શિક્ષણમંત્રીએ શિક્ષકોને ચોખ્ખા શબ્દોમાં કહ્યું, ‘તમે ઈચ્છો ત્યારે ઉકેલ ન આવે, ધીરજ રાખો...’
રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની હડતાળ મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે નિવેદન આપતા કહ્યું કે આ એક બે દિવસમાં ઉકેલાય તેવો આ મુદ્દો નથી. શિક્ષકોની માગ એવી છે કે તેને માનવામાં આવે તો સરકાર પર મોટું ભારણ આવી શકે છે..તમે ઈચ્છો ત્યારે ઉકેલ ન આવે, આના માટે ધીરજ રાખવી જોઈએ.
ભૂપેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું કે, સરકાર સંઘર્ષથી નહીં પણ સંવાદથી પ્રશ્ન ઉકેલવા માગે છે...ગૃહની કાર્યવાહી ચાલતી હોવાના કારણે એક બે દિવસ સુધી હડતાળ પર ઉતરનારા શિક્ષકોને વાતચીત માટે બોલાવવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, 1997થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા મામલે આજે રાજ્યના સવા બે લાખ શિક્ષકો એક દિવસની માસ સીએલ પર જવાના છે. આ મામલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ જાડેજા દિગ્વિજય સિંહે જણાવ્યું કે, અમારી મુખ્ય માંગણી 1997થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા બાબતની છે. આ શિક્ષકો પણ આવશ્યક સેવામાં ગણાય છે. સરકારે અગાઉ આ શિક્ષકોની નોકરી સળંગ ગણવા કહ્યું હતું, પરંતુ આ અંગેનો કોઈ ઉકેલ હજી આવ્યો નથી. આજે વિવિધ શહેરોના 25 હજારથી વધુ શિક્ષકો ચાણક્ય ભવનથી વિધાનસભાનો ઘેરાવ કરશે.