પ્રવાસી મજૂરોની દુર્દશા મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે માંગ્યો જવાબ
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ના કારણે દેશભરમાં સૌથી વધુ સમસ્યા પ્રવાસી મજૂરો (Migrant Workers) એ ઉઠાવવી પડી છે. કોરોના લોકડાઉને (Lockdown)તેમને રસ્તાઓ પર લાવીને મૂકી દીધા છે. રોજગારી છીનવાઈ જવાના કારણે હજારોની સંખ્યામાં શ્રમિકો પગપાળા ઘરે જવા માટે મજબુર છે. જેના કારણે અનેક શ્રમિકોએ પોતાના જીવ સુદ્ધા ગુમાવવા પડ્યા છે. આવામાં સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરો સંબંધિત એક અરજીને ગંભીરતાથી લેતા કેન્દ્ર સહિત તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવી છે.
28મી મે સુધીમાં આપવો પડશે જવાબ
સુપ્રીમ કોર્ટના 20 સિનિયર એડવોકેટે સોમવારે પ્રવાસી મજૂરોની દુર્દશાને લઈને સુપ્રીમ કોર્ટને એક પત્ર લખ્યો હતો. જેના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોની સ્થિતિવાળી અરજીને ગંભીરતાથી લીધી. કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને ગુરુવાર સુધીમાં જવાબ આપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી 28મીએ કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોર્ટમાં જણાવવાનું રહેશે કે આખરે તેમણે પ્રવાસી મજૂરોની સ્થિતિ સુધારવા માટે અત્યાર સુધીમાં કયા કયા જરૂરી પગલાં ભર્યા છે.
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા પણ પહોંચ્યા કોર્ટ
પ્રવાસી મજૂરોની દુર્દશાને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લેતા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા પણ આજે કોર્ટમાં પહોંચ્યાં. તેમણે કોર્ટ પાસે આ મામલે દલીલો રજુ કરવાની મંજૂરી માંગી. ગુરુવારે તેમની અરજી પણ આ મામલે સુનાવણી માટે લાગશે.
જુઓ LIVE TV
પહેલા પણ ઉઠ્યો હતો મુદ્દો
આ અગાઉ ઘરે પાછા ફરી રહેલા પ્રવાસી મજૂરોના અકસ્માતમાં મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં ઉઠ્યો હતો. સુપ્રીમ કોર્ટે 15મી મેના રોજ સુનાવણીમાં કહ્યું હતું કે પ્રવાસી મજૂરોની અવરજવર પર નિગરાણી કરવી એ કોર્ટ માટે શક્ય નથી. લોકો રસ્તાઓ પર પગપાળા નીકળી પડે તો તેમને કેવી રીતે રોકી શકાય? દેશમાં પ્રવાસી મજૂરોના મામલે સરકારે જ જરૂરી કાર્યવાહી કરવી પડશે.
અત્રે જણાવવાનું કે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે દરેક શક્ય મદદ કરી રહી છે. આ બાબતે ભારતીય રેલવેએ પણ અનેક શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી છે. જેનાથી પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્ય પહોંચાડવામાં આવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે