Indian railways: રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં કર્યો અધધધ...વધારો, હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે
Trending Photos
નવી દિલ્હી: Indian Railways Platform Ticket Price : પેટ્રોલ અને ડીઝલ, LPG, CNG-PNG ના વધતા ભાવના કારણે જનતાના ઘરના બજેટ આમ પણ ખોરવાયેલા છે ત્યાં હવે ભારતીય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટ (platform ticket) પણ મોંઘી કરી નાખી. રાજધાની દિલ્હી (Delhi) ના અલગ અલગ રેલવે સ્ટેશનો પર આજથી પ્લેટફોર્મ ટિકિટ મોંઘી થઈ છે. અત્રે જણાવવાનું કે કોરોના મહામારીના કારણે એક વર્ષ પહેલા પ્લેટફોર્મ ટિકિટની સેવા બંધ પડી હતી જે આજથી શરૂ થઈ.
દિલ્હીમાં પ્લેટફોર્મ ટિકિટ ત્રણ ગણી મોંઘી
રેલવે (Indian railways) તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ પ્લેટફોર્મ ટિકિટ (platform ticket) ના ભાવ 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રેલવેએ લોકલ ભાડામાં પણ વધારો કર્યો છે. તેને પણ 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરી નાખવામાં આવ્યું છે. એટલે કે જો તમે દિલ્હીથી ગાઝિયાબાદની મુસાફરી કરો તો તમારે 10 રૂપિયાની જગ્યાએ 30 રૂપિયા આપવા પડશે. પ્લેટફોર્મ ટિકિટ મોંઘી કરવા પાછળનો રેલવેનો તર્ક એ છે કે કોરોના મહામારી વચ્ચે સ્ટેશનો પર વધુ ભીડ ભેગી ન થાય એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પ્લેટફોર્મ ટિકિટના નવા રેટ આજથી એટલે કે 5 માર્ચથી લાગુ કરવામાં આવ્યા છે.
મુંબઈમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવ 5 ગણા મોંઘા
દિલ્હી ઉપરાંત મુંબઈમાં પણ પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધી ગયા છે. સેન્ટ્રલ રેલવેએ મુંબઈ મેટ્રોપોલીટન રિઝન (MMR) ના પ્રમુખ સ્ટેશનોની પ્લેટફોર્મ ટિકિટના ભાવ 5 ગણા સુધી વધારી નાખ્યા છે. મુંબઈના પ્લેટફોર્મ ટિકિટના નવા રેટ 1 માર્ચથી લાગુ થઈ ચૂક્યા છે અને 15 જૂન સુધી રહેશે. રેલવેના એક અધિકારીએ આ જાણકારી આપી. રેલવેને લાગે છે કે આવનારા ઉનાળામાં રેલવે મુસાફરોની ભારે ભીડ સ્ટેશનો પર જોવા મળશે. જેનાથી કોરોના મહામારી ફેલાવવાનો ડર છે.
આ સ્ટેશનો પર મોંઘી થઈ પ્લેટફોર્મ ટિકિટ
સેન્ટ્રલ રેલવેએ મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનસ (CSMT), દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનસ તથા થાણે, કલ્યાણ, પનવેલ અને ભિવંડી રોડ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટોની કિંમત 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરી નાખી છે. આ એવા સ્ટેશનો છે જ્યાં મુસાફરોની સંખ્યા સામાન્ય કરતા વધુ હોય છે. આ અગાઉ માર્ચ 2020માં પણ કોરોના વાયરસથી બચવા માટે ભારતીય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારવાનો નિર્ણય લીધો હતો. સેન્ટ્રલ રેલવેએ મુંબઈ, પુણે, ભૂસાવળ, અને સોલાપુર ડિવિઝન્સમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવ 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કર્યા હતા.
'તેમાં કશું નવું નથી'
પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારાવા પાછળ રેલવેએ સ્પષ્ટતા કરી છે. રેલવેનું કહેવું છે કે સ્ટેશનો પર ભીડને નિયંત્રિત કરવી એ અમારી જવાબદારી છે. આ એક હંગામી પગલું છે. જે મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને લેવાયું છે. લોકોની વધુ ભીડ રેલવે સ્ટેશનો પર ન થાય એટલે સમયાંતરે પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારવામાં આવતા હોય છે. આવું ફક્ત થોડા સમય માટે જ કરાતું હોય છે તેમાં કશું નવું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે