થાઈલેન્ડ: ખતરનાક ગુફામાંથી બાળકોને બહાર કાઢવા 18 ગોતાખોરો ગુફામાં પ્રવેશ્યા
Trending Photos
બેંગકોક: થાઈલેન્ડની થામ લુઆંગ ગુફામાં છેલ્લા 15 દિવસથી 12 બાળકો અને તેમના કોચ ફસાયેલા છે. આ ગુફા ખુબ ખતરનાક ગણાય છે. બાળકોને બહાર કાઢવા માટે આજે ફાઈનલ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. આ માટે 13 આંતરરાષ્ટ્રીય ગોતાખોરો (ડાઈવર્સ, મરજીવા) અને 5 થાઈ નેવી સીલના ગોતાખોરો ગુફામાં પ્રવેશ્યા છે અને અત્યંત કપરું કહી શકાય તેવું બચાવ કાર્ય કરવા માટે રવાના થયા છે. બાળકોને એક બાદ એક બહાર લાવવામાં આવશે. મળતી માહિતી મુજબ પહેલો બાળક રાતે 9 વાગ્યાની આસપાસ બહાર આવે તેવી શક્યતા છે.
બચાવ દળના અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગે ગોતાખોરોના એક દળને બાળકોને બહાર લાવવા માટે મોકલવામાં આવ્યાં છે. આ અગાઉ રવિવારે સવારે થાઈલેન્ડના અધિકારીઓએ આદેશ આપ્યા હતાં કે જે લોકો બચાવ કાર્યમાં સામેલ નથી તે સિવાયના તમામ લોકો ગુફાના પ્રવેશ દ્વાર આગળથી હટી જાય. ત્યારબાદ ગુફાના પ્રવેશ દ્વારના આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો. રવિવારે કથિત રીતે આ મહા રેસ્ક્યુ ઓપરેશનની શરૂઆત થઈ ગઈ છે.
ચિયાંગ રાય પ્રાંતના ગવર્નરે જણાવ્યું છે કે દરેક બાળક સાથે બે ગોતાખોર હશે અને તેઓ તેમને અંધારા અને પાણીભર્યા સાંકડા રસ્તાને પાર કરવામાં મદદરૂપ થશે. આજે સવારે 10 વાગ્યે આ ગોતાખોરો ગુફામાં રવાના થઈ ગયા છે. સેનાનું અનુમાન છે કે આ બચાવકાર્યમાં આશરે 3થી 4 દિવસ લાગી શકે છે.
#UPDATE Rescue chief says the first boy is expected to be brought out of the cave by around 9:00 pm (1400 GMT) https://t.co/6uVFkmeAN4 pic.twitter.com/gJISI8V2bl
— AFP news agency (@AFP) July 8, 2018
બચાવ દળે બાળકોના પરિજનોને આ અંગે જાણ કરી દીધી છે. બચાવકાર્યમાં સામેલ થાઈલેન્ડની નેવીએ કહ્યું છે કે ગુફામાં પાણીનું સ્તર પહેલા કરતા ઘણું ઓછું થયું છે. અનેક હજાર લીટર પાણી ગુફામાંથી બહાર ખેંચી લેવાયું છે. ગુફામાં બાળકો સુધી પહોંચવા માટે એક વૈકલ્પિક રસ્તા તરીકે ખોદકામ પણ થઈ રહ્યું છે.
કાર્બન મોનોક્સાઈડ વધવાનું જોખમ: એક દિવસ પહેલા જ ગવર્નર નરોંગસાકે કહ્યું હતું કે ગુફામાં ઓક્સિજનની અછતના કારણે તેમની પાસે બાળકોને બહાર કાઢવા માટે 3થી 4 દિવસનો જ સમય છે. નહીં તો કાર્બન મોનોક્સાઈડની માત્રા વધી જતા બાળકો માટે જોખમ ઊભુ થઈ શકે છે. રવિવારે પણ તેમણે ભારપૂર્વક કહ્યું કે મોટાભાગના રસ્તા હવે પગપાળા પાર કરી શકાય છે આથી આજનો દિવસ ઓપરેશન શરૂ કરવા માટે યોગ્ય છે.
#BREAKING Rescue efforts for boys in Thai cave have begun: mission chief pic.twitter.com/SCpDOOwUPS
— AFP news agency (@AFP) July 8, 2018
હાલ ગુફાની સ્થિતિ કેવી છે?
ગુફાના મુખથી લગભગ 4 કિલોમીટર અંદર એક પહાડની ટોચથી લગભગ એક કિલોમીટર નીચે બાળકોનો આ સમૂહ ફસાયેલો છે. અહીં તેમના માટે ભોજન, પાણી, દવાઓ અને ઓક્સીજન પહોંચાડવામાં આવી રહ્યો છે. પરંતુ જે ચેમ્બરમાં આ બાળકો બેઠા છે, તેની પાસે પાણીનો પ્રવાહ ખુબ વધારે છે. આ કામ કેટલું ખતરનાક છે, તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે એક ગોતાખોર સમન ગુનનનું ઓક્સિજનના અભાવે મોત થયું.
કેવી રીતે ફસાયા બાળકો?
આ 12 બાળકો અને તેમના કોચ 23મી જૂનના રોજ સાંજે ફૂટબોલ મેચનો અભ્યાસ કરવા માટે ગયા અને ત્યારબાદ ગુફા જોવા માટે ગયા હતાં. પરંતુ પૂરના કારણે ગુફાની અંદર જ તેઓ ફસાઈ ગયાં. 10 દિવસ બાદ બચાવકાર્યના એક દળે આ બાળકોને શોધી કાઢ્યાં. બચાવ દળના જણાવ્યાં મુજબ ગુફામાં ફસાયેલા બાળકો અને કોચે ગુફાની અંદર કોઈ એવી જગ્યા શોધી કાઢી હતી જેના કારણે તેઓ પૂરના પાણીની ચપેટમાં આવતા બચી ગયાં. આ ગુફા 10 કિલોમીટર લાંબી છે. વરસાદની ઋતુમાં આ ગુફા જુલાઈથી નવેમ્બર દરમિયાન બંધ કરી દેવાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે