Vijay Diwas 2021: સેનાના એ 5 જાંબાઝ... જેમના શૌર્યના પ્રતાપે ભારતે 1971માં પાકિસ્તાનને ચટાડી હતી ધૂળ

Vijay Diwas 2021: સેનાના એ 5 જાંબાઝ... જેમના શૌર્યના પ્રતાપે ભારતે 1971માં પાકિસ્તાનને ચટાડી હતી ધૂળ

દર વર્ષે 16 ડિસેમ્બરના દિવસની ઉજવણી વિજય દિવસ તરીકે થાય છે. આ એ જ દિવસ છે જ્યારે દરેક ભારતીયની છાતી ગર્વથી પહોળી થઈ જતી હોય છે. વર્ષ 1971માં આ જ દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. આ જીત બાદ આ દિવસની ઉજવણી વિજય દિવસ તરીકે કરવામાં આવે છે. આજે 50મો વિજય દિવસ ઉજવાઈ રહ્યો છે. 13 દિવસ ચાલેલા યુદ્ધમાં ભારતીય સૈનિકોના શૌર્યથી પરાજિત થઈે 93,000 પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કરવું પડ્યું હતું. જો કે આ સમગ્ર અભિયાનમાં અનેક ભારતીય જવાનો શહીદ પણ થયાં અને ઘાયલ પણ થયાં. પરંતુ જે પ્રકારે પાકિસ્તાની લેફ્ટેનન્ટ જનરલ એ  કે નિયાઝીએ 93,000 સૈનિકો સાથે ભારતીય સેનાના કમાન્ડર લે.જનરલ જગજીત સિંહ અરોરા સામે આત્મસમર્પણ કર્યું હતું તે જોઈને દરેક ભારતીયનું માથું આજે પણ ગર્વથી ઊંચું થાય છે. 

વર્ષ 1971ના તે દિવસોને યાદ કરતા જ સૈના માટે સન્માન ચરમસીમાએ પહોંચી જાય છે. તે સમયે જનરલ માનેક શો ભારતીય સેનાના પ્રમુખ હતાં. આ જંગમાં લગભગ 3900 ભારતીય જવાનો શહીદ થયા હતાં જ્યારે 9851 જવાનો ઘાયલ થયા હતાં. પરંતુ આ  કુરબાનીઓએ ભારતનું માથું ગર્વથી ઊંચું કરી નાખ્યું. આ દિવસને આપણે વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ. આવો જાણીએ તે જવાનો અને ઓફિસરો વિશે જેમણે આ યુદ્ધ જીતવામાં મોટી ભૂમિકા ભજવી હતી. 

સેનાપ્રમુખ સેમ માણેક શો
માણેક શોનું આખું નામ સેમ હોર્મૂસજી ફ્રેમજી જમશેદજી માનક શો હતું. વર્ષ 1971ના યુદ્ધના સમયે તેઓ ભારતીય સેનાના પ્રમુખ હતાં. તેમના નેતૃત્વમાં જ ભારતે યુદ્ધ લડ્યું અને ઐતિહાસિક જીત મેળવી. આ એજ યુદ્ધ હતું જેના થકી બાંગ્લાદેશનો જન્મ થયો. 

સેનાપ્રમુખ સેમ માણેક શો

કમાન્ડર અરોરા
પૂર્વ કમાન્ડર લે. જનરલ જગજીત સિંહ અરોરા ભારતીય સેનાના કમાન્ડર હતાં. કહેવાય છે કે તેમની સેનાની નાની મોટી ટુકડીઓના સહારે જ આ યુદ્ધમાં જીત મળી. 30,000 પાકિસ્તાની સૈનિકોની સરખામણીમાં તેમની પાસે ચાર હજાર સૈનિકોની ફોજ જ ઢાકાની બહાર હતી. સેનાની બીજી ટુકડીઓને બોલાવવામાં આવી હતી પરંતુ તેમને પહોંચતા વાર લાગતી હતી. આ દરમિયાન લેફ્ટેનન્ટ જનરલ જગજીત સિંહ ઢાકામાં પાકિસ્તાનના સેનાનાયક લે. જનરલ નિયાઝીને મળવા પહોંચ્યાં અને તેમના ઉપર કઈંક એ પ્રકારે દબાણ સર્જ્યુ કે તેમણે આત્મસમર્પણ કરી નાખ્યું. ત્યારબાદ સમગ્ર પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું. 

કમાન્ડર અરોરા

મેજર હોશિયાર સિંહ
મેજર હોશિયાર સિંહે પોતાના જુસ્સાથી પાકિસ્તાની સેનાને પરાજિત કરવામાં મોટી ભૂમિકા ભજવી. તેમને જમ્મુ અને કાશ્મીરની બીજી બાજુ શકરગઢના પસારી વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે પોતાના શૌર્યનું પ્રદર્શન કરતા જરવાલનો મોરચો ફતેહ  કર્યો. આ માટે માત્ર 3 ગ્રેનેડિયર્સના નેતૃત્વમાં જ તેમણે અદભૂત સાહસનો પરિચય કરાવતા ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમના પરાક્રમ માટે તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતાં. 

મેજર હોશિયાર સિંહ

લેફ્ટેનન્ટ અરુણ ખેત્રપાલ
લે. અરુણ ખેત્રપાલ દેશ માટે લડતા લડતા શહીદ થયા હતાં. પરંતુ તે પહેલા તેમણે પોતાના યુદ્ધ કૌશલ અને પરાક્રમથી દુશ્મનોને એક ઈંચ પણ આગળ વધવા દીધા નહતાં અને  તેમને હારની સાથે પાછળ ધકેલ્યાં. તેઓ સૌથી ઓછી ઉંમરમાં મરણોપરાંત પરમવીર ચક્ર મેળવનારા ભારતીય જાંબાઝોમાંથી એક છે. 

લેફ્ટેનન્ટ અરુણ ખેત્રપાલ

લાન્સ નાયક અલબર્ટ એક્કા
એક બાજુ ભારતીય જવાન પાકિસ્તાની સૈનિકોને પાછળ ધકેલી રહ્યાં હતાં ત્યાં બીજી બાજુ સેનાના જવાનો બટાલિયનમાં તહેનાત બીજા જવાનોની રક્ષા કરી રહ્યાં હતાં. અલબર્ટ એક્કાએ અદભૂત સાહસનો પરિચય કરાવતા પોતાની બટાલિયનના સૈનિકોની રક્ષા કરી હતી. આ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. 

લાન્સ નાયક અલબર્ટ એક્કા

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news