200 કરોડનું ઉઠામણું! દેશની જાણીતી આ કંપનીમાં સુરતીઓના રૂપિયા ડૂબ્યા, લોભામણી સ્કીમે રોવડાવ્યા

સુરતનાં અલથાણમાં શાલીગ્રામ હાઈટ્સ પાસે નેસ્ટવુડમાં રહેતા નયન હસમુખભાઈ દેસાઈ સીટી પ્લસ મલ્ટીપ્લેક્ષ સિનેમા ખાતે કેફે ચલાવે છે. ગત સપ્ટેમ્બર ૨૦૨૦માં ધંધા માટે લોનની જરૂરિયાત ઉભી થતા મિત્ર રોહન પ્રજાપતિને વાત કરી હતી.

Trending Photos

200 કરોડનું ઉઠામણું! દેશની જાણીતી આ કંપનીમાં સુરતીઓના રૂપિયા ડૂબ્યા, લોભામણી સ્કીમે રોવડાવ્યા

પ્રશાંત ઢીવરે/સુરત: મહારાષ્ટ્ર-પૂણેમાં 200 કરોડમાં ઉઠમણું કરનારી વિપ્સગ્રુપ કંપનીમાં સુરતના લોકોની પણ મોટી રકમ ફસાઈ ગઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. 9 સુરતીઓના 2.86 કરોડ સલવાય જતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો હતો. દર મહિને 3 ટકા રિટર્નની સ્કીમ સાથે વિદેશ ટૂરના નામે નાણાં પડાવી કંપનીના ડિરેક્ટરોએ કમિશન એજન્ટો સાથે મળી કરોડોનું કૌભાંડ આચર્યુ હતુ. આ મામલે ઈકો સેલ પોલીસે એક આરોપની ધરપકડ કરી છે. 

સુરતનાં અલથાણમાં શાલીગ્રામ હાઈટ્સ પાસે નેસ્ટવુડમાં રહેતા નયન હસમુખભાઈ દેસાઈ સીટી પ્લસ મલ્ટીપ્લેક્ષ સિનેમા ખાતે કેફે ચલાવે છે. ગત સપ્ટેમ્બર ૨૦૨૦માં ધંધા માટે લોનની જરૂરિયાત ઉભી થતા મિત્ર રોહન પ્રજાપતિને વાત કરી હતી. રોહન થકી અરવિંદ પાટીલ સાથે તેની ઘોડદોડ-રામચોક ખાતે વેસ્ટ ફિલ્ડ શોપિંગ મોલમાં મુલાકાત થઈ હતી. તે સમયે અરવિંદ પાટીલે પોતે વિવિધ કંપનીઓમાં કમિશન એજન્ટ હોવાની વાત કરી મિત્રતા કેળવી હતી. 

દરમિયાન ડિસેમ્બર ૨૦૨૧માં અરવિંદે નયન દેસાઈને જણાવ્યું કે, તેઓ વિપ્સગૃપ ઓફ કંપનીની એજન્સી પણ ધરાવે છે. જેમાં મેમ્બર બનવાની સ્કીમ પણ આપી હતી. આ કંપનીમાં રોકાણ કરશો તો મોટો ફાયદો થશે, કંપની વિદેશ ટૂર પર લઈ જશે એવી પણ લાલચ અપાઇ હતી. વિપ્સ ગ્રુપ કંપનીની હેડ ઓફિસ પુણે ખાતે આવેલી છે અને તેના ડિરેક્ટરો વિનોદ ખુટે, સંતોષ ખુટે, મંગેશ ખુટે, કિરણ અનારસે અને અજીંક્ય બડધે છે. વિશ્વાસ આવી જતા નયન દેસાઈએ ૪૦ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. 

નયન દેસાઈના કહેવાથી તેમના મિત્ર મયુર પટેલે ૩૦ લાખ રોક્યા હતા. ત્યારબાદ નયન દેસાઈના અન્ય મિત્રો સંજય પટેલ અને રાકેશ શર્માએ પણ ૧૫ લાખ-૧૫ લાખ રોક્યા હતા. કમિશન એજન્ટ અરવિંદ પાટીલે તમામને દુબઈ, થાઈલેન્ડ સિંગાપોર ટૂર કરાવી હતી.આ રીતે વધુ રોકાણ કરવાનું કહી તાસ્કંદ કે રશિયા ટૂરની લાલચ અપાઈ હતી. સમયાંતરે નયનભાઈ અને તેમના મિત્રો પાસે કુલ્લે રૂા.૨.૮૬ કરોડનું રોકાણ કરાવાયું હતુ. 

તપાસ કરતા રોકાણકારોને માલૂમ પડ્યું કે, પુણેની આ કંપનીમાં ઇડીની રેઇડ પડી છે. ઇડીવાળા ૨૦૦ કરોડ લઇ ગયા છે એવી માહિતી મળતા રોકાણકારો અરવિંદ પાટીલ પાસે પહોંચ્યા હતા. જોકે, અરવિંદ અને તેની પત્ની અર્ચનાએ હાથ ઊંચા કરી દીધા હતા. પુણે ખાતે આ કંપનીના ડિરેક્ટરો સામે ઇડી દ્વારા છેતરપિંડીનો ગુનો નોંધાવાયો હોવાનું પણ જાણવા મળ્યું હતુ. આ ડિરેક્ટરોએ કંપની ખોલી, બોગસ બેંક ખાતા બનાવ્યા હતા. સામાન્ય લોકોને ૨થી ૩ ટકા રિટર્નની લાલચ આપી રોકાણ કરાવી નાણાં બોગસ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કંપનીએ ૧૦૦ કરોડથી વધુનો ગફલો કર્યો છે અને તે રકમ હવાલા મારફતે વિદેશ મોકલી આપી હતી. 

નયન દેસાઇને કંપનીના ખર્ચે થાઇલેન્ડની ટૂર પણ કરાવાઇ હતી ત્યારે તેમની સાથે બીજા ૭૦૦ જણા પણ આ ટૂરમાં જોડાયા હતા. ડિરેક્ટરોએ પણ થાઇલેન્ડ આવી બીજા ૧૫ લાખ રોકશો તો કંપની તરફથી ફિક્સ માસિક ૩ ટકા રિટર્ન અને ફોરેન ટૂર ફ્રીમાં કરાવવામાં આવશે એવી સ્કીમ રજૂ કરી હતી. દરમિયાન માર્ચ-૨૦૨૩થી ૩ ટકા મુજબ રિટર્ન ચૂકવવાનું બંધ કરી દેવાયું હતુ. અરવિંદ પાટીલની ઓફિસે જઇ વાત કરી તો નાણાંની સગવડ નથી એવો જવાબ અપાયો હતો. 

ત્યારબાદ અરવિંદ પાટીલે તેઓને જણાવ્યું કે, પુણેની કંપનીના નામે કાના કેપિટલ અને કેપીટલ નેક્સેસ નામની કંપનીઓ દુબઇમાં ચાલે છે. રોકાણકારોના પૈસા હવાલા મારફતે દુબઇ પહોંચી ગયા છે અને નાણાં ફોરેક્ષ ટ્રેડિંગમાં રોક્યા છે. તમામનું ઇન્વેસ્ટમેન્ટ ડોલરમાં કરી દેવાયું છે એવી વાત કરાઇ હતી. ચીટિંગ મામલે નયન દેસાઇએ ફરિયાદ આપતા ઉમરા પોલીસે એજન્ટ અરવિંદ રામપ્રસાદ પાટીલ, કંપનીના ડિરેક્ટરો વિનોદ તુકારામ ખુટે, સંતોષ તુકારામ ખુટે, મંગેશ સીતારામ ખુટે, કિરણ પિતાંબર અનારસે અને અજીંક્ય બડધે સામે રૂપિયા.૨.૮૬ કરોડની ઠગાઇનો ગુનો નોંધ્યો હતો.ગુનાની તપાસ ઇકો સેલને સોંપવામાં આવી છે. 

ઇકો સેલે સુરતના એજન્ટ અરવિંદ પાટીલની ધરપકડ કરી આગામી ૧૯મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.પુણેમાં ઇડીએ ગુનો નોંધાવ્યા બાદ પાંચેય ડિરેક્ટરોની ધરપકડ કરાઇ હતી.જામીન પર છૂટ્યા બાદ આ ડિરેક્ટરો દુબઇ ભાગી છૂટ્યા હતા. દુભઇ બેઠાં-બેઠાં તેઓ આ રેકેટ ઓપરેટ કરી રહ્યા છે. દુબઇથી નેટવર્ક ચલાવી સુરત સહિત સેંકડો લોકોના કરોડો રૂપિયા ચાંઉ કર્યા છે. કૌભાંડનો આંકડો ૨૦૦ કરોડથી પણ વધુ હોવાનું કહેવાય રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news