ગુજરાતમાં મહિલાઓ પર ઘરેલું હિંસાના કેસમાં 35 ટકાનો વધારો, સામે આવ્યા ચોંકાવનારા આંકડા
Domestic violence in gujarat: ગુજરાતમાં કોરોના કાળ બાદ મહિલાઓ પર ઘરેલું હિંસાના કેસમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ પર થતી હિંસાના કેસમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો છે. મહિલા હેલ્પલાઇન અભયમને આવેલા કોલના ડેટાનું વિશ્લેષણ કર્યાં બાદ સમાજ માટે ચિંતાજનક બાબતો સામે આવી છે.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓ પર થતી ઘરેલુ હિંસાના કેસોમાં વધારો થયો છે. અભયમ હેલ્પલાઇન પર આવેલા કોલના આધારે વિશ્લેષણ કર્યાં બાદ આ ખુલાસો થયો છે. ગુજરાતમાં ઘરેલું હિંસાના વર્ષ 2018થી 2020 દરમિયાન સરેરાશ 65000 કોલ નોંધાયા છે. તો વર્ષ 2022માં તેમાં મોટો વધારો જોવા મળ્યો છે. તો અભ્યમ હેલ્પલાઇનને લગ્નેતર સંબંધના કોલ પણ મળી રહ્યાં છે. તે કોલની સંખ્યામાં પણ દર વર્ષે સતત વધારો થઈ રહ્યો છે. એટલે કે મહિલાઓ પર ઘરમાં થતી હિંસા સમાજ માટે ચિંતાનો વિષય છે.
વર્ષ 2018 કરતા 2022માં થયો વધારો
રાજ્યમાં મહિલાઓની મદદ માટે અભયમ હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ટીમ દ્વારા રાજ્યભરની મહિલાઓની મદદ કરવામાં આવે છે. અભયમ ટીમને મળતા કોલની સંખ્યા દર વર્ષે સતત વધી રહી છે. વર્ષ 2018માં 52813, 2019માં 61159, 2020માં 66282, 2021માં 79675, 2022માં 87732 કોલ મળ્યા છે. એટલે કે કોરોના કાળ બાદ મહિલાઓ સાથે ઘરેલું હિંસાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2018ની સરખામણીએ 2022માં મહિલાઓ સાથે હિંસાના કેસોમાં 35 ટકાનો વધારો થયો છે.
મહિલાઓને માનસિક ત્રાસ, લગ્નેતર સંબંધના કેસમાં વધારો
અભયમ મહિલાને મળેલા કોલના ડેટાનું વિશ્લેષણ કર્યાં બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. મહિલાઓની થતી સતામણી, ત્રાસ અને અપમાનજનક શબ્દોના કોલમાં 105 ટકાનો વધારો થયો છે. 181ને આ પ્રકારના કોલ વર્ષ 2018માં 6637, 2019માં 9015, 2020માં 9960, 2021માં 15008, 2022માં 20837 કોલ મળ્યા છે. અભયમ હેલ્પલાઇનને લગ્નેતર સંબધના પણ અનેક કોલ મળ્યા જેમાં પાંચ વર્ષમાં 79 ટકાનો વધારો થયો છે. 181ને આ પ્રકારના કોલ વર્ષ 2018માં 3837, 2019માં 4720, 2020માં 4916, 2021માં 7488, 2022માં 9382 કોલ મળ્યા હતા.
અમદાવાદમાં સૌથી વધુ ઘરેલું હિંસા
અમદાવાદ જિલ્લા અને શહેરમાં ઘરેલુ હિંસા તથા મહિલાઓ સંબંધી અભયમમાં 2018 થી 2020 દરમ્યાન સરેરાશ 60000 કોલ નોંધાયા છે. વર્ષ 2018માં 22188, 2019માં 25368, 2020માં 20414, 2021માં 26996, 2022માં 31580 કોલ મળ્યા છે. મહિલાઓને બચાવવામા માટે વર્ષ 2018માં 4790, 2019માં 4228, 2020માં 3777, 2021માં 5038 અને વર્ષ 2022માં 4903 વેન મોકલવામાં આવી હતી. અમદાવાદમાં મહિલાઓ પર થતી ઘરેલું હિંસાના કેસમાં 50 ટકાનો વધારો થયો છે.
ગાંધીનગરમાં 70, બનાસકાંઠામાં 53, ડાંગ 49, સુરત 48, સુરેન્દ્રનગર 44, મહેસાણા 42 નવસારી અને પોરબંદરમાં 38 ટકાનો વધારો છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ પર થતી ઘરેલું હિંસામાં જોવા મળ્યો છે. જીવીકે ઇએમઆરઆઇના સીઓઓ જસવંત પ્રજાપતિના કહેવા પ્રમાણે 181 અભિયાનની શરૂઆત 2014 માં શરૂઆત કરવામાં આવી હતી. 47 રેસ્ક્યુ અભયમ એમ્બ્યુલન્સ રાજ્યમાં કાર્યરત છે. રોજના 2 થી 2.5 હજાર ફોન આવે છે. 500 કોલ સિરિયસ જ્યારે 120 જેટલા એક્સનેશન કોલ હોય છે. તેમણે કહ્યું કે ડોમેસ્ટિક વાયોલન્સની સંખ્યા સૌથી વધારે છે. તેમણે કહ્યું કે પહેલા 25 ટકા ડોમેસ્ટિક વાયોલન્સના કેસો આવતા હતા હવે 43 ટકા આવે છે.
કોરોના કાળ અને લૉકડાઉનને કારણે ઘરેલુ હિંસા વધી
સોસાયટી ફોર વુમન્સ એક્શન એન્ડ ટ્રેઇનીંગ ઇનીશેટીવ (સ્વાતી)ના મેનેજીંગ ટ્રસ્ટી પુનમ કથુરીયાના કહેવા પ્રમાણે લોકડાઉન અને કોવિડકાળમાં ઘરેલુ હિંસા વધી છે. તેમણે કહ્યું કે પરિવારમાં આર્થિક સંકડામણ અને માનસિક તણાવ તેના મુખ્ય કારણ છે. તેમણે કહ્યું કે, લૉકડાઉનમાં પતિ-પત્ની સતત સાથે રહેતા તે પણ એક કારણ છે. તેમણે કહ્યું કે, કોવિડને કારણે બેરોજગારીથી પરેશાન હોવાને કારણે પણ ઘરેલું હિંસાના કેસમાં વધારો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે