મમતા બેનરજીએ ધરણા સમાપ્ત કરવાની કરી જાહેરાત, હવે દિલ્હીમાં લડશે લડાઈ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી છેલ્લા ત્રણ દિવસથી કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેઠા હતા, સીબીઆઈ દ્વારા કોલકાતાના પોલીસ કમીશનર રાજીવ કુમારની પુછપરછને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંઘર્ષ પેદા થયો હતો
Trending Photos
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ધરણા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, "આ ધરણા (બંધારણ બચાવો) એ બંધારણ અને લોકશાહીનો વિજય છે. આજે અમે તેને સમાપ્ત કરીએ છીએ. કોર્ટે આજે સકારાત્મક આદેશ આપ્યો છે. હવે આવતા અઠવાડિયે આ મુદ્દાને દિલ્હીમાં આગળ ધપાવીશું." આ સાથે જ મમતાએ પોતાના ધરણા આજથી જ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે તેમની સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પણ હાજર રહ્યા હતા.
મમતા બેનરજીએ મંચ પરથી જણાવ્યું કે, "તેઓ (કેન્દ્ર સરકાર) તમામ એજન્સીઓ પર નિયંત્રણ મેળવવા માગે છે, જેમાં રાજ્ય સરકારની એજન્સીનો પણ સમાવેશ થાય છે? વડા પ્રધાને દિલ્હીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ અને ગુજરાત પાછા જતા રહેવું જોઈએ. દિલ્હીમાં એક વ્યક્તિની સરકાર, એક પક્ષની સરકાર છે."
West Bengal Chief Minister Mamata Banerjee in Kolkata: This dharna (Save the Constitution) is victory for the Constitution and democracy, so, let us end it today. pic.twitter.com/FCZTgCXUg2
— ANI (@ANI) February 5, 2019
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં સીબીઆઈ દ્વારા કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પુછપરછ માટે તેમની ઓફિસમાં રેડ પાડવામાં આવી હતી. ત્યાર બાદ અહીં સીબીઆઈ સાથે ધક્કામુક્કી થઈ હતી અને કોલકાતા પોલીસ દ્વારા સીબીઆઈના અધિકારીઓને પકડીને અટકમાં લઈ લેવાયા હતા. જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ વધી ગયો હતો.
West Bengal Chief Minister Mamata Banerjee in Kolkata: They (Central govt) want to control all the agencies including the state agencies also? PM you resign from Delhi and go back to Gujarat. One man govt, one party government is there. pic.twitter.com/RckwAR0uUE
— ANI (@ANI) February 5, 2019
સીબીઆઈના અધિકારીઓ પશ્ચિમ બંગાળના સૌથી મોટા કૌભાંડ શારદા ચીટ ફંડ કેસમાં કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પુછપરછ કરવા ગયા હતા. મમતા બેનરજીનો આરોપ હતો કે, સીબીઆઈના અધિકારીઓ સમન્સ પાઠવ્યા વગર સીધા જ આવી ગયા હતા.
આ સંઘર્ષ વધુ ઉગ્ર બની જતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી શનિવાર રાતથી જ ધરણા પર બેસી ગયા હતા. તેમણે પોતાના ધરણાને 'બંધારણ બચાવો' નામ આપ્યું હતું.
મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજીવ કુમાર રાયની ધરપકડ ન કરવાનો આદેશ અપાયા બાદ મોડી સાંજે મમતા બેનરજીએ કોર્ટના આદેશને બંધારણનો વિજય જણાવીને પોતાના ધરણા સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે