.પી. નડ્ડા આરએસએસના 200 કાર્યકર્તાની એવી ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે, જે બાજી પલટવા માટે કામ કરી રહી છે. સાથે જ ભાજપે કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠી અને રાયબરેલી પર પણ સારી એવી મહેનત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે