IND Vs ENG: 'બાપુ સેલ્ફિશ' ! જાડેજા આ ખેલાડીઓને પણ કરાવી ચૂક્યો છે રનઆઉટ, લાગ્યો હવે નવો ટેગ
India vs England 3rd Test: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. ભારતીય બેટ્સમેનોએ આ મેચમાં શાનદાર બેટિંગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. પરંતુ આ મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહેલા સરફરાઝ ખાનની વિકેટ વિવાદમાં આવી અને ચર્ચાનો વિષય બની ગયો. હવે ફેન્સ જાડેજાને સેલ્ફિશ કહી રહ્યાં છે.
Trending Photos
ગુજરાતમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની સદી પૂરી કરવાનો પ્રયાસ કરતાં સરફરાઝ રનઆઉટ થયો હતો. પહેલી જ મેચમાં સરફરાઝે આક્રમક બેટિંગ કરી હતી અને માત્ર 48 બોલમાં અડધી સદી ફટકારી હતી. સરફરાઝ જે ગતિથી બેટિંગ કરી રહ્યો હતો તેને જોઈને લાગી રહ્યું હતું કે તે આજે સદી ફટકારીને જ સફળતા હાંસલ કરશે. જો કે, આવું બન્યું ન હતું. સરફરાજ જાડેજાને બચાવવાના પ્રયાસમાં આઉટ થઈ ગયો હતો. એના માટે આ ડેબ્યું મેચ હતી. પ્રથમ મેચમાં સદી ફટકારવાનો ચાન્સ હતો પણ તેને આ લાભ મળી શક્યો ન હતો.
ગુજરાતી ખેલાડી અને ભારતીય ટીમનો ઓલરાઉન્ડર જાડેજા 82મી ઓવરમાં 99 રનના સ્કોર પર હતો ત્યારે તેણે એન્ડરસનના બોલ પર મિડ-ઓન પર શોટ રમ્યો અને રન માટે કોલ આપ્યો હતો. જાડેજાના કોલ પર નોન-સ્ટ્રાઈકર છેડે ઊભેલો સરફરાઝ ક્રિઝની બહાર આવ્યો હતો. પરંતુ ત્યારબાદ જાડેજાએ રન લેવાની ના પાડી દીધી હતી. સરફરાઝે ક્રિઝ પર પાછા જવાનો પ્રયાસ કર્યો પરંતુ મિડ-ઓન પર ઊભેલા માર્ક વૂડે કોઈ પણ ભૂલ કર્યા વિના સચોટ થ્રો વડે સ્ટમ્પને પાડી દીધા હતા. આમ સરફરાઝ રનઆઉટ થયો હતો અને પ્રથમ મેચમાં સદીથી વંચિત રહી ગયો છે.
આ પહેલીવાર નથી જ્યારે જાડેજાએ આવું કર્યું હોય. હૈદરાબાદમાં રમાયેલી આ શ્રેણીની પ્રથમ મેચમાં જાડેજાએ રવિચંદ્રન અશ્વિનને રનઆઉટ કર્યો હતો. જે બાદ અશ્વિન જાડેજા પર ગુસ્સે થયો હતો. આ સમગ્ર ઘટના ભારતની પ્રથમ ઇનિંગની 91મી ઓવરમાં બની હતી. અશ્વિને તે ઓવરનો ત્રીજો બોલ કવર તરફ રમ્યો અને સિંગલ માટે દોડ્યો. અશ્વિન નોન-સ્ટ્રાઈકર છેડે દોડીને આવ્યો હતો. બીજી તરફ જાડેજા પણ રન બનાવવા માટે થોડો આગળ વધ્યો હતો પરંતુ પછી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને ક્રિઝ પર પાછો ફર્યો હતો.
જાડેજાએ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ કંઈક આવું જ કર્યું હતું. જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન જાડેજાએ ટેસ્ટ મેચમાં સદી ફટકાર્યા બાદ રમી રહેલા કોહલીને રનઆઉટ કર્યો હતો. ભારતીય ઇનિંગ્સની 99મી ઓવરમાં, જ્યારે કોહલીએ લેગ સાઇડ પર ટેપ કરીને રન ચોરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જાડેજાએ તેને પૂરો સાથ આપ્યો. પરંતુ ત્યારબાદ જાડેજા રન લેવામાં થોડો અસહજ દેખાતો હતો અને બંને વચ્ચેનો તાલમેલ બગડી ગયો હતો.
બે ડગલાં ચાલ્યા બાદ કોહલી થોડીવાર માટે રોકાઈ ગયો હતો, પરંતુ જાડેજાને જોઈને તે ફરી ઝડપથી દોડ્યો હતો. પરંતુ તે અલ્ઝારી જોસેફના થ્રોથી બચી શક્યો ન હતો અને રનઆઉટ થયો હતો. કોહલીના આ રન આઉટ બાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ રવિન્દ્ર જાડેજા પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું હતું. ગઈકાલે સરફરાઝ પણ આઉટ થતાં હવે ચાહકો જાડેજાને સેલ્ફિશનો ટેગ આપી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે