મોદી સરકારને મોટો ઝટકો: ઈલેક્ટરોલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, તત્કાળ પ્રભાવથી લગાવી રોક
Supreme Court On Electoral Bonds: સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર તાબડતોબ પ્રભાવથી રોક લગાવી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે કહ્યું કે ફંડ લાંચનો રસ્તો બની શકે એ સંભાવનાથી ઈન્કાર કરી શકાય નહીં
Trending Photos
Supreme Court On Electoral Bonds: સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર તાબડતોબ પ્રભાવથી રોક લગાવી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે કહ્યું કે ફંડ લાંચનો રસ્તો બની શકે એ સંભાવનાથી ઈન્કાર કરી શકાય નહીં જેનાથી સરકારી નીતિઓ પ્રભાવિત થઈ શકે. આ અગાઉ સીજેઆઈએ સ્પષ્ટપણે કહ્યું કે નિર્ણય ભલે અલગ અલગ હોય પરંતુ સમગ્ર બેન્ચનું તારણ એક જ છે. કોર્ટે એ વાત પર વિચાર કર્યો કે શું ફંડ આપનારાની જાણકારી સૂચનાના હક હેઠળ આવે છે? કોર્ટે કોર્પોરેટ કંપની પર ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડ આપવાની નિર્ધારિત મર્યાદાને હટાવવા ઉપર પણ વિચાર કર્યો છે. જાણો ચુકાદાની મહત્વની વાતો...
1. કોર્ટે સ્વીકાર્યું કે ઈલેક્ટરોલ બોન્ડ સ્કીમ મતદારોને જાણવાના અધિકારીનું હનન કરે છે. બેન્ચે સ્વીકાર્યું કે આ સ્કીમ વોટરોના આર્ટિકલ 19(1)એનો ભંગ કરે છે.
2. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આ સ્કીમ દ્વારા બ્લેક મની પર લગાવ કસવાની દલીલ આપીને મતદારોના પક્ષોના ફંડિંગ વિશે જાણવાના અધિકારથી તેમને વંચિત કરી શકાય નહીં.
3. એ સંભાવનાથી ઈન્કાર ન થઈ શકે કે ફંડ લાંચનો રસ્તો પણ બની શકે છે.
4. કોર્ટે કોર્પોરેટ કંપની પર ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડ આપવાની નિર્ધારિત મર્યાદા હટાવવાના સરકારના નિર્ણયને મનમાની અને ખોટો ગણાવી દીધો. કોર્ટે ચુકાદો આપ્યો કે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર તરત રોક લાગે.
5. કોર્ટે SBI ને નિર્દશ આપ્યો છે કે તે ખુલાસો કરે કે કયા રાજનીતિક પક્ષને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કેટલો ફાળો મળ્યો છે. SBI આ જાણકારી ઈલેક્શન કમિશનને આપશે. ચૂંટણી પંચ 31 માર્ચ સુધીમાં સમગ્ર જાણકારી વેબસાઈટ પર મૂકશે. હજુ સુધી જે રાજકીય પક્ષોએ બોન્ડને કેશ કરાવ્યા નથી તેઓ બેંકને પાછા આપશે.
Supreme Court holds Electoral Bonds scheme is violative of Article 19(1)(a) and unconstitutional. Supreme Court strikes down Electoral Bonds scheme. Supreme Court says Electoral Bonds scheme has to be struck down as unconstitutional. https://t.co/T0X0RhXR1N pic.twitter.com/aMLKMM6p4M
— ANI (@ANI) February 15, 2024
આ અગાઉ રાજકારણ ફંડિંગમાં પારદર્શકતા લાવવા માટે પાર્ટીઓે અપાતા દાનના વિકલ્પ તરીકે આ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસ નેતા જયા ઠાકુર, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને NGO એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. સુનાવણી પૂરી કરીને ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય પીઠે ગત વર્ષ 2 નવેમ્બરના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. આ બંધારણીય પીઠમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી આર ગવઈ, જસ્ટિસ જે બી પારડીવાલા, અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે.
હક VS ગોપીનીયતા
આ અગાઉ બંધારણીય બેન્ચે ત્રણ દિવસસુધી સરકાર અને અરજીકર્તાના પક્ષની દલીલો સાંભળી હતી. કોર્ટમાં સંપૂર્ણ દલીલો ફંડ વિશે મતદારોને જાણવાના હક વિરુદ્ધ ફંડ આપનારા દાનકર્તાની ઓળખ ગોપનીય રાખવાની દલીલો પર કેન્દ્રીત રહી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે અમે આ સ્કીમ લાવવા પાછળની સરકારની દાન પર શંકા નથી કરતા. અમે પણ નથી ઈચ્છતા કે કેશ દ્વારા ફંડ આપવાની જૂની વ્યવસ્થા પાછી ફરે. અમે ઈચ્છીએ છીએ કે હાલની સ્કીમની ખામીઓને સુધારીને સારી કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટ શાં માટે ગયો મામલો
અરજીકર્તાઓ તરફથી વકીલ પ્રશાંત ભૂષણ, કપિલ સિબ્બલ, શાદાન ફરાસત અને નિઝામ પાશાએ દલીલો રજૂ કરી. તેમનું કહેવું હતું કે ચૂંટણી બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને મળતા ફાળાના સ્ત્રોત વિશે જાણકારી મળતી નથી. જો મતદારોને ચૂંટણી લડનારા ઉમેદવારોના અપરાધિક ભૂતકાળ, તેમની ચલ અચલ સંપત્તિવિશે જાણવાનો હક હોય તો તેમને એ જાણવાનો પણ હક છે કે કયા રાજકીય પક્ષને કઈ કોર્પોરેટ કંપની તરફથી કેટલો ફાળો મળ્યો પરંતુ આ જે સ્કીમ છે તે તેમના મૂળ અધિકારનું હનન કરે છે.
અરજીકર્તાઓ તરફથી એવો તર્ક રજૂ કરાયો હતો કે વર્ષ 2016-17, અને 2021-22 વચ્ચે 7 રાષ્ટ્રીય અને 24 પ્રાદેષિક પાર્ટીઓને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કુલ 9188.35 કરોડનો ફાળો મળ્યો છે. જેમાંથી એકલા ભાજપને 5,271.9751 કરોડનું ફંડ મળ્યું છે. કોંગ્રેસને 952.2955 કરોડ, જ્યારે AITCને 767.8876, એનસીપીને 63.75 કરોડ રૂપિયાનું ફંડ ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી મળ્યું છે.
સરકારને લાંચ આપવાનો રસ્તો
અરજીકર્તાએ કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 99ટકાથી વધુ ફંડ સત્તાધારી પાર્ટીઓને મળ્યું છે. આ સત્તાધારી પાર્ટીઓને લાંચ આપવાનો રસ્તો બની ગયો છે. આ લાંચ સ્પષ્ટ રીતે સરકારની નીતિઓ અને નિર્ણયોને પ્રભાવિત કરે છે. સરકારી કોન્ટ્રાક્ટ, લીઝ, લાઈસન્સ, તરીકે પણ કંપનીઓને ફાયદો પહોંચાડવાનું સુનિશ્ચિત કરીને સરકાર અનેકગણો વધુ ફંડ તેના બદલામાં વસૂલી શકે છે. જે લોકતંત્રના પાયાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. કારણ કે તે રાજકીય પક્ષોમાં અસમાનતાને પ્રોત્સાહન આપે છે.
અરજીકર્તાઓ તરફથી એમ પણ કહેવાયું હતું કે ચૂંટણી પંચ અને આરબીઆઈ પણ આ સ્કીમને લઈને નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. આ સ્કીમ દ્વારા એવી શક્યતા ઊભી થાય છે કે ફક્ત રાજકીય પક્ષોને ફાળો આપવા માટે જ શેલ કંપનીઓ બનાવવામાં આવે. વિદેશી કંપનીઓ ઈચ્છે તો પોતાની સહાયક કંપનીઓ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડ આપી શકે છે. સરકાર ઈચ્છે તો એસબીઆઈ અને તપાસ એજન્સીઓ દ્વારા દાનકર્તાની જાણકારી મેળવી શકે છે. પણ મતદારો નહીં.
સુપ્રીમ કોર્ટના મહત્વના સવાલો...
- સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ સ્કીમ પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમાં ગોપનીયતા સીમિત છે.
- આ સ્કીમના પગલે વિપક્ષી દળોને ખબર નહીં પડી શકે કે સત્તાધારી પાર્ટીને કોણ ફંડ આપી રહ્યું છે, પણ સત્તાધારી પાર્ટી પોતાની તપાસ એજન્સીઓ દ્વારા એ જાણકારી મેળવી શકે કે કોણ તેમને કે વિપક્ષી પાર્ટીઓને ફંડ આપી રહ્યા છે.
- કોર્ટે એ પણ સવાલ કર્યો કે જ્યારે દરેક પાર્ટીને ખબર છે કે ફંડ આપનાર કોણ છે, તો પછી ફક્ત મતદારો માટે આ જાણકારીથી તેમને વંચિત રાખવાનું શું કારણ? મતદારોને શું એ જાણવાનો હક નથી કે કઈ પાર્ટીને કોણે ફાળો આપ્યો.
- કોર્ટે કોર્પોરેટ કંપનીઓ પર ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ આપવાની નિર્ધારિત મર્યાદાને હટાવવા ઉપર પણ સવાલ કર્યો. વાત જાણે એમ છે કે અગાઉની વ્યવસ્થા મુજબ કોઈ પણ કંપની પોતાના 3 વર્ષના શુદ્ધ નફાના વાર્ષિક સરેરાશ 7.5 ટકાથી વધુ ફંડ રાજકીય પક્ષોને આપી શકે નહીં. પરંતુ હવે ઈલેક્ટોરલ બોન્ડ માટે એ મર્યાદા ખતમ કરવામાં આવી છે.
- ચીફ જસ્ટિસે કહ્યું કે કંપનીઓના ફંડને મર્યાદિત કરવા પાછળનું વ્યાજબી કારણ હતું. કંપની હોવાના નાતે તમારું કામ બિઝનેસ કરવાનું છે. ફંડ આપવાનું નહીં અને તેમ છતાં તમે ફંડ આપવા માંગતા હોવ તો તે નાનો જ હોવો જોઈએ. પરંતુ હવે 1 ટકો નફો કમાતી કંપની પણ એક કરોડ ફંડ આપી શકે છે.
સરકારની શું હતી દલીલ
સરકાર તરફથી સોલિસિટીર જનરલ તુષાર મહેતાએ દલીલ રજૂ કરી હતી કે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ ચૂંટણીમાં બ્લેક મનીના ઉપયોગને રોકવા માટે લાવવામાં આવી હતી. આ સ્કીમ દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે રાજકીય પક્ષોને બેંકિંગના માધ્યમ દ્વારા ફક્ત યોગ્ય રીતે કમાયેલા પૈસા જ પહોંચે. સરકારે કાળા ધન પર લગામ લગાવવા માટે ટિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા જે રીતે બીજા પગલાં લીધા, તેમાંનું આ એક મહત્વનું પગલું છે.
પહેલા ફંડ કેશમાં આવતું
એસજી તુષાર મહેતાએ કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમનો હેતુ પારદર્શકતા લાવવાનો અને દાનકર્તાઓના હિત વચ્ચે સંતુલન કાયમ કરવાનો હતો. જ્યા સુધી તેના દ્વારા ફંડ આપવાની વ્યવસ્થા નહતી ત્યારે ફંડ આપનારા રાજકીય મુશ્કેલીઓથી બચવા માટે કેશ ફંડ આપવા મજબૂર હતા. પરંતુ હવે ગોપનીયતા હોવાના કારણે તેઓ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડ આપી શકે છે.
દાનકર્તાના હિતોનું ધ્યાન!
એસજી તુષાર મહેતાએ કહ્યું કે કોર્ટે સરકારની દાનત જોવી જોઈએ. સરકાર નથી ઈચ્છતી કે તેને રાજકીય પક્ષોને ફંડ આપનારા દાનકર્તાઓ વિશે જાણકારી મળે. દરેક પાર્ટીને એ તો ખબર જ હોય છે કે તેમને કોણે ફાળો આપ્યો. પરંતુ ગોપનીયતા બીજી પાર્ટીના દાનકર્તાઓ વિશે હોવી પણ જરૂરી છે જેથી કરીને દાનકર્તાને પરેશાની ન થાય. જો સત્તાધારી પાર્ટીને એ ખબર પડે કે કોઈ દાનકર્તાએ વિપક્ષી પાર્ટીને ફંડ આપ્યું છે તો તેના માટે તેના વેપાર માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તુષાર મહેતાએ ઉદાહરણ રજૂ કરતા કહ્યું કે આ સ્કીમ પાછળનો હેતુ એ છે કે જો તુષાર મહેત કોંગ્રેસને ફંડ આપી રહ્યા હોય અને એ વાતની જાણ સત્તાધારી ભાજપને ખબર ન પડે જેથી કરીને કોઈ પરેશાની ન ઝેલવી પડે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જો તપાસ એજન્સીઓ પણ દાનકર્તાની માહિતી ઈચ્છતી હોય તો તે કોર્ટના આદેશ બાદ જ શક્ય છે. જો કોઈને વ્યાપક જનહિતમાં ફંડ આપનારા દાનકર્તાની જાણકારી જોઈએ તો પણ તેના માટે કોર્ટ જવાનો રસ્તો ખુલ્લો છે. પણ કોઈની ઉત્સુકતા શાંત કરવા માટે દાનકર્તાની પ્રાઈવસીનું હનન કરવાની મંજૂરી આપી શકાય નહીં.
બધાને સમાન ફાળો ન મળી શકે
વોટરને જાણવાના હક પર એસજી તુષાર મહેતાએ દલીલ રજૂ કરી હતી કે મતદારો એ આધાર પર મત આપતા નથી કે કઈ પાર્ટીને કોની પાસેથી કેટલું ફંડ મળ્યું છે. મતદારો પાર્ટીની વિચારધારા, કાબેલિયત, અને નેતૃત્વને જોઈને મત આપે છે. ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમમાં કેટલીક ખામીઓ હોઈ શકે છે પરંતુ દૂર કરવાની સતત કોશિશ થઈ રહી છે. પરંતુ એ હકીકત છે કે દરેક પાર્ટીને સમાન ફાળો મળી શકે નહીં. તેમણે વધુ ફંડ મેળવવા માટે પોતાના સ્તરને ઊંચુ ઉઠાવવું પડશે. એક સરેરાશ ભારતીય મતદાર પછી ભલે તે કોર્પોરેટ હોય કે અશિક્ષિત, સમજી વિચારીને નિર્ણય લે છે. બની શકે કે તે વર્ષ 2013માં સત્તાધારી પાર્ટીને ફંડ ન આપે કારણ કે તે જાણે છે કે આગામી વર્ષે 2014થી કોની હવા ચાલવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે