BAN vs WI, 2nd Test: વેસ્ટઈન્ડિઝને ઈનિંગ અને 184 રનથી હરાવી બાંગ્લાદેશે મેળવી ઐતિહાસિક જીત
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને બીજી ટેસ્ટ મેચમાં ઈનિંગ અને 184 રનથી હરાવતા ટેસ્ટ ક્રિકેટની અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી હતી.
Trending Photos
ઢાકાઃ મહમુદુલ્લાહ (136)ની સદી અને મેહદી હસન (7/58)ની શાનદાર બોલિંગની મદદથી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને એક ઈનિંગ અને 184 રને પરાજય આપ્યો હતો. શેર-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં મળેલી આ જીતની સાથે બાંગ્લાદેશે બે ટેસ્ટ મેચોની સિરીઝને 2-0થી પોતાના નામે કરી લીધી હતી.
આ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ઐતિહાસિક જીત મળી છે. તેણે ટેસ્ટના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ટીમને ઈનિંગના અંતરથી પરાજય આપ્યો છે. આટલી મોટી જીત બાંગ્લાદેશને અત્યાર સુધી ક્યારેય મળી નથી.
આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. મહમુદુલ્લાહની સદીની સાથે-સાથે કેપ્ટન શાકિબ અલ-હસન (80) અને શાદમાન ઇસ્લામ (76)ના પ્રદર્શનની મદદથી પોતાની પ્રથમ ઈનિંગમાં 508 રન ફટકાર્યા હતા.
આ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ માટે જોમેલ વારિકાન, કીમાર રોચ, દેવેન્દ્ર બિશૂ અને કેપ્ટન બ્રાથવેટે બે-બે વિકેટ ઝડપી હતી, તો શેમરોન લેવિસ અને રોસ્ટન ચેસને એક-એક સફળતા મળી હતી.
ત્યારબાદ બાંગ્લાદેશે મેહદીના શાનદાર પ્રદર્શનની મદદથી વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ઈનિંગમાં 111 રને ઓલઆઉટ કરી દીધું હતું. પ્રવાસી ટીમ માટે શિમરોન હેટમેયરે સૌથી વધુ 39 રન બનાવ્યા અને શએન ડોરિકે 37 રન બનાવ્યા હતા. આ સિવાય તમામ બેટ્સમેન નિષ્ફળ રહ્યાં હતા.
બાંગ્લાદેશે ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝને ફોલોઓન આપ્યું હતું. તેમાં પણ મેહદીએ (59/5)ના શાનદાર પ્રદર્શનથી પ્રવાસી વિન્ડિઝને 213 રનમાં આઉટ કરી દીધું હતું.
વેસ્ટ ઈન્ડિઝ માટે શિમરોને સૌથી વધુ 93 રન બનાવ્યા હતા. રોચે 37 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઈપણ બેટ્સમેન ટકી શક્યો નહતો.
બાંગ્લાદેશ માટે મેહદી સિવાય, તાઇજુલ ઇસ્લામે ત્રણ વિકેટ ઝડપી. શાકિબ અને નઈમ હસનને એક-એક સફળતા મળી હતી. શાકિબે પ્રથમ ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
મેહદીને પ્લેયર ઓફ ધ મેચ અને શાકિબને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે