GT vs LSG: સાહા-ગિલ બાદ મોહિત શર્માએ કર્યો કમાલ, ગુજરાતે લખનઉને 56 રને હરાવ્યું
IPL 2023: લખનઉની ટીમ 228 રનના લક્ષ્યનો પીછો કરતા 20 ઓવરમાં 171 રન બનાવી શકી હતી. આ જીત સાથે ગુજરાતના 16 પોઈન્ટ થઈ ગયા છે અને તેની પ્લેઓફમાં એન્ટ્રી લગભગ પાક્કી થઈ ગઈ છે.
Trending Photos
અમદાવાદઃ આઈપીએલ 2023માં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સનું ધમાકેદાર પ્રદર્શન જારી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયને સીઝનમાં આઠમી જીત મેળવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાતે લખનઉ સુપર જાયન્ટ્સને 56 રને પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાની તોફાની અડધી સદી અને બંને વચ્ચે સદીની ભાગીદારીથી ગુજરાતે બે વિકેટ પર 227 રન બનાવ્યા. લખનઉને ડિ કોક અને માયર્સે તોફાની શરૂઆત અપાવી. પરંતુ મિડલ ઓર્ડરના બેટર ફ્લોપ રહ્યાં હતા. ટીમ 20 ઓવરમાં 7 વિકેટ પર 171 રન બનાવી શકી. આ ગુજરાતની આઠમી જીત છે અને તે ટેબલમાં ટોપ પર છે.
ગિલ અને સાહાએ 142 રન જોડ્યા
ઓપનિંગ બેટર શુભમન ગિલે 51 બોલમાં બે ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી અણનમ 94 રનની ઈનિંગ રમવા સિવાય સાહા (43 બોલમાં 81 રન, 10 ચોગ્ગા અને ચાર છગ્ગા) ની સાથે પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી કરી ટાઈટન્સને આઈપીએલમાં તેના સર્વશ્રેષ્ઠ સ્કોર સુધી પહોંચાડ્યું હતું. કેપ્ટન હાર્દિક પંડ્યા (25) અને ડેવિડ મિલર (અણનમ 21) એ ઉપયોગી યોગદાન આપ્યું હતું.
લખનઉ સુપર જાયન્ટ્સા કેપ્ટન કૃણાલ પંડ્યાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, ત્યારબાદ સાહા અને ગિલની ઓપનિંગ જોડીએ ટીમને તોફાની સરૂઆત અપાવી હતી. આ જોડીએ પાવરપ્લેમાં વિકેટ ગુમાવ્યા વ ગર 78 રન જોડ્યા જે ટાઈટન્સ તરફથી આઈપીએલમાં રેકોર્ડ છે. સાહાએ શરૂઆતી ઓવરમાં આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે મોહસિન ખાનની પ્રથમ ઓવરમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા બાદ આવેશ ખાનની ઓવરમાં એક ફોર અને એક સિક્સ ફટકારી હતી.
લખનઉ તરફતી ડિ કોકે 41 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 70 રન બનાવ્યા હતા. કાઇલ મેયર્સે 48 રન બનાવ્યા હતા. આ સિવાય આયુષ ભદોનીએ 21, દીપક હુડ્ડાએ 11 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફતી મોહિત શર્માએ 4 ઓવરમાં 29 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય મોહમ્મદ શમી, રાશિદ ખાન અને નૂર અહમદે એક-એક વિકેટ લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે