વિંગ કમાન્ડર અભિનંદનની ઉલટતપાસ પૂરી, આરામ માટે રજા પર ઉતારી દેવાયા
પાકિસ્તાનમાં મિગ-21 વિમાન તુટી પડતાં પેરાશુટ વડે જીવ બચાવ્યા બાદ પાકિસ્તાનની સેના દ્વારા તેમને પકડી લેવાયા હતા. ભારતને પરત સોંપાયા બાદ ભારતીય વાયુસેનાએ તેમને વિશેષ તબીબી ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને અહીં તેમનો સંપૂર્ણ મેડિકલ ચેક-અપ અને સારવાર કરાઈ હતી
Trending Photos
નવી દિલ્હીઃ ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનની તબીબી તપાસ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સાથે જ બંને વાયુસેના અને થલસેના દ્વારા ઉલટતપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે સેનાની રિસર્ચ એન્ડ રેફર હોસ્પિટલના ડોક્ટરોએ તેમને કેટલાક અઠવાડિયા આરામ કરવાની સલાહ અપાઈ હોવાથી તેમને રજા પર મોકલી દેવાયા છે. સમાચાર એજન્સી ANIએ વાયુસેનાના સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, "સેનાની નવી દિલ્હી ખાતે આવેલી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના ડોક્ટરોની સલાહને પગલે અભિનંદનને કેટલાક દિવસની માંદગીની રજા આપવામાં આવી છે."
સમાચાર એજન્સી ANIએ જણાવ્યું છે કે, "વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનની સંપૂર્ણ તબીબી તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આ દરમિયાન ભારતીય વાયુસેના અને અન્ય અધિકારીઓએ પણ તેમની જરૂરી પુછપરછ કરી લીધી છે. હવે સેનાની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના ડોક્ટરોની સલાહને આધારે તેમને કેટલાક અઠવાડિયા સુધી રજા પર મોકલી દેવાયા છે."
વાયુસેનાના સૂત્રોએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, રજા પરથી આવી ગયા બાદ નજીકના ભવિષ્યમાં અભિનંદનનો ફરીથી મેડિકલ ફિટનેસ ચેક કરવામાં આવશે. આ રિપોર્ટ આવી ગયા બાદ એ નક્કી કરાશે કે અભિનંદન ફરીથી યુદ્ધ વિમાન ઉડાવી શકશે કે નહીં.
3 માર્ચના રોજ વિંગ કમાન્ડર અભિનંદન કુમારનો MRI કરાયો હતો અને ડોક્ટરોને તેમના શરીરના અંદર કોઈ પણ પ્રકારના જીવાણુ જોવા મળ્યા ન હતા. જોકે, આ તપાસમાં એ જરૂર જાણવા મળ્યું કે, મીગ-21 વિમાનમાંથી ઝટકા સાથે બહાર ફેંકાવા દરમિયાન અભિનંદનની કરોડરજ્જુના નીચેના ભાગમાં કેટલીક ઈજાઓ પહોંચી હતી. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અભિનંદન જ્યારે પાકિસ્તાનની ધરતી પર પેરાશુટ દ્વારા નીચે ઉતર્યા ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેમના પર કરવામાં આવેલા હુમલામાં અભિનંદનની એક પાંસળી પણ તુટી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની ધરતી પર ઉતરી ગયા બાદ અભિનંદને લગભગ 60 કલાક જેટલો સમય પાકિસ્તાની સેનાની કેદમાં પસાર કર્યો હતો. આ દરમિયાન અભિનંદન પર પાક. સેના દ્વારા ઘણું બધું માનસિક દબાણ કરવામાં આવ્યું હતું.
ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાને તેના યુદ્ધ વિમાન ભારતીય સરહદમાં મોકલી દેતાં તેનો જવાબ આપવા ભારતે મિગ-21 વિમાન ઉડાવ્યા હતા. અભિનંદન એક મિગ-21 વિમાન ઉડાવતો હતો અને તેણે પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડ્યું હતું. ત્યાર બાદ તેનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તે પેરાશુટની મદદથી વિમાનમાંથી કૂદી ગયો હતો. જોકે, તે જ્યારે ધરતી પર ઉતર્યો ત્યારે પાકિસ્તાનમાં હતો અને સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો. ત્યાર બાદ ભારતના કુટનૈતિક દબાણને પગલે પાકિસ્તાનને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરને છોડવાની ફરજ પડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે