PM Kisan: ખેડૂતોને કાલે નહીં મળે 19મો હપ્તો, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે PM-કિસાનના પૈસા
Pradhan Mantri Kisan Samman Nidhi: ખેડૂતો કાગડોળે પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. પહેલા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો હતો કે હપ્તાના પૈસા 23મી તારીખે આવશે પરંતુ હવે કૃષિ મંત્રીએ આ પૈસા ક્યારે આવશે તે અંગે નિવેદન આપ્યું છે. જાણો વિગતો.
Trending Photos
Pm Kisan 19th Instalment: જો તમે પણ પીએમ કિસાન નિધિના લાભાર્થી હોવ તો આ સમાચાર તમારા માટે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે એટલે કે 24મી ફેબ્રુઆરીના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો હતો કે યોજના હેઠળ પીએમ મોદી 19મો હપ્તો 23મી ફેબ્રુઆરીએ રિલીઝ કરી શકે છે. પરંતુ હવે અધિકૃત રીતે સ્પષ્ટ કરાયું છે કે પીએમ કિસાન નિધિનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીના રોજ ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરાશે.
22000 કરોડ રૂપિયા ડીબીટીથી કરાશે ટ્રાન્સફર
આ યોજના હેઠળ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં લગભગ 22000 કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરાશે. સરકાર તરફથી ખેડૂતોની આવક વધારવા મટે અને તેમને આર્થિક રીતે સશક્ત કરવા માટે આ યોજના હેઠળ લાભાર્થીને ચાર મહિને 2000 રૂપિયા આપવામાં આવે છે. આ પ્રકારે વર્ષમાં 3 વખત ખેડૂતોને 2000 રૂપિયા અને કુલ 6000 રૂપિયાની મદદ કરાય છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે "પ્રધાનમંત્રી 24મી ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરમાં એક સમારોહ દરમિયાન પીએમ કિસાનનો 19મો હપ્તો રિલીઝ કરશે."
9.6 કરોડ ખેડૂતોને મળ્યો હતો 18મો હપ્તો
તેમણે કહ્યું કે 9.8 કરોડ ખેડૂતોને કુલ 22,000 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. ચૌહાણે કહ્યું કે 18માં હપ્તા વખતે લાભાર્થીઓની સંખ્યા 9.6 કરોડ હતી જે આ વખતે વધી છે. મંત્રીએ કહ્યું કે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ અત્યાર સુધીમાં કુલ 3.46 લાખ કરોડ રૂપિયા આપ્યા છે અને આગામી સપ્તાહે 19મો હપ્તો રિલીઝ કર્યા બાદ આ રકમ વધીને 3.68 લાખ કરોડ રૂપિયા થઈ જશે.
દુનિયાની સૌથી મોટી ડીબીટી સ્કીમ
ફેબ્રુઆરી 2019માં ખેડૂતો માટે શરૂ કરાયેલી પીએમ કિસાન યોજના દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) યોજના છે. તેના દ્વારા ખેડૂતોને બીજ અને ખાતર ખરીદવા માટેના ખર્ચામાં મદદરૂપ થવા આર્થિક સહાય કરાય છે. પંજાબમાં પ્રદર્શનકારી ખેડૂતો સાથે વાતચીત અંગે જ્યારે ચૌહાણને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરી રહી છે અને આગળ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે સરકાર પ્રોડક્શન વધારવા માટે, ખેતીનો ખર્ચો ઘટાડવા, ખેડૂતોની આવક વધારવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
કયા ખેડૂતોને નહીં મળે પૈસા
દર વખતે પીએમ-કિસાનના હપ્તા વખતે કેટલાક ખેડૂતો એવા હોય છે કે જેમના એકાઉન્ટમાં આ પૈસા પહોંચી શકતા નથી. અનેકવાર ખોટો આધાર નંબર, બેંક એકાઉન્ટની ખોટી જાણકારી કે ઈ-કેવાયસી નહીં કરાવવાના કારણે કિસાન યોજનાથી કેટલાક ખેડૂતો વંચિત રહી જાય છે. જો તમારી સાથે પણ આવું બન્યું હોય કે તમારા એકાઉન્ટમાં પીએમ કિસાન યોજનાના પૈસા ન પહોંચ્યા હોય તો પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરીને એ ચેક કરો કે તમારા દ્વારા અપાયેલી જાણકારી યોગ્ય છે કે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે