PM મોદીએ મમતા બેનરજી પર સાધ્યું નિશાન, કહ્યું- 'મતદાનના રિપોર્ટે દીદીની ઊંઘ ઉડાવી દીધી'

 પીએમ મોદીએ કહ્યું કે, 'આ વખતે પશ્ચિમ બંગાળના લોકોએ સ્પીડ બ્રેકર દીદીને સમજાવવાનું નક્કી કરી લીધુ છે કે જનતા સાથે ગુંડાગીરી કરવાનો, તેમના પૈસા લૂંટવાનો અને તેમના વિકાસને રોકવાનું શું પરિણામ આવે છે.'

PM મોદીએ મમતા બેનરજી પર સાધ્યું નિશાન, કહ્યું- 'મતદાનના રિપોર્ટે દીદીની ઊંઘ ઉડાવી દીધી'

કોલકાતા: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 23મી એપ્રિલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે હતાં. બુનિયાદપુરમાં એક જનસભાને સંબોધતા તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર નિશાન સાધ્યું છે.  પીએમ મોદીએ કહ્યું કે, 'આ વખતે પશ્ચિમ બંગાળના લોકોએ સ્પીડ બ્રેકર દીદીને સમજાવવાનું નક્કી કરી લીધુ છે કે જનતા સાથે ગુંડાગીરી કરવાનો, તેમના પૈસા લૂંટવાનો અને તેમના વિકાસને રોકવાનું શું પરિણામ આવે છે.' આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે મમતા વોટ બેંક અને તૃષ્ટિકરણ માટે બીજા દેશના લોકોને બોલાવીને ચૂંટણી પ્રચાર કરાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે આખો દેશ કહી રહ્યો છે કે આ વખતે પશ્ચિમ બંગાળમાં કઈંક મોટું થઈ રહ્યું છે. ખરેખર રાજ્યના લોકોએ બદલાવ લાવવાનું નક્કી કરી લીધુ છે. 

રિપોર્ટે સ્પીડ બ્રેકર દીદીની ઊંઘ ઉપર પણ બ્રેક લગાવી
જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે હું મીડિયામાં જોઈ રહ્યો હતો કે કેવી રીતે સામાન્ય લોકોએ, આપણી બહેનોએ ટીએમસીના ગુંડાઓને પાઠ ભણાવ્યો. તેમની લાખ કોશિશ હોવા છતાં ભારે સંખ્યામાં ખેડૂતો, મજૂરો, વેપારીઓ, કર્મચારીઓ, આપણી માતા-બહેનો, આપણા યુવા સાથીઓ મત આપવા માટે નીકળી પડ્યા હતાં. બંગાળમાં પહેલા અને  બીજા તબક્કાના મતદાનના જે રિપોર્ટ આવ્યાં છે તેણે સ્પીડ બ્રેકર દીદીની ઊંઘ ઉપર પણ બ્રેક લગાવી છે. 

બંગાળ મોડલ દેશમાં લાગુ કરવા માંગે છે દીદી-મોદી
પીએમ મોદીએ કહ્યું કે મમતા કહે છે કે પશ્ચિમ બંગાળનું આ મોડલ સમગ્ર દેશમાં લાગુ કરવા માંગે છે. અરે જ્યાં ટોળાબાજી, ટેક્સ વગર જીવન નથી ચાલતું, જ્યાં ગરીબોને ગરીબ રાખવાનું ષડયંત્ર રચાય છે, જ્યાં ગરીબોની કમાણી ટીએમસીના નેતાઓ લૂંટી લે છે, જ્યા પૂજા કરવાનું પણ મુશ્કેલ બને છે, યાત્રાઓ કાઢવી મુશ્કેલ થાય છે, જ્યાં તૃષ્ટિકરણ માટે બીજા દેશમાંથી લોકોને બોલાવીને ચૂંટણી પ્રચાર કરાવવામાં આવે છે, શું ભારતમાં ક્યારેય એવું બન્યું છે કે દુનિયાના કોઈ અન્ય દેશમાંથી કોઈ આવીને ચૂંટણી પ્રચાર કરે. પોતાની તિજોરી ભરવા માટે પોતાના વોટબેંક માટે દીદી કોઈ પણ હદે જવા તૈયાર છે. સાથીઓ આવું મોડલ દેશ માટે તો શું પશ્ચિમ બંગાળ માટે પણ મંજૂર નથી. 

હિંસા કરનારાઓને કઠોર સજા કરાશે
મોદીએ મમતા બેનરજી પર નિશાન સાધતા કહ્યું કે હડબડીમાં કેવા જઘન્ય અપરાધ થઈ રહ્યાં છે, તે આખો દેશ જુએ છે. પુરુલિયામાં અમારા એક કાર્યકરની હત્યા કરી દેવાઈ. અમારા આ સાથી પરિજનો સાથે હું પોતે અને પાર્ટીના એક એક કાર્યકર ઊભા છે. હું પશ્ચિમ બંગાળમાં ભાજપના દરેક કાર્યકરને, દરેક મતદારને, અહીના એક એક બાળકને આશ્વાસન આપું છું કે આ અત્યાચારનો પૂરો ન્યાય મળશે. ભાજપના દરેક કાર્યકર્તા, બંગાળની દરેક એ વ્યક્તિ કે જે હિંસાનો ભોગ બની છે, તે હિંસા આચરનારાઓને, ષડયંત્રકારોને કાયદો સજા આપશે. ન્યાય થઈને રહેશે. આવા લોકોને કઠોર સજા કરવામાં આવશે. 

જુઓ LIVE TV

શું સ્પીડ બ્રેકર દીદીને કડક સજા મળવી જોઈએ?
પીએમ મોદીએ જનસભામાં હાજર લોકોને પૂછ્યું કે પશ્ચિમ બંગાળમાં ધમકી, લૂંટ, અને ભ્રષ્ટાચારનો આ ખેલ આમ જ ચાલતો રહેશે? શું સ્પીડ બ્રેકર દીદીને કડક સજા મળવી જોઈએ કે નહીં? કડક સજા આપશો? હિંમતથી સાથ આપશો? સમગ્ર બંગાળમાં આપશો? દરેક ગલી મહોલ્લામાં આપશો? મને પૂરેપૂરો ભરોસો છે તમારા પર, હું તે પહેલા અને બીજા તબક્કામાં જોઈ ચૂક્યો છું.

મમતાના કારનામા જોઈને માથું શરમથી ઝૂકી ગયું
તેમણે કહ્યું કે મમતાદીદીએ પશ્ચિમ બંગાળમાં જે કર્યું તેના માટે તેમને ઈતિહાસ કે ભવિષ્ય ક્યારેય માફ નહીં કરે. તેમણે તમને માં, માટી અને માનુષના નામે ફક્ત દગો આપ્યો. આ ભૂલ ફક્ત તમે નથી કરી, મેં પણ કરી. જ્યારે હું તેમને ટીવી પર જોતો હતો ત્યારે મને લાગતું હતું કે તેઓ સાચ્ચે જ સાદગીની મૂર્તિ છે, મહેનત કરે છે, બંગાળનું ભલું ઈચ્છે છે, લેફ્ટિસ્ટથી બંગાળને મુક્તિ અપાવવા માંગે છે. હું પણ એવું માનતો હતો પરંતુ વડાપ્રધાન બન્યા બાદ જ્યારે મેં તેમના કારનામા જોયા તો મારું માથું શરમથી ઝૂકી ગયું. હવે હું પણ તેમને ઓળખી ગયો છું. 

દીદીએ કૌભાંડીઓને મંત્રી-સાંસદ બનાવ્યાં
બાલુરઘાટમાં જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે પહેલા ગરીબોના પરસેવાની કમાણી નારદા, સારદા અને રોઝવેલીએ લૂંટી અને ત્યારબાદ દીદીએ કૌભાંડીઓને જ સાંસદ અને મંત્રી બનાવી દીધા. એટલું જ નહીં ભ્રષ્ટાચારીઓ મટે તેઓ ધરણા ઉપર પણ બેસી ગયાં. તમારા આશીર્વાદથી તમારો આ ચોકીદાર ગરીબની પાઈ-પાઈનો હિસાબ લેશે. ચિટફંડના એક એક આરોપીએ ગરીબોના આંસૂનો હિસાબ આપવો પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news