16 કલાક પગપાળા ચાલ્યા, 4 કલાક પહાડ ચડ્યા... હાથકડી-સાંકળોથી બાંધીને પરત ફરેલાની દર્દનાક કહાની

Illegal Immigrants: અમેરિકાથી પરત આવેલા 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાંથી દરેકની કહાની અત્યંત દર્દનાક છે. બુધવારે પરત ફર્યા ત્યારથી જ આ બધા મીડિયાને પોતાની કહાની બતાવી રહ્યા છે. તેઓ એ પણ જણાવી રહ્યા છે કે, અહીં સુધી પહોંચવા માટે તેઓએ કઇ-કઇ મુશ્કેલીઓનો સમાનો કરવો પડ્યો છે.

16 કલાક પગપાળા ચાલ્યા, 4 કલાક પહાડ ચડ્યા... હાથકડી-સાંકળોથી બાંધીને પરત ફરેલાની દર્દનાક કહાની

Illegal Immigrants: ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા તેમના દેશમાં પાછા મોકલી રહ્યું છે. આ અંતર્ગત બુધવારે એરફોર્સનું એક વિમાન 104 ભારતીયોને લઈને અમૃતસર પહોંચ્યું હતું. અમેરિકાથી પરત ફરેલા ભારતીયોની કહાની ખૂબ જ દર્દનાક છે. તેમજ તમામને હાથ-પગ બાંધીને લાવવામાં આવતા હોબાળો મચી ગયો છે. નાગપુરના રહેવાસી હરપ્રીત સિંહ લલિયાએ દાવો કર્યો કે, તેમને પરત લાવતા સમયે હાથકડી પહેરાવવામાં આવી હતી અને પગમાં સાંકળો બાંધીને પ્લેનમાં બેસાડવામાં આવ્યા હતા.

લલિયાએ ગુરુવારે કહ્યું કે, તેનું સપનું કેનેડા જવાનું હતું, પરંતુ એજન્ટની ભૂલથી તેનું સપનું તૂટી ગયું. તેમણે એ પણ જણાવ્યું કે, બેન્કો અને સંબંધીઓ પાસેથી લીધેલા 50 લાખ રૂપિયા ડુબી ગયા છે, આ સિવાય અમેરિકા પહોંચવા માટે ખૂબ જ મુશ્કેલ રસ્તો પસાર કરવો પડ્યો અને દરેક પગલા પર મનમાં ડર હતો.

લલિયાએ વધુમાં કહ્યું કે, 'હું કેનેડાના વિઝા પર ગયો હતો. મેં 5 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીથી મારી સફર શરૂ કરી હતી. બીજે દિવસે અબુ ધાબીથી બીજી ફ્લાઈટ હતી, પરંતુ મને તેમાં ચઢવા દેવામાં આવ્યો નહીં, જ્યારબાદ હું દિલ્હી પરત ફર્યો અને ત્યાં આઠ દિવસ રહ્યો. પછી મને ઇજિપ્તની કાહિરા માટે ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યો, જ્યાંથી સ્પેન થઈને કેનેડાના મોન્ટ્રીયલ જવાનું હતું.'

બેન્ક અને સંબંધીઓ પાસેથી લીધી લોન
લલિયાએ જણાવ્યું કે, ચાર દિવસ સ્પેનમાં રહ્યા પછી તેમને ગ્વાટેમાલા મોકલવામાં આવ્યો, ત્યાંથી તે નિકારાગુઆ પછી હોન્ડુરાસ અને મેક્સિકો બાદ અમેરિકાની બોર્ડર ગયો. તેમણે દાવો કર્યો કે, 'મારે કુલ 49.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે, જે મેં બેન્કો પાસેથી લોન લીધી હતી તથા મિત્રો અને સંબંધીઓ પાસેથી લીધા હતા. હું કેનેડાના વિઝા પર ગયો હતો અને તે દેશમાં કામ કરવા માંગતો હતો, પરંતુ મારા એજન્ટની ભૂલને કારણે મારે આ પીડા સહન કરવી પડી.

16 કલાક પગપાળા ચાલ્યા, 4 કલાક પહાડ પર ચડ્યા
હરપ્રીત સિંહે કહ્યું કે, 'આ સમયગાળા દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મેક્સિકોમાં માફિયાઓએ પકડી લીધો અને 10 દિવસ સુધી બંધક બનાવી રાખ્યો. ત્યાં ચાર કલાક સુધી પહાડ પર ચડ્યા અને પછી અમેરિકાની બોર્ડર સુધી 16 કલાક ચાલવું પડ્યું. દેશનિકાલ અંગે લાલિયાએ કહ્યું કે, તેમને અને અન્ય 103 લોકોને એક કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા અને પછી હાથકડી અને પગની સાંકળો બાંધીને અમેરિકાના પ્લેનમાં ચઢાવી દેવામાં આવ્યા હતા.

કયા રાજ્યમાંથી કેટલા ઇમિગ્રન્ટ્સ
નોંધનીય છે કે, અલગ-અલગ રાજ્યોના 104 ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને અમેરિકાનું સૈન્ય વિમાન બુધવારે અમૃતસર પહોંચ્યું હતું. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહીના ભાગરૂપે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીયોનું આ પ્રથમ જૂથ હતું. દેશનિકાલ કરાયેલા 33-33 લોકો હરિયાણા અને ગુજરાતના, 30 પંજાબના, ત્રણ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના અને બે ચંદીગઢના હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news