આખરે દુનિયાએ રાહતના શ્વાસ લીધા, વધતા દબાણ વચ્ચે ઈઝરાયેલે હુમલા બંધ કર્યા, પેલેસ્ટાઈન સાથે Ceasefire પર સહમતિ
Trending Photos
ગાઝા: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે આખરે સંઘર્ષ વિરામ પર સહમતિ બની ગઈ છે. લગભગ 11 દિવસ સુધી બંને દેશો વચ્ચે ચાલી રહેલા ખૂની ખેલ બાદ સીઝફાયરની જાહેરાત સમગ્ર દુનિયા માટે રાહતની વાત છે. કારણ કે આ લડત વિશ્વ યુદ્ધમાં ફેરવાય તેવી પ્રબળ આશંકા સેવાઈ રહી હતી. ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના સુરક્ષા મંત્રીમંડળે ગાઝા પટ્ટીમાં 11 દિવસના સૈન્ય અભિયાનને રોકવા માટે સીઝ ફાયરને મંજૂરી આપી દીધી છે.
આ દેશોની એન્ટ્રી થાય તેવી આશંકા હતી
હમાસના એક અધિકારીએ પણ સીઝ ફાયરની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ સંઘર્ષ વિરામ શુક્રવારે સવારે 2 વાગ્યાથી પ્રભાવી થઈ ગયો છે. બંને દેશોની આ જંગમાં તુર્કી, રશિયા અને અમેરિકાની પ્રત્યક્ષ એન્ટ્રી થાય તેની શક્યતા વધી ગઈ હતી. જેના કારણે મનાતું હતું કે આ જંગ વર્લ્ડ વોરનું સ્વરૂપ પણ લઈ શકે છે. હાલમાં જ લેબનોન તરફથી પણ ઈઝરાયેલ પર રોકેટ હુમલો થયો હતો.
જો બાઈડેને ઈઝરાયેલ સાથે કરી હતી વાત
ઈઝરાયેલ પર હુમલા રોકવા માટે સતત દબાણ વધી રહ્યું હતું. એટલે સુધી કે તેના સૌથી ગાઢ મિત્ર અમેરિકાએ પણ હમાસ પર હુમલા રોકવાની અપીલ કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને સંઘર્ષ વિરામની જાહેરાતના એક દિવસ પહેલા બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી અને તેમને યુદ્ધ બંધ કરવા કહ્યું હતું. જો કે શરૂઆતમાં ઈઝરાયેલે અમેરિકાની અપીલ ફગાવતા લડતને નિર્ણાયક વળાંક પર લઈ જવાની વાત કરી હતી પરંતુ હવે તે તૈયાર થઈ ગયું છે.
58000 લોકોએ છોડવું પડ્યું ઘર
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 64 બાળકો અને 38 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 227 પેલેસ્ટાઈની લોકો માર્યા ગયા છે. જ્યારે 1620 લોકો ઘાયલ થયા છે. આ બાજુ ઈસ્લામીક જેહાદ સંગઠને પોતાના 20 લોકો માર્યા ગયા હોવાનું જણાવ્યું છે. આ યુદ્ધના કારણે 58,000 પેલેસ્ટાઈની લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા. સ્થાનિક મીડિયાના જણાવ્યાં મુજબ ઈઝરાયેલના રક્ષા અધિકારીઓએ જણાવ્યું કે ઈઝરાયેલે પેલેસ્ટાઈની આતંકી સમૂહ વિરુદ્ધ તટીય વિસ્તારમાં તમામ સંભવિત ઉપલબ્ધિઓને હાંસલ કરી છે.
(અહેવાલ-સાભાર રોયટર્સ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે