રેલ મંત્રીનું અલ્ટિમેટમ ! રેલવે અધિકારીનું અટકી જશે પ્રમોશન જો...
મોડી પડતી રેલગાડી હવે રેલવેના અધિકારીઓને ભારે પડી શકે છે.
Trending Photos
નવી દિલ્હી : મોડી પડતી રેલગાડી હવે રેલવેના અધિકારીઓને ભારે પડી શકે છે. હવે જો રેલવેની ગાડી સમયસર નહીં ચાલે તો એના કારણે સંબંધિત અધિકારીનું પ્રમોશન અટકી શકે છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે રેલવેના તમામ ઝોનલ પ્રમુખોને ચેતવણી આપી છે કે જો તેમના ઝોનમાં ટ્રેનો બહુ મોડી પડશે તો એની અસર તેમના પ્રમોશન પર પડી શકે છે. આ તમામ વ્યવસ્થા સમયસર ગોઠવાય એ માટે એક મહિનાનો સમય પણ આપવામાં આવ્યો છે.
ગયા અઠવાડિયે એક વિભાગીય બેઠકમાં પિયુષ ગોયલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હવે વિલંબ માટે કોઈ ખોટા બહાના નહીં ચાલે. રેલવેના ટોચના અધિકારીએ જણાવ્યું છે કે ચોખ્ખો નિર્દેશ કરવામાં આવ્યો છે કે 30 જૂન સુધી કામગીરીમાં કોઈ સુધારો નહીં થાય તો એની સીધી અસર પ્રમોશન પર થઈ શકે છે.
આંકડાઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે 2017-18માં ભારતીય રેલવે નેટવર્કની 30 ટકા ટ્રેનો નિયત સમય કરતા મોડી હતી. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે રેલવે મંત્રીએ વિલંબમાં દોડતી ગાડીઓની આલોચના કરી છે પણ તેમને અહેસાસ છે કે મોટા પાયે પાટા બદલવાની હાથ ધરાયેલી કામગીરીને કારણે પણ આ પરિસ્થિતિ ઉભી થઈ છે.
પિયુષ ગોયલની સૌથી વધારે નારાજગીનો ભોગ નોર્થન રેલવેના જનરલ મેનેજર બન્યા હતા કારણ કે 29 મે સુધી તેમના રિજનમાં મોડી દોડતી ટ્રેનોની સંખ્યા સૌથી વધારે હતી. મળતી માહિતી પ્રમાણે મંત્રીએ દરેક ઝોનલ પ્રમુખને અંગત રીતે બોલાવ્યા હતા અને સ્પષ્ટીકરણ માગ્યું હુતું. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પ્રગતિ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિલંબમાં દોડતી ટ્રેનો વિશે પિયુષ ગોયલ પાસે સ્પષ્ટીકરણ માગ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે