USA VISA: અમેરિકી ભાણીના લગ્નમાં ભારતથી નહીં આવી શકે મામા, ભત્રીજીને ભેટવા ફોઈએ પણ જોવી પડશે રાહ!
અમેરિકા જવાનું સપનું હોય તો એ સપનું જ રહેશે. કારણકે, હાલના તબક્કે અમેરિકા જવું પહેલાં કરતા વધુ મુશ્કેલ બની ગયું છે. જાણો શું છે આખો મામલો...અને તેની પાછળના કારણો...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ અમેરિકાએ વિશ્વની મહાસત્તા કહેવાય છે. ઘણાં લોકોનું સપનું હોય છે જીવનમાં એકવાર અમેરિકા જવાનું, તો કેટલાંક લોકો તો અમેરિકામાં સ્થાયી થવાનું પણ સપનું જોતા હોય છે. જોકે, જેટલું સરળતાથી અમેરિકા બોલી કે લખી શકાય છે ત્યાં જવાનું એટલું સરળ નથી. હાલમાં જ ઘણાં એવા કિસ્સા પણ સામે આવ્યાં છેકે, અમેરિકામાં રહેતાં ગુજરાતી પરિવારના ઘરમાં લગ્ન હોય પણ તેના ભારતમાં રહેતા મામા-મામી, ફોઈ-ફુવા સહિતના સગા-સંબંધીઓ આવી નહીં શકે. કારણકે, વર્ષ 2024 સુધી અમેરિકા જવા માટે વિઝિટર વિઝાની પણ એપોઈન્ટમેન્ટ મળી નથી રહી. જેને કારણે દાદા-દાદી, મામા-મામી અને ફોઈ-ફુવા વિના ઘરનો પ્રસંગ ફિક્કો રહી જશે.
અનેક ભારતીય પરિવારો અમેરિકી વિઝાના વેઇટિંગ ટાઇમથી ત્રસ્ત છે. હજારો સ્ટુડન્ટ્સ અને રોજગારી આધારિત વિઝા મેળવવા માગતા લોકોની ઇચ્છા 2023માં પણ પૂરી નથી થવાની, કેમ કે 2022-23 માટે એચ1બી વર્ક વિઝાની 65 હજારની લિમિટ પૂરી થઇ ચૂકી છે. હવે તેના દરવાજા એપ્રિલ, 2024માં જ ખૂલશે. 2019માં અમેરિકી વિઝા માટે પેન્ડિંગ અરજીઓની સંખ્યા 60 હજારથી પણ ઓછી હોવાથી ઇન્ટરવ્યૂ માટે દર મહિને એપોઇન્ટમેન્ટ મળી રહી હતી. વિઝા એપોઇન્ટમેન્ટ પણ અશક્ય થઇ ગઇ છે. વેઇટિંગ ટાઇમ 700 દિવસથી વધારે થઇ ચૂક્યો છે. દિલ્હીમાં વિઝિટર વિઝાનો વેઇટિંગ ટાઇમ 758 દિવસ અને મુંબઇમાં 752 દિવસ થઇ ચૂક્યો છે. જોકે, અમેરિકાના પર્યટન વિઝા મેળવવામાં ઝાઝી તકલીફ નથી પડી રહી.
જોકે, હાલની સ્થિતિને જોતા અમેરિકા વિઝા સર્વિસ સુધારવા પ્રયાસ કરી રહ્યું છે. આઈટી સર્વિસ પર રોકાણ વધારાઈ રહ્યું છે, જેથી સેલ્ફ સર્વિસ ફીચર્સમાં વધારો થઈ શકે. ઈન-પર્સન ઈન્ટરવ્યૂમાં સુધારા અને વીડિયો-રિમોટ ઈન્ટરવ્યૂની ક્ષમતાઓ પણ વિકસિત કરાઈ રહી છે. ટિયર-2 શહેરમાં કર્મચારીઓને ઓવરટાઈમ કરાવાઈ રહ્યો છે. હાઈ સ્પીડ સ્કેનર લગાવીને ડિજિટલ અરજીઓ પર ઝડપથી નિર્ણય લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. કેનેડા જવું અમેરિકા જવાથી પણ વધુ મુશ્કેલ છે. દુનિયાભરમાં ટ્રાવેડ પ્રિ-કોવિડ સ્તરે આવી ચૂક્યું છે, પરંતુ કેનેડા અને ન્યૂઝીલેન્ડના વિઝા પણ સરળતાથી નથી મળી રહ્યા. કેનેડામાં બેકલૉગ 24 લાખે પહોંચી ગયું છે. 4.16 લાખ અરજી ઈન્ટરવ્યૂ માટે પેન્ડિંગ છે, તો બીજી તરફ 3.85 લાખ અરજી માટે હજુ તારીખ નક્કી નથી. અમેરિકાના નેશનલ વિઝા સેન્ટરના બેકલૉગ રિપોર્ટ પ્રમાણે, 31 ઓગસ્ટ સુધી 4,16,856 અરજી ઈન્ટરવ્યૂ માટે પેન્ડિંગ હતી. 3,84,681 અરજી માટે પણ હજુ ઈન્ટરવ્યૂની તારીખ નક્કી કરવાની છે. એક ટ્રાવેલ એજન્સીના એજન્ટનું કહેવું છે કે આટલા બધા વેઇટિંગનો અર્થ એ છે કે, 2023 પછી જ વિઝા મળશે. વિઝિટર્સ વિઝા અરજીની ફી રૂ. 12 હજાર છે. લાખો અરજદારોની આ રકમ અમેરિકન સરકાર પાસે પહોંચી રહી છે.
સ્ટુડન્ટ વિઝા ઈચ્છુક યુવાનોને સૌથી વધુ મુશ્કેલી:
વિઝા વેઇટિંગના કારણે સૌથી વધુ મુશ્કેલી એ યુવાનોને છે, જે અમેરિકામાં અભ્યાસ કરવા જવા ઈચ્છે છે. સ્ટુડન્ટ વિઝા માટે વેઇટિંગ ટાઈમ 300 દિવસથી વધુ થઈ ચૂક્યો છે. અમેરિકા 2023માં 8 લાખ વિઝા આપશે. આ સંખ્યા પ્રિ-કોવિડ સ્તરથી 4 લાખ ઓછી છે એટલે વિઝા એપોઈન્ટમેન્ટ સ્લોટ અપાવવાના નામે છેતરપિંડીના બનાવ વધી રહ્યા છે. ભારત આવનારા માટે એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડેક્લેરેશન જારી રહેશે. વિદેશથી આવતા મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડેક્લેરેશન ભરવાનું હજુ જારી રહેશે. આ એક ઓનલાઇન ફોર્મ છે, જેમાં બધા મુસાફરોએ બોર્ડિંગ પહેલાં ટ્રાવેલ અને કોરોના સંબંધી 15 દિવસની વિગતો ભરવાની હોય છે. મુસાફરોની દલીલ હોય છે કે કોરોના લગભગ ખતમ થઇ ચૂક્યો છે તો આ ફોર્મની શું જરૂર છે? બીજી તરફ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે કોરોના વિશ્વમાંથી હજુ સંપૂર્ણપણે ખતમ નથી થયો.
પહેલીવાર અમેરિકાના ગ્રીનકાર્ડ માટે 145 વર્ષનું વેઇટિંગ, વિરોધમાં ભારતીયોએ એક દિવસ કામ બંધ રાખ્યું. USમાં રહેતા મૂળ ભારતીયો ગ્રીનકાર્ડ માટેના લાંબા વેઇટિંગથી દુ:ખી છે. તેમણે મંગળવારે વિરોધમાં એક દિવસ કામ બંધ રાખ્યું. ભારતીય મૂળની નેહાએ જણાવ્યું કે 2008માં મારી સાથે આવનાર મિત્રને ગ્રીનકાર્ડ મળ્યું પણ મને નથી મળ્યું. રિપબ્લિકન્સ-ડેમોક્રેટ્સના સામસામે આક્ષેપો કરી રહ્યું છે. રિપબ્લિકન મિચ મેક્કોનેલના સહયોગી અનંગ મિત્તલે જણાવ્યું કે ટ્રમ્પના શાસનમાં ઇગલ અધિનિયમ પસાર થયો હતો પણ ડેમોક્રેટ્સે તે અટકાવી દીધો. તેથી સ્થિતિ વણસી છે. બીજી તરફ ડેમોક્રેટ્સ તે માટે ટ્રમ્પને દોષી ઠેરવે છે.
નારાજગી કેમ?
અમેરિકામાં ભારતનો ગ્રીનકાર્ડ ક્વોટા 7% છે, મતલબ કે દર વર્ષે માત્ર 2,467 ગ્રીનકાર્ડ. જ્યારે ગ્રીનકાર્ડ માટે 5 લાખથી વધુ ભારતીયોની અરજી સ્વીકારાઇ છે. 2022માં જેમની અરજી સ્વીકારાઇ તેમનું વેઇટિંગ 145 વર્ષ હતું. એટલે કે ક્યારેય ગ્રીનકાર્ડ નહીં મળે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે