Oxygen ની કમીથી મૃત્યુના આંકડા કોઈ પણ રાજ્યએ આપ્યા નથી- સંબિત પાત્રા
ઓક્સિજન પર કેન્દ્ર સરકારના એક રિપોર્ટથી મોટો બખેડો ઊભો થયો છે. વિપક્ષ મોદી સરકાર સામે આકરા સવાલ કરી રહ્યો છે. વાત જાણે એમ છે કે કેન્દ્રીય સરકાર તરફથી મંગળવારે એક સવાલના જવાબમાં કહેવામાં આવ્યું કે દેશમાં ઓક્સિજનની કમીથી એક પણ મોત થઈ નથી.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોનાના આંકડા ઓછા થઈ રહ્યા છે અને હવે દેશમાં મેડિકલ ઓક્સિજનની પણ કોઈ કમી નથી. પરંતુ આ અગાઉ એપ્રિલ-મે મહિનામાં દિલ્હી અને યુપીમાં ઓક્સિજનનું કેટલું મોટું સંકટ ઊભું થયું હતું તે ભૂલી શકાય તેમ નથી. ઓક્સિજન માટે લાંબી લાંબી લાઈનો ઠેર ઠેર જોવા મળી રહી હતી. ઓક્સિજન પર કેન્દ્ર સરકારના એક રિપોર્ટથી મોટો બખેડો ઊભો થયો છે. વિપક્ષ મોદી સરકાર સામે આકરા સવાલ કરી રહ્યો છે. વાત જાણે એમ છે કે કેન્દ્રીય સરકાર તરફથી મંગળવારે એક સવાલના જવાબમાં કહેવામાં આવ્યું કે દેશમાં ઓક્સિજનની કમીથી એક પણ મોત થઈ નથી.
સંબિત પાત્રાએ આપ્યો આ જવાબ
સંસદમાં ચોમાસુ સત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડો.ભારતી પ્રવીણ પવાર (Bharati Pravin Pawar) દ્વારા ઓક્સિજનની કમીથી કોઈ મોત થયું નથી તેવું લેખિત નિવેદન આપવામાં આવતા રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ચારે બાજુ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ મામલે ભાજપના નેતા સંબિત પાત્રાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મંગળવારે ઓક્સિજનની કમીથી થયેલા મોત પર સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના પર જે જવાબ અપાયો તેમાં 3 વસ્તુ પર ધ્યાન આપવું જરૂરી છે.
1. કેન્દ્ર કહે છે કે સ્વાસ્થ્ય રાજ્યોનો વિષય છે.
2. કેન્દ્રનું કહેવું છે કે અમે ફક્ત રાજ્યોએ મોકલાવેલા ડેટાને ભેગો કરીએ છીએ.
3. અમે એક માર્ગદર્શિકા બહાર પાડી છે જેના આધારે રાજ્ય પોતાના ત્યાં થયેલા મોતના આંકડાનો રિપોર્ટ તૈયાર કરી શકે.
There are 3 things one must pay attention to in the reply given by the Govt. Centre says that Health is a State/UT subject. It says that it just collects the data sent by States/UTs, it doesn't generate data: Sambit Patra, BJP on Centre's reply on deaths due to shortage of oxygen pic.twitter.com/IMnKts6YvB
— ANI (@ANI) July 21, 2021
તેમણે વધુમાં કહ્યું કે કોઈ પણ રાજ્યે ઓક્સિજનની કમીને લઈને થયેલા મૃત્યુ પર કોઈ આંકડા મોકલ્યા નથી. કોઈએ એમ નથી કહ્યું કે તેમના રાજ્યમાં ઓક્સિજનની કમીથી મોત થયું. મહામારી હોય, કે રસીનો વિષય, દરેક વિષયમાં ખોટું બોલવું, દરેક વિષયમાં ભ્રમ ફેલાવવો અને દરેક વિષયમાં લોકોને ગૂમરાહ કરવા એ રાહુલ ગાંધીજીએ એક ટ્વિટર ટ્રોલર તરીકે કામ કરતા કર્યું છે. ન્યાયાધીશોની સામે મહારાષ્ટ્ર સરકારે માન્યું છે કે કોઈ પણ પ્રકારે કોઈ મૃત્યુ ઓક્સિજનના કારણે થયું નથી. છત્તીસગઢ જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં તેઓ પોતે કહે છે કે અમારા રાજ્યમાં એક પણ મૃત્યુ ઓક્સિજનની કમીના કારણે થયું નથી.
રાજ્યોએ આપી નથી જાણકારી
મંગળવારે સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે (Bharati Pravin Pawar) લેખિત જવાબમાં કહ્યું હતું કે દેશમાં ઓક્સિજનની કમીથી એક પણ મોત થયું નથી. તેમણે કહ્યું હતું કે રાજ્યોએ ઓક્સિજનની કમીથી મોત અંગેની કોઈ જાણકારી કેન્દ્રને આપી નથી.
એક બાજુ કોંગ્રેસે ઓક્સિજનની કમીથી મોતને લઈને કેન્દ્ર સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે ત્યાં કોંગ્રેસ શાસિત રાજ્ય છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી પોતે સ્વીકાર કરે છે કે તેમના રાજ્યમાં ઓક્સિજનની કમીથી કોઈ મોત થયું નથી.
કોંગ્રેસ સાંસદે પૂછ્યો હતો સવાલ
વાત જાણે એમ છે કે કોંગ્રેસ સાંસદ કે સી વેણુગોપાલ તરફથી સવાલ પૂછાયો હતો કે દેશમાં ઓક્સિજનની કમીથી કોઈ મોત થયું છે? જેના લેખિત જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે જાણકારી આપી કે રાજ્યોએ કોરોનાથી મોતના આંકડા સતત કેન્દ્રને ઉપલબ્ધ કરાવ્યા પરંતુ કોઈ પણ રાજ્યએ ઓક્સિજનની કમીથી મોતનો ઉલ્લેખ કર્યો નથી.
એટલે કે કેન્દ્રના જણાવ્યાં મુજબ રાજ્યોએ ઓક્સિજનની કમીથી મોત પર કેન્દ્રને કોઈ જાણકારી આપી નથી. જો કે કેન્દ્રએ સ્વીકાર્યું છે કે બીજી લહેરમાં ઓક્સિજનની ડિમાન્ડ પહેલી લહેરની સરખામણીએ ત્રણ ગણી વધી હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ જે કોરોનાની પહેલી લહેરમાં 3095 મેટ્રિક ટન હતી તે બીજી લહેર દરમિયાન વધીને લગબગ 9000 મેટ્રિક ટન થઈ ગઈ.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવાયું કે સ્વાસ્થ્ય રાજ્યોનો વિષય છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી કોરોનાના કેસ અને મોતના આંકડા નિયમિત રીતે વિસ્તૃત ગાઈડલાઈન મુજબ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ કોઈ પણ રાજ્યે કેન્દ્ર સરકારને એ જાણકારી નથી આપી કે તેમના ત્યાં ઓક્સિજનની કમીથી કેટલા જીવ ગયા.
રાહુલે સાધ્યું નિશાન
રિપોર્ટ સામે આવતા જ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રાજકારણ શરૂ કરી દીધુ. તેમણે ટ્વીટ કરીને મોદી સરકારને ઘેરવાની કોશિશ કરી. કહ્યું કે ફક્ત ઓક્સિજનની જ કમી નહતી, સંવેદનશીલતા અને સત્યની ભારે કમી- ત્યારે પણ હતી અને આજે પણ છે. પરંતુ તેમની જ પાર્ટીના નેતા અને છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રીએ ઓક્સિજનની કમીથી મોતને ફગાવ્યા હતા.
ટી એસ સિંહદેવે જણાવ્યું કે સાચુ છે કે છત્તીસગઢમાં ઓક્સિજનની તમીથી કોઈ મોત થયું નથી. છત્તીસગઢ ઓક્સિજન સરપ્લસવાળું રાજ્ય હતું. પરંતુ ઓક્સિજન સપ્લાય મેનેજમેન્ટમાં મુશ્કેલી જરૂર આવી. કોંગ્રેસ શાસિત રાજ્ય છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રી સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેમના રાજ્યમાં કોઈ પણ મોત ઓક્સિજનની કમીથી થયું નથી. હવે રાહુલ ગાંધીએ તામિલનાડુના સ્વાસ્થ્ય સચિવનો જવાબ પણ જાણવાની જરૂર છે.
સ્વાસ્થ્ય સચિવ જે રાધાકૃષ્ણને કહ્યું કે તામિલનાડુમાં ઓક્સિજનની કમીથી કોઈનું મોત થયું નથી. અમે સરકારી અને બિન સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય સતત જાળવી રાખ્યો હતો. ઓક્સિજન સપ્લાય માટે અમારી પાસે ટીમ હતી. તામિલનાડુમાં કોંગ્રેસ અને ડીએમકેનું ગઠબંધન છે.
મંત્રીના નિવેદન સાથે કોંગ્રેસના નેતા
હવે સ્પષ્ટ છે કે છત્તીસગઢ અને તામિલનાડુ એ જ વાત કરી રહ્યા છે જે વાત કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કરી. સવાલ એ છે કે શું રાજ્યોએ કેન્દ્ર સરકારને અધૂરા આંકડા આપ્યા અને શું રાજ્યોએ કેન્દ્રને ઓક્સિજનથી કમીથી મોતના આંકડા આપ્યા નથી?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે