દેશ અને દુનિયામાંથી અનેક ભેટો પ્રભુ રામ માટે અયોધ્યા પહોંચી, તમે પણ જાણો કઈ વસ્તુ અવધનગરી પહોંચી

Ram Mandir Trust Receives Unique Gifts: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવાનું છે. આ વચ્ચે દેશભરમાંથી અનેક ઉપહાર પ્રભુ રામ માટે અયોધ્યા પહોંચ્યા છે. માત્ર ભારત જ નહીં વિદેશથી પણ અનેક ભેટો અયોધ્યામાં પહોંચી છે.

દેશ અને દુનિયામાંથી અનેક ભેટો પ્રભુ રામ માટે અયોધ્યા પહોંચી, તમે પણ જાણો કઈ વસ્તુ અવધનગરી પહોંચી

અયોધ્યાઃ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી છે. અંતિમ ઘડીઓ ઘડાઈ રહી છે. ત્યારે દેશ અને દુનિયામાંથી અનેક ભેટો પ્રભુ રામ માટે પહોંચી છે. ગુજરાતમાંથી સૌથી મોટું નગારુ અને વિશાળ દિવો પહોંચ્યો છે. તો છત્તીસગઢમાંથી ચોખા પહોંચ્યા છે. તો મધ્યપ્રદેશમાંથી પાંચ લાખ લાડુ અવધપુરીમાં પહોંચ્યા છે. દેશનો એવો કોઈ ખૂણો બાકી નથી કે જ્યાંથી ભેટ-સોગાત અયોધ્યા પહોંચી ન હોય....ત્યારે આવો જોઈએ કયા સ્થળે કઈ વસ્તુ અવધનગરીમાં પહોંચી?...જુઓ અયોધ્યાથી અમારા આ વિશેષ અહેવાલમાં.... 

...એ પાવન ઘડી આવી ગઈ છે. ગણતરીના કલાકો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બાકી છે. તો હિન્દુસ્તાન રામમય બની ગયું છે. શહેર અને ગામડા સુધી રામનામનો જાપ થઈ રહ્યો છે. સોસાયટીઓમાં કેસરી સજાવટો કરાઈ છે. ભારતના રોડ-રસ્તાઓ પર કેસરિયા પતાકા લહેરાઈ રહી છે. અયોધ્યા રામભક્તોથી ઉભરાઈ ગયું છે. ત્યાં દેશ અને દુનિયામાંથી પ્રભુ રામ પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરવા અનેક ભેટ અયોધ્યા પહોંચી છે. 

POKના પવિત્ર જળ
....POKમાં આવેલા શારદાપીઠ કુંડથી પવિત્ર જળ અયોધ્યા પહોંચ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે મુસ્લિમ સમાજના લોકોએ POKથી બ્રિટનના રસ્તે આ પવિત્ર પાણી ભગવાન રામ માટે મોકલાયું છે.

ઉત્તરપ્રદેશના એટાથી અષ્ટધાતુનો ઘંટ
....પ્રભુ રામના મંદિરમાં 2100 કિલોનો અષ્ટધાતુનો વિશાળ ઘંટ સ્થાપિત કરાશે. આ સૌથી મોટો ઘંટ ઉત્તરપ્રદેશના એટાના જલેસરમાં 25 લાખના ખર્ચે તૈયાર કરાયો છે. આ વિશાળ ઘંટ છ ફુટ ઊંચો અને 5 ફુટ પહોળો છે. આ ઘંટનો અવાજ દૂર દૂર સુધી સંભળાશે. 

મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 5 લાખ લાડુ
...ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનથી ભગવાન રામની નગરી અયોધ્યામાં 5 લાખ લાડુ તૈયાર કરીને મોકલાયા છે. મહાકાલેશ્વર મંદિર પરિષરમાં શુદ્ધ દેસી ઘી અને ડ્રાઈફ્રૂટમાંથી આ લાડુને તૈયાર કરવામાં આવ્યા છે. જેનું કુલ વજન લગભગ 250 ક્વિંટલ છે. આ લાડુ બનાવવામાં 80 ક્વિંટલ ઘી, 90 ક્વિંટલ ખાંડ, 70 ક્વિંટલ ચણા દાળ, 20 ક્વિંટલ સોજી, 7 ક્વિંટલ સુકા મેવાનો ઉપયોગ કરાયો છે.  

છત્તીસગથી ચોખા અને શાકભાજી
ભગવાન રામના મોસાળ છત્તીસગઢથી ભાણા માટે 11 ટ્રકમાં ત્રણ હજાર ક્વિંટરલ ચોખા મોકલાયા છે. સાથે જ હજારો કિલો શાકભાજી પણ રામભક્તોના ભોજન માટે મોકલાઈ છે. છત્તીસગઢ રાઈસ મિલર્સે આ ચોખા અયોધ્યામાં મોકલ્યા છે. 

રાજસ્થાનથી સરસિયુ અને દેશી ઘી
...રાજસ્થાનના જયપુરથી સરસિયાના 2100 પીપળા અયોધ્યા મોકલાયા છે. સીતા રસોઈમાં બનનારા પ્રસાદ માટે આ ખાસ સરસિયું અયોધ્યા પહોંચાડાયું છે. તો આ પહેલા રાજસ્થાનના એક મહંતે ભગવાનના અભિષેક માટે ગૌશાળાનું દેશી ઘી મોકલ્યું હતું. 

ગુજરાતથી અગરબત્તી, નગારુ અને આભુષણો 
ગુજરાતમાંથી વિશાળ નગારુ, સૌથી મોટી અગરબત્તી અને વિશાળ દીવો અયોધ્યા પહોંચી ગયો છે. તો સુરતમાં તૈયાર કરાયેલી એક વિશેષ સાડી માતા સીતા માટે મોકલાઈ છે. તો સુરતમાંથી જ 5 હજાર અમેરિકન ડાયમંડ અને બે કિલો ચાંદીમાંથી તૈયાર કરેલો ખાસ હાર ભગવાન માટે મોકલાયો છે. 

મહારાષ્ટ્રમાંથી વિશાળ કડાઈ
મહારાષ્ટ્રના નાગપુરમાં રહેતા શેફ વિષ્ણુ મનોહરે 7 હજાર કિલોગ્રામની વિશાળ કડાઈ અયોધ્યા મોકલી છે. જેમાં એક સાથે હજારો કિલો પ્રસાદ તૈયાર કરી શકાય છે. 

તેલંગાણાથી સોનાની ચરણ પાદુકા
...હૈદરાબાદના શ્રીનિવાસ શાસ્ત્રીએ ભગવાનની સોનાની ચરણ પાદુકા મોકલી છે. સૌથી ખાસ વાત એ છે કે શ્રીનિવાસે 8 હજાર કિલોમીટરની પદયાત્રા કરીને ચરણપાદુકા મંદિર ટ્રસ્ટને સોંપી હતી. 

સાસરી નેપાળથી 3 હજાર ભેટ 
ભગવાનની સાસરી જનકપુરથી ત્રણ હજારથી વધુ અલગ અલગ ભેટ અયોધ્યા પહોંચી છે. જેમાં સોના-ચાંદીના આભૂષણ, વસ્ત્ર અને ભગવાનના શણગારનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓ એક હજારથી વધુ સાબડામાં ભરીને અયોધ્યા પહોંચી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news