Video: Mansukh Mandaviya વિશે Narendra Modi એ 9 વર્ષ પહેલા કરેલી 'ભવિષ્યવાણી' સાચી પડી, જાણો શું કહ્યું હતું?

તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમણે કહ્યું હતું કે આજની તારીખ, 9.35 ના સમયે હું બોલી રહ્યો છું, કોઈને ડાયરીમાં નોંધવું હોય તો નોંધી રાખજો.

Video: Mansukh Mandaviya વિશે Narendra Modi એ 9 વર્ષ પહેલા કરેલી 'ભવિષ્યવાણી' સાચી પડી, જાણો શું કહ્યું હતું?

નવી દિલ્હી: કોરોના સંકટમાં ડો. હર્ષવર્ધનની કેન્દ્રીય આરોગ્યમંત્રી પદેથી છૂટ્ટી થઈ ગઈ. તેમની જગ્યાએ ગુજરાતના નેતા મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) ને આ મહત્વની જવાબદારી સોંપાઈ. મનસુખ માંડવિયાના ખભે હવે કોરોનાની ત્રીજી લહેરને રોકવાની કે તે જો આવી ગઈ તો તે પરિસ્થિતિમાં સ્થિતિ બીજી લહેરની જેમ ન બગડે તેની જવાબદારી છે. તેઓ મોદી સરકારના એ 7 મંત્રીઓમાં સામેલ છે જેમનું પ્રમોશન કરવામાં આવ્યું છે. 49 વર્ષના મનસુખ માંડવિયા વિશે આજથી 9 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી (Narendra Modi) એ એક ભવિષ્યવાણી કરી હતી જે બિલકુલ સાચી ઠરી હોય તેવું લાગે છે. 

2012માં મોદીએ જાહેરમાં કરી હતી ભવિષ્યવાણી
વાત જાણે એમ છે કે મનસુખ માંડવિયાને 2012માં પહેલીવાર રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે તેમના સન્માનમાં સુરતમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તે સમયે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમને માંડવિયામાં ખુબ સંભાવનાઓ દેખાઈ રહી છે. તેમનું ભવિષ્ય ઉજ્વળ છે. ખાસ વાત એ છે કે માંડવિયા અંગે મોદી એટલા આત્મવિશ્વાસ સાથે ભવિષ્યવાણી કરતા જોવા મળ્યા કે લોકોને એમ પણ કહ્યું કે લોકો તેમની આ વાત ડાયરીમાં નોંધ કરીને રાખે. 

'ડાયરીમાં લખી લો...મનસુખભાઈનું ભવિષ્ય ખુબ ઉજ્વળ'
તે સમયે કાર્યક્રમમાં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'તમને કદાચ એમ લાગતું હશે કે આપણા મનસુખભાઈ રાજ્યસભા ગયા, સન્માન છે, હાલો જઈ આવીએ. પણ આ ઘટના એટલી નાની નથી. આજની તારીખ, 9.35 ના સમયે હું બોલી રહ્યો છું, કોઈને ડાયરીમાં નોંધવું હોય તો નોંધી રાખજો. દોસ્તો હું સ્પષ્ટ જોઈ રહ્યો છું, મનસુખભાઈનું ભવિષ્ય કેટલું ઉજ્વળ છે, તે મને સાફ દેખાય છે. તેમનામાં પડેલી શક્તિઓ આવનારા કાલને કેવી ઉજાળશે તેનો મને પૂરેપૂરો અંદાજ છે. મને વિશ્વાસ છે હું સાચો પડીશ.'

જુઓ VIDEO

મનસુખ માંડવિયાનું વધતુ કદ
મનસુખ માંડવિયા 2002માં પહેલીવાર વિધાયક બન્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર 28 વર્ષ હતી અને તેઓ સૌથી ઓછી ઉંમરના વિધાયક હતા. 2012માં તેઓ રાજ્યસભામાં ગયા. 2018માં ફરીથી તેમને રાજ્યસભા મોકલવામાં આવ્યા. 2019માં પીએમ મોદીએ તેમને પોતાની મંત્રીપરિષદમાં સામેલ કર્યા. તેA શિપિંગ મંત્રાલયનો સ્વતંત્ર ચાર્જ સંભાળતા હતા. જ્યારે રસાયણ અને ખાતર મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા. આ દરમિયાન તેમણે પોતાના કામથી એક અલગ છાપ છોડી હતી. ખાસ કરીને રસાયણ અને ખાતર મંત્રી તરીકે કોરોનાની બીજી લહેર દરમિયાન જીવનરક્ષક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી. જેનું તેમને ઈનામ મળ્યું અને હવે રાજ્યમંત્રીમાંથી કેબિનેટ મંત્રી તરીકે પ્રમોટ થયા છે. એટલું જ નહીં કોરોનાના આ સંકટકાળમાં પ્રધાનમંત્રીએ તેમના પર ભરોસો વ્યક્ત કરીને આરોગ્ય મંત્રાલયની મહત્વની જવાબદારી સોંપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news