ઉંધિયાથી લઈને ઉંબાડિયા સુધી શિયાળામાં સ્વાદ સાથે સ્વાસ્થ્ય વર્ધક દેશી વાનગીઓનો ખજાનો

શિયાળાની કેટલીક સ્પેશિયલ અને હેલ્થી દેશી વાનગીની રીત અને સ્પેશ્યાલીટી
 

નિધિ જયસ્વાલ, અમદાવાદઃ આપણી સંસ્કૃતિમાં એવા કેટલાય સુપરફૂડ છે જે આપણને તંદુરસ્ત રાખે છે ઉપરાંત વજન જાળવી રાખવામાં પણ મદદરૂપ થાય છે. હાલતો આપણે પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષાઈને ઓટ્સ, સીડ્સ અને ફેન્સી ફૂડ તરફ વળી ગયા છીએ પરંતુ જુનું છે તે સોનું છે અને આવામાં પરંપરાગત સુપરફૂડને બિલકુલ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. આ દેશી વાનગીઓ આપણી આબેહવા અને લાઈફસ્ટાઈલ માટે પરફેક્ટ છે તો શિયાળામાં આ દેશી વાનગીઓ મિસ કરવાની ભૂલ ન કરતા.

ઉંધિયુઃ

1/9
image

ઉંધિયાને ગુજરાતી વાનગીઓનો રાજા કહેવામાં આવે છે. શિયાળાના શાકભાજીમાંથી તૈયાર થતી આ વાનગી બનાવવા રીંગણ, મેથીના મુઠિયા, બટાકા, કંદમૂળ, લીલા વટાણા, તુવેર અને પાપડી વપરાય છે. તેમાં વિવિધ મસાલા ઉમેરવામાં આવે છે જે શિયાળામાં શરીરને જરૂરી હૂંફ પુરી પાડે છે. ઉંધિયું ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ પોતાની આગવી રીતમાં જોવા મળે છે જેમકે મધ્ય ગુજરાતમાં લીલું ઉંધિયું , તો સૌરાષ્ટ્રમાં ચાપડી ઉંધિયું અને ઉત્તર ગુજરાતમાં લાલ ઉંધિયું. મોટાભાગે ટેસ્ટી ઉંધિયાની લહેજત પુરી, શ્રીખંડ સાથે માણવામાં આવે છે. જો તમે વધુ કેલરીની ચિંતા કરતા હોય તો ઓલીવ ઓઈલ કે સોયાબીન ઓઈલનો ઉપયોગ પણ કરી શકો છો.આ વાનગીમાં ભરપૂર માત્રામાં શાકભાજી છે જે તમામ જરૂરી એવા પોષકતત્વો પૂરા પાડે છે.

ઉંબાડિયુઃ

2/9
image

બળેલુ, કાળા રંગનુ દેખાતુ ઉંબાડિયુ ઉંધિયાનુ પિતરાઈ ભાઈ છે. ઉંબાડિયુ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારથી ફેમસ થયુ હતું પરંતુ તેના સ્વાદ અને ગુણના કારણે આજે તેણે ગુજરાત જ નહિં ભારતમાં પોતાનું નામ બનાવી લીધુ છે. તમે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતા હશો તો રોડ સાઈડ પર તમને ઉંબાડિયાની સુગંધ ચોક્કસ આવશે. ઉંબાડિયું બનાવવા માટે પાપડી, શક્કરિયા, કંદમૂળ, રીંગણ વપરાતા હોય છે આ ઉપરાંત તેમાં થોડા ચડીયાતા પ્રમાણમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરવામાં આવે છે. આ મિશ્રણને એક માટીના ઘડામાં પકવવામાં આવે પરંતુ તેની સ્પેશ્યાલિટી તેને પકવવાની રીત જ છે. ઉંબાડિયાને પકવવા શાકભાજીના ઘડાને પાંદડાથી કવર કરી તેને જમીન નીચે એક ખાડામાં મૂકીને 40 મિનિટ સુધી પકવવામાં આવે છે. આ વાનગીમાં તમને એક સ્મોકી ફ્લેવરનો સ્વાદ મળશે.ગુજરાતની આ વાનગી એક વાર ચાખશો તો વારંવાર ચાખવાનું મન થશે.  

તુવેર ટોઠા:

3/9
image

શિયાળાની વાનગીમાં શાકભાજીની સાથેસાથે કઠોળનો મોટો ફાળો હોય છે. ગુજરાતની આવી જ એક સ્પેશિયલ વાનગી છે તુવેર ટોઠા. આ વાનગી આમતો ઉત્તર ગુજરાતથી શરૂ થયેલી છે પરંતુ તેના ટેસ્ટ અને ગુણને કારણે તેણે સમગ્ર ગુજરાતમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ગુજરાતમાં શિયાળા દરમિયાન તમને ઠેરઠેર તુવેરટોઢાના સ્ટોલ જોવા મળશે. તુવેર ટોઠા બનાવવા માટે સુકી તુવેરને બાફી તેનો ચડીયાતા લસણ અને મસાલા સાથે વઘાર કરવામાં આવે છે. મોટા ભાગે તેને બ્રેડ સાથે આરોગવામાં આવે છે પરંતુ તમે કેલરીનું વિચારતા હોય તો તેને બાજરી કે જુવારના રોટલા સાથે પણ આરોગી શકો છે.

પોંક:

4/9
image

દક્ષિણ ગુજરાતનો પોંક એટલો પ્રખ્યાત છે કે આખા દેશમાંથી લોકો શિયાળામાં ગુજરાત ખાસ આ વાનગી ખાવા આવે છે. પોંક તાજા અને લીલા અનાજને શેકીને બનાવવાં આવે છે. પોંક તમે કાચો પણ ખાઈ શકો છો જે પ્રોટીનનો મોટો સ્ત્રોત છે. તમે પોંકમાંથી વિવિધ વાનગી પણ બનાવી શકો છો જેમકે પોંક પેટીસ, પોંક વડા, સલાડ, પુલાવ. આ ઉપરાંત પોંકને લીંબુ મરીની સેવ, લસણની સેવ, લસણની ચટણી અને છાશ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.  

લસણ ફેદરાં:

5/9
image

ઉત્તર ગુજરાતની ફેમસ અને એકદમ હેલ્થી વાનગી છે લસણ ફેદરાં. આ વાનગીનું મુખ્ય ઘટક છે લસણ, જેમાં મોટા પ્રમાણમાં પોષકતત્વો હોય છે આ ઉપરાંત લસણની પ્રકૃતી ગરમ છે જે તમારા શરીરને જરૂરી ગરમી પૂરી પાડે છે. આ વાનગીને બનાવવા લસણના આખા ગાંઠીયાને ઉપર ઉપરથી છોતરા કાઢી વરાળમાં બાફવામાં આવે છે. ત્યારબાદ તેને ડુંગળી-ટામેટાં અને મસાલાની ગ્રેવીમાં પકવી અને કોઈપણ રસાવાળા શાકની જેમ રોટલી કે ભાખરી સાથે આરોગવામાં આવે છે. તો આ શિયાળામાં જરૂરથી લસણ ફેદરાં બનાવીને ચાખી જોજો.

શિયાળા સ્પેશિયલ ખીચડો:

6/9
image

શિયાળામાં શરીરને હૂંફ પુરી પાડવા આપણે ત્યાં વર્ષોથી વિવિધ ભોજન આરોગવાની પ્રથા છે. તેમાંની જ એક સરળ પરંતુ એકદમ હેલ્થી વાનગી છે ખીચડો.ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પર ખીચડો ખાવાની પરંપરા જોવા મળે છે. આ વાનગી પચવામાં સરળ રહે છે અને પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. ખીચડો બનાવવા માટે મગ , મસૂરની દાળ, મઠ, ચોળા, ચણા, છડેલાં ઘઉં, બાજરીને 5-6 કલાક પલાળી રાખવામાં આવે છે. પછી આ અનાજ અને દાળને મસાલા સાથે બાફીને ગરમાગરમ આરોગવામાં આવે છે.કડકડાતી ઠંડીમાં ગરમાગરમ ખીચડો ખાવાની અલગ જ મજા આવે છે. તો આ શિયાળામાં દેશી વાનગીઓ આરોગી જુઓ જે તમને મનગમતા ટેસ્ટ સાથે ખૂબ સારા પોષકતત્વો પણ આપશે.

હળદર પાક (હળદરીયું):

7/9
image

શિયાળામાં જોવા મળતી અને ગુણવર્ધક શાકભાજીમાંની એક છે લીલી હળદર. હાલ કોરોનાકાળમાં તો હળદર આપણા માટે એક ગોલ્ડન ફૂડ બની રહી છે.હળદરપાક બનાવવામાં એકદમ સરળ પરંતુ એકદમ ટેસ્ટી અને ભરપૂર પોષકતત્વોનો સ્ત્રોત છે. હળદર પાક બનાવવાં લીલી હળદરને છીણીને તેનો બધા મસાલા સાથે વઘાર કરવામાં આવે છે. જેને તમે શાક અથવા તો ચટણી તરીકે પણ આરોગી શકો છે.એકવાર હળદર પાક ચાખ્યા પછી બીજી વાર બનાવતા તમે પોતાને રોકી જ નહિં શકો.

કાઠીયાવાડી ઘૂંટો:

8/9
image

શિયાળાની સીઝન શાકભાજી રસીયાઓ માટે પ્રિય હોય છે કારણે શિયાળામાં સારા પ્રમાણમાં લીલા અને તાજા શાકભાજી મળી રહે છે.કાઠીયાવાડી ઘૂંટો લીલા શાકભાજીથી બનતી એક સ્વાદિષ્ટ અને હેલ્થી વાનગી છે. ઘૂંટો બનાવવા લીલા શાકભાજી જેવાકે વટાણા, તુવેર, પાપડી, કેપ્સીકમ, બ્રોકલી, ગાજર, પાલક ,કંદમૂળ વપરાય છે જેમાં ભરપૂર માત્રામાં વિટામીન અને પોષકતત્વો હોય છે. આ ઉપરાંત આમાં બધી દાળનો ઉપયોગ કરાય છે જે પ્રોટીનનો મોટો સ્ત્રોત છે. આ વાનગી બનાવવા બધા શાક અને દાળને મસાલા અને તેજાના નાખી બાફીને એકરસ કરી દેવામાં આવે છે. જેને રોટલી કે ભાખરી સાથે આરોગવામાં આવે છે. 

અડદિયા પાકઃ

9/9
image

અડદિયા પાક ગુજરાતની સ્પેશ્યાલિટી છે. શિયાળામાં શરીરને જરૂરી તમામ તત્વો અડદિયા પાકમાં હાજર છે. અડદિયા પાકને અડદની દાળને ઘીમાં શેકીને તેમાં ડ્રાયફ્રૂટ્સ અને વિવિધ તેજાના(ખડા મસાલા) ઉમેરી બનાવવામાં આવે છે. આ રેસિપીમાં વપરાતી તમામ સામગ્રી બજારમાં સરળતાથી મળી જાય છે. અડદિયા પાક સ્વાદમાં તીખો અને મીઠો હોય છે અને તેમાં વિવિધ પોષકતત્વો હોય છે. આને જ મળતી એક બીજી વાનગી છે ગુંદર પાક જેમાં અડદની દાળને બદલે ખૂબજ હેલ્થી એવો ગુંદર વાપરવામાં આવે છે.