શું તમે મુસ્લિમ માતાજી વિશે સાંભળ્યું છે? ગુજરાતમાં આવું જ એક મંદિર છે, જ્યાં જામે છે હિન્દૂઓની ભીડ
Gujarat Tourism: ગુજરાતનું આ મુસ્લિમ માતાજીનું મંદિર તમે જોયું છે? કેમ હિન્દુઓ સુખડી અને મુસ્લિમો ચઢાવે છે ચાદર? ગુજરાતના આ જિલ્લામાં આવેલું છે અનોખું મંદિર. જ્યાં વિઝા મેળવવાની માનતા રાખવા દૂર દૂરથી આવે છે લોકો. ગામમાં ઘરદીઠ એક વ્યક્તિ છે અમેરિકાનો નાગરિક. અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે પણ અંતરિક્ષ પર જતા પહેલાં કર્યા હતાં આ મંદિરના દર્શન.
Trending Photos
Gujarat Tourism/ઝી બ્યૂરો અમદાવાદઃ વિશાળ પરિસર, અલગ અલગ ફૂલોથી સજેલો બગીચો, મંદિરના ઘુમ્મટ પર બેસેલાં હજારો કબુતરોનો નજારો, મંદિરને અડીને આવેલું વિશાળ તળાવ, વૃક્ષો અને કુદરતી વાતાવરણ. આ સ્થળ કોઈ પ્રવાસન સ્થળથી ઓછું નથી. દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે અને ફરવા માટે પરિવાર સાથે અહીં આવે છે. અહીં વાત કરવામાં આવી રહી છે ગુજરાતના એક માત્ર મુસ્લિમ માતાજીના મંદિરની. દાંલા માતાના મંદિરની. જે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલાં કડી તાલુકાના ઝુલાસણ ગામમાં આવેલું છે.
આશરે 250 વર્ષ પહેલાં એક મુસ્લિમ મહિલાએ પોતાના ગામને સુરક્ષા આપવા ભારે લડત આપી હતી. લોકોના મતે આ મહિલાના મૃત્યુ બાદ તેનું શરીર ફૂલોમાં ફેરવાઈ ગયું હતું. આ મંદિરમાં લોકો દૂર દૂરથી દર્શન કરવામાં આવે છે. 7000 ની વસ્તીવાળા આ ગામમાં અંદાજે 2000 લોકો અમેરિકાના નાગરિક છે. મંદિરમાં એક પથ્થર કે તંત્ર આવેલું છે જેને લોકો દાંલા માતા તરીકે સંબોધે છે. ગામ લોકોએ આ આ મંદિર સ્થાપ્યું છે.
અમદાવાદથી લગભગ 55 કિલો મીટરના અંતરે મહેસાણા જિલ્લામાં આવેલું છે એક અનોખું મંદિર. જીહાં અનોખે એટલાં માટે કે આવું મંદિર તમે ગુજરાત જ નહીં દેશ અને દુનિયાભરમાં ક્યાંય નહીં જોયું હોય. શું તમે ક્યારેય મુસ્લિમ માતાજી વિશે સાંભળ્યું છે? અજુક્તી લાગતી વાત અહીં સાચી ઠરે છે ગુજરાતના મહેસાણા જિલ્લામાં. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણા ગામમાં આવેલું છે આ અનોખું મંદિર. જેનું નામ છે દાંલા માતાનું મંદિર. એવી માન્યતા છેકે, આ મંદિરે દર્શન કરીને માનતા રાખવાથી ઝડપથી વિઝા મળી જાય છે. જેને કારણે દૂરદૂરથી અહીં લોકો વિઝા માટેની માનતા રાખવા પણ આવે છે.
લોકો વિઝા મેળવવાની રાખે છે માનતા-
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામમાં આવેલા દાંલા માતાજીના મંદિરને લઇને શ્રદ્ધાળુઓમાં અનેરી આસ્થા છે. એવું કહેવામાં આવે છે કે અહીં વિઝા લેવા અંગેની માનતા રાખવામાં આવે તો એ ફળે છે. આ આસ્થાના કારણે જ ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, હરિયાણા સહિતનાં અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવે છે અને વિઝાની માનતા રાખે છે.
હિન્દુઓ સુખડી મુસ્લિમો ચઢાવે છે ચાદર-
આ દાંલા માતાજીના મંદિરે દૂર દૂરથી લોકો વિઝા મેળવવાની માનતા કરવા આવે છે. આ ઉપરાંત આ મંદિર કોમી એખલાસનું સંપૂર્ણ પ્રતીક છે. મંદિરમાં રહેલું પથ્થરનું યંત્ર 800 વર્ષથી દેવી તરીકે પૂજાય છે અને આ મંદિર હિન્દુ મુસ્લિમની સંયુક્ત અસ્થાનું મોટું કેન્દ્ર છે. આ મંદિરમાં જેટલાં હિન્દુઓ દર્શન કરવા આવે છે એટલાં જ મુસ્લિમ સમુદાયના લોકો પણ આ મંદિરમાં આસ્થા રાખે છે. અહીં આવતા હિન્દુ અને મુસ્લિમ બન્ને સમુદાયના લોકોની માનતા પૂર્ણ થાય છે. માનતા પૂર્ણ થયા બાદ હિન્દુઓ માતાજીને સુખડી અને શ્રીફળ ચડાવે છે, જ્યારે મુસ્લિમ સમાજના લોકો ચાદર ચડાવે છે.
સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ-
ઝુલાસણ ગામ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ છે, સુનિતા વિલિયમ્સ ઘણીવાર આ ગામમાં મંદિરનાં દર્શન કરવા આવી ચૂક્યાં છે. સુનીતા વિલિયમ્સ જ્યારે પોતાની અંતરિક્ષયાન યાત્રા પર હતાં એ દરમિયાન યાનમાં ખામી સર્જાઈ હતી. એ દરમિયાન ઝુલાસણના લોકોએ ભેગા મળીને આ મંદિરે સુનિતા વિલિયમ્સ માટે અખંડ જ્યોત અને ધૂન બોલાવી હતી. ત્યાર બાદ સુનિતા વિલિયમ્સ સફળતાપૂર્વક પોતાના યાન સહિત ધરતી પર આવ્યાં હતાં અને ત્યાર બાદ ઝુલાસણ ખાતે દાંલા માતાનાં દર્શન કરવા પહોંચી હતી.
મંદિરનો ઇતિહાસ-
800 વર્ષ અગાઉ ઝુલાસણ ગામમાં હાલ જ્યાં મંદિર છે એ સ્થળ એક માટીનું યંત્ર નીકળ્યું હતું. ત્યાર બાદ ગામલોકો આ યંત્રને દેવી તરીકે પૂજા કરતા આવ્યા છે. જેમ જેમ લોકો માનતા માનવા લાગ્યા અને તેમનાં કામ પૂરાં થતાં ગયાં એમ એમ લોકોમાં વધુ આસ્થા જાગી. આ મંદિરમાં લોકવાયકા મુજબ મુસ્લિમ દેવી પૂજાય છે અને મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દર્શન અને માનતા માનવા આવે છે.
શું છે લોકવાયકા?
લોકવાયકા મુજબ પહેલાંના જમાનામાં ગામમાં લૂંટારાઓ આવતા હતા અને ગામને લૂંટીને જતા રહેતા હતા. ત્યારે પાડોશના ગામમાંથી પસાર થતી એક મુસ્લિમ મહિલાએ જોયું કે ઝુલાસણ ગામમાં લૂંટ મચી છે. તેઓ ત્યાં જ રોકાઈ ગયાં ને લૂંટારુઓ સામે બાથ ભીડી અને લડતાં-લડતાં મૃત્યુ પામ્યાં. આજે જ્યાં મંદિર છે ત્યાં જ તેમનું મોત થયું હતું. એનાં ઘણાં વર્ષો બાદ તેમના નામ પર મંદિર બન્યું.
ગામમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં-
મહેસાણાથી 40 કિલોમીટર દૂર આવેલું ઝુલાસણ ગામ 7 હજારની વસતિ ધરાવે છે, જેમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં વસવાટ કરે છે. ગામમાં 7 હજાર જેટલી વસતિ છે, જેમાં 3 હજારથી વધુ લોકો અમેરિકામાં વસવાટ કરે છે. આ મંદિરમાં 70થી 80 ટકા લોકો પોતાના વિઝાની માનતા લઈને આવતા હોય છે. મોટાભાગના લોકોનું કામ થઈ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે