સૈફ અલી ખાન કેસમાં પોલીસે પકડેલા 3 વ્યક્તિ કોણ? અત્યંત ચોંકાવનારી વાતો સામે આવી
જ્યારે આખી દુનિયા સૂતી હોય ત્યારે એવા સમયે બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના જ ઘરમાં જીવલેણ હુમલો થયો અને અભિનેતા ગંભીર રીતે ઘાયલ થયા. આ કેસમાં પોલીસે 3 લોકોને પકડ્યા છે. સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. જાણો શું લેટેસ્ટ અપડેટ.
Trending Photos
પટૌડી ખાનદાનના વારસદાર અને બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાએ દેશને ચોંકાવી દીધો છે. ગુરુવારે વહેલી સવારે સૈફ અલી ખાનના મુંબઈના બાન્દ્રા સ્થિત ઘરમાં ઘૂસીને સૈફ પર હુમલો થયો. એવું કહેવામાં આવે છે કે આરોપી તેમના ઘરમાં ચોરી કરવાના ઈરાદે આવ્યો હતો અને તેણે સૈફ પર ચાકૂથી હુમલો કર્યો. પોલીસે આ મામલે એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ફંફોળવામાં આવી રહ્યા છે. આરોપીઓને પકડવા માટે પોલીસે સાત ટીમ બનાવી છે. આ બધા વચ્ચે પોલીસે 3 લોકોને પકડ્યા છે. જાણો કોણ છે.
ત્રણ લોકોની અટકાયત
એવું કહેવાયું છે કે મુંબઈ પોલીસે સૈફના ઘરમાં કામ કરતા ત્રણ લોકોની અટકાયત કરી છે. ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ જવાયા છે જ્યાં તેમની પૂછપરછ થઈ રહી છે. આ 3 લોકો સૈફના ઘરમાં કામ કરે છે. આ ઉપરાંત પોલીસ વિસ્તારમાં સૈફના ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે.
CCTV ફૂટેજની તપાસ
આ બધા વચ્ચે એ પણ જાણકારી સામે આવી છે કે સૈફ અલી ખાનના ઘરની આજુબાજુના સીસીટીવી કેમેરાઓમાં હુમલાના બે કલાક પહેલા પરિસરમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશતો હોય તે કેમેરામાં કેદ થયું નથી. તેનો અર્થ એ હોઈ શકે કે જેણે પણ સૈફ પર હુમલો કર્યો તે કા તો કેમેરાથી છૂપાઈને બિલ્ડિંગમાં ઘૂસ્યો છે અથવા તો પહેલેથી જ ઘરમાં ઘૂસી ચૂક્યો હોવો જોઈએ અને હુમલો કરવાની રાહ જોતો હતો. હાલ પોલીસ હુમલાખોરની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.
બીજી બાજુ સૈફ અલી ખાનની હાલ મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે અભિનેતાને 6વાર ચાકૂ મારવામાં આવ્યું છે. જેમાંથી બે ઘા ઊંડા છે. લીલાવતી હોસ્પિટલના સીઈઓ ડો. નીરજ ઉત્તમાનીએ કહ્યું કે સૈફને છવાર ચાકૂ મરાયું છે જેમાંથી બે ઘા ઊંડા છે, તે કરોડની પાસે છે. ન્યૂરોસર્જન ડો. નિતિન ડાંગે, કોસ્મેટિક સર્જન ડો. લીના જૈન અને એનેસ્થેટોલોજિસ્ટ ડો.નિશા ગાંધીના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમ તેમનું ઓપરેશન ચાલુ છે. સૈફની ન્યૂરો સર્જરી કરાઈ છે. તેમના શરીરમાંથી બેથી ત્રણ ઈંચ લાંબુ શાર્પ ઓબ્જેક્ટ નીકળ્યું હોવાનું કહેવાય છે. જે ચાકૂનો હિસ્સો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે સૈફ અલી ખાનની કોસ્મેટિક સર્જરી થઈ રહી છે. આ હુમલામાં સૈફની હાઉસ હેલ્પ પણ ઘાયલ થઈ છે. હાઉસ હેલ્પરને મામૂલી ઈજા થઈ છે. સૂત્રોનું કહેવું છે કે ઘરમાં એક Duct હતું જે બેડરૂમની અંદર ખુલતું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એવી સંભાવના છે કે આ ડક્ટથી ચોર ઘૂસ્યો હોઈ શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે