વિજય હજારે ટ્રોફીઃ તમિલનાડુ અને કર્ણાટક ફાઇનલમાં, ગુજરાત બહાર
વિજય હજારે વનડે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પરાજય સાથે ગુજરાતની સફર સમાપ્ત થઈ ગઈ છે. આ સાથે તમિલનાડુ અને કર્ણાટકની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે.
Trending Photos
બેંગલુરૂઃ વિજય હજારે ટ્રોફીની આજે બંન્ને સેમિફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચ બાદ ફાઇનલમાં પહોંચનારી બંન્ને ટીમોના નામ સામે આવી ગયા છે. કર્ણાટક અને તમિલનાડુની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને દિનેશ કાર્તિકે પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કરતા ટીમને ફાઇનલની ટિકિટ અપાવી છે.
સેમિફાઇનલ મેચોનો સંક્ષિપ્ત અહેવાલ
પ્રથમ સેમિફાઇનલમાં કર્ણાટકની ટીમે છત્તીસગઢને 9 વિકેટના મોટા અંતરથી પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા છત્તીસગઢની ટીમ 223 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના માટે સૌથી વધુ રન અમનદીપ ખરે (78)એ બનાવ્યા હતા. તેના છ બેટ્સમેનો તો બે આંકડાના સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યાં હતા. કર્ણાટક માટે વી કૌશિકે સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી. લક્ષ્યનો પીછો કરતા કેએલ રાહુલ અને દેવદત્ત પદિક્કલે 155 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. પદિક્કલ 92 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ મયંક અગ્રવાલે 33 બોલ પર 47 રન બનાવ્યા, કેએલ રાહુલ 88 રન બનાવી અણનમ રહ્યો હતો. બંન્નેએ 40મી ઓવરમાં ટીમને વિજય અપાવ્યો હતો. અગ્રવાલે પોતાની ઈનિંગમાં 4 છગ્ગા ફટકાર્યા હતા.
તો બીજી સેમિફાઇનલમાં તમિલનાડુએ ગુજરાતને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. ખરાબ આઉટફીલ્ડને કારણે મેચ 40 ઓવરની કરવામાં આવી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ પર 177 રન બનાવ્યા હતા. ગુજરાત માટે ધ્રુવ રાવલે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર પાર્થિવ પટેલ અને પ્રિયાંક પંચાલ ખરા સમયે નિષ્ફળ રહ્યાં હતા. તમિલનાડુ માટે એમ મોહમ્મદે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી તમિલનાડુની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. મુરલી વિજય માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. અભિનવ મુકુંદ 32 અને દિનેશ કાર્તિકે 47 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ વોશિંગટન સુંદરે અણનમ 27 અને શાહરૂખ ખાને અણનમ 56 રન ફટકારીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે