IND vs AUS: રોહિત શર્મા સાથે મતભેદ છે? ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હાર....તમામ સવાલોના ગૌતમ ગંભીરે આપ્યા જવાબ

ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં અનેક સવાલોના ખુલીને જવાબ આપ્યા. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં શરમજનક હારબાદ ટીકા ઝેલી રહેલા ગંભીરે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કે એલ રાહુલ ઉપરાંત શાર્દુલ ઠાકુર સંલગ્ન સવાલોના જવાબ આપ્યા.

Trending Photos

IND vs AUS: રોહિત શર્મા સાથે મતભેદ છે? ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હાર....તમામ સવાલોના ગૌતમ ગંભીરે આપ્યા જવાબ

Gautam Gambhir Press Conference 10 Key Points: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં અનેક સવાલોના ખુલીને જવાબ આપ્યા. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં શરમજનક હારબાદ ટીકા ઝેલી રહેલા ગંભીરે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કે એલ રાહુલ ઉપરાંત શાર્દુલ ઠાકુર સંલગ્ન સવાલોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે તેઓ હારવા છતાં દબાણમાં નથી અને તેમના ઉપર સોશિયલ મીડિયાની કોઈ અસર પડતી નથી. ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 10 મહત્વની વાતો ખાસ જાણો...

1. પહેલી ટેસ્ટમાં રમશે રોહિત શર્મા?
સૌથી મોટો સવાલ એ છે કે રોહિત શર્મા પ્રથમ પર્થ ટેસ્ટ માટે ઉપલબ્ધ થશે કે નહીં. ગંભીરે સ્પષ્ટ કર્યું કે ભારતીય કેપ્ટન રોહિત શર્માની  ભાગીદારી પર હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. જો કે તેમણે આશ્વાસન આપ્યું કે ટીમ પાસે ટોચના ક્રમમાં સક્ષમ વિકલ્પો છે. તેમણે કહ્યું કે જો રોહિત શર્મા ઉપલબ્ધ નહીં હોય તો કે એલ રાહુલ કે અભિમન્યુ ઈશ્વરન તરીકે ટીમ પાસે 2 વિકલ્પ છે. 

2. રોહિત નહીં તો કોણ કેપ્ટન
ગંભીરે એ પણ સ્પષ્ટ કર્યું કે જો રોહિત શર્મા રમવામાં અસમર્થ હશે તો જસપ્રીત બુમરાહ પહેલી ટેસ્ટની કેપ્ટનશીપ સંભાળશે કારણ કે તેઓ ટીમના વાઈસ કેપ્ટન છે. આવામાં બુમરાહ સ્વાભાવિક રીતે રોહિતની ગેરહાજરીમાં કેપ્ટન્સી સંભાળશે. 

3. સોશિયલ મીડિયા પર ટીકાનો જવાબ
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝ હાર્યા બાદ સોશિયલ મીડિયા પર થયેલી ટીકાઓ વિશે પૂછવામાં આવતા ગંભીરે તેને ટાળી દીધો. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયાનો મત  તેમના દ્રષ્ટિકોણને પ્રભાવિત કરતો નથી. તેમણે કહ્યું કે, આ ભૂમિકાને સંભાળતા, મને ખબર હતી કે આ એક પડકારભર્યું કામ છે પરંતુ આ ભારતીય ટીમને કોચ કરવી એ એક સન્માનની વાત છે. 

4. કે એલ રાહુલના કર્યા વખાણ
કે એલ રાહુલની ટીમમાં ભૂમિકા વિશે પૂછવામાં આવતા ગંભીરે બેટરની ઓલરાઉન્ડર પ્રતિભાની પ્રશંસા કરી. ગંભીરે જણાવ્યું કે રાહુલ અલગ અલગ ક્રમ પર બેટિંગ કરી શકે છે. આ ઉપરાંત તે વિકેટ કિપિંગમાં પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. તેમણે કહ્યું કે રાહુલ જેવા ખેલાડી ખુબ ઓછી ટીમો પાસે હોય છે. 

5. કોહલી અને રોહિતના ફોર્મ પર આત્મવિશ્વાસ
રિકી પોન્ટિંગ દ્વારા વિરાટ  કોહલી અને રોહિત શર્માના ઘટતા ફોર્મ પર કરાયેલી ટિપ્પણી પર પૂછવામાં આવતા ગંભીરે સટીક જવાબ આપ્યો. તેમણે પોન્ટિંગ પર આકરો પ્રહાર કરતા કહ્યું કે, પોન્ટિંગને ભારતીય ક્રિકેટ સાથે શું લેવાદેવા છે? તેમણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પર ધ્યાન આપવું જોઈએ. અમને વિરાટ કે રોહિત વિશે કોઈ ચિંતા નથી. તેઓ મજબૂત ખેલાડી છે જેમણે ભારત માટે ઘણું બધુ કર્યું છે અને તેઓ આમ કરવાનું ચાલુ રાખશે. 

6. ભારતના WTC ફાઈનલ સ્પોટ પર દાવ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી WTC ફાઈનલ પહેલાની અંતિમ ટેસ્ટ સિરીઝ હોવાના કારણે ભારત માટે મહત્વપૂર્ણ છે. ગંભીરે કહ્યું કે, ટીમ આ અંગે વધુ વિચારતી નથી. રોહિત શર્મા અને તેમના ખેલાડીઓનું સંપૂર્ણ ધ્યાન ફક્ત 5 ટેસ્ટ મેચોની સિરીઝ જીતવા પર છે. 

7. પિંક બોલ ટેસ્ટની તૈયારી
એડિલેડમાં સિરીઝની બીજી મે પિંક બોલથી રમાશે. ગંભીરને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, અમારી પાસે પિંકથી રમવાની તૈયારી માટે 9 દિવસનો સમય રહેશે. ઓસ્ટ્રેલિયાની પીએમ ઈલેવન વિરુદ્ધ 2 દિવસની અભ્યાસ મેચ પણ છે. આ રોમાંચક થવાનું છે અને અમે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. પહેલી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. ત્યારબાદ બીજી મેચ એડિલેડમાં 30 નવેમ્બરથી શરૂ થશે. 

8. ન્યૂઝીલેન્ડ સામે ટીમનું પ્રદર્શન
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતના ખરાબ પ્રદર્શન પર ગંભીરે કહ્યું કે, સ્પષ્ટ છે કે સબક એ છે કે અમે સ્વીકારીએ છીએ કે અમે હારી ગયા. હું અહીં બેસીને બચાવ કરવાનો નથી. મને લાગે છે કે અમે ત્રણેય વિભાગમાં હારી ગયા. તેઓ વધુ પ્રોફેશનલ હતા અને અમે તે સ્વીકારીએ છીએ. મને લાગે છે કે અમને જે ટીકા મળી રહી છે, અમે તેને બે હાથે લઈએ છીએ અને અમે આગળ વધીએ છીએ. દરરોજ વધુ સારા થતા રહીએ છીએ. 

9. રોહિત શર્મા સાથે મતભેદ છે?
ભારતીય કોચે કેપ્ટન રોહિત શર્મા સાથે મતભેદના સમાચારોને ફગાવી દીધા. તેમણે કહ્યું કે, રોહિત સાથે મારો સંબંધ અવિશ્વસનીય રહ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝે કઈ પણ બદલ્યું નથી. ત્રણ ટેસ્ટ મેચ પહેલા અમે કાનપુરમાં પણ એક અવિશ્વસનીય ટેસ્ટ મેચ રમી હતી. મને ખબર છે કે અમે અમારું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમ્યા નથી. પરંતુ તેનાથી કશું પણ બદલાતું નથી. ઓસ્ટ્રેલિયા એક નવી સિરીઝ અને એક નવું હરીફ છે. અમે એ વિચારીને મેદાન પર ઉતરીએ છીએ કે અમે નિશ્ચિત પણે તે સિરીઝને જીતવાની કોશિશ કરીશું. 

10. શાર્દુલ ઠાકુરની પસંદગી કેમ ન થઈ?
ગંભીરને જ્યારે પૂછવામાં આવ્યું કે ઓસ્ટ્રેલિયામાં બેટ અને બોલથી સફળ થનારા શાર્દુલ ઠાકુરની પસંદગી કેમ ન થઈ તો તેમણે સીધો જવાબ આપ્યો. ભારતીય કોચે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ હવે ભવિષ્ય વિશે વિચારી રહી છે. ગંભીરે કહ્યું કે, અમે અમારા કામ માટે સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે. અમે નીતિશ રેડ્ડી વિશે જાણીએ છીએ અને જાણીએ છીએ કે તે કેટલો પ્રતિભાશાળી છે. અમે ભવિષ્ય માટે આગળ વધીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news