ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરને કારણે 28 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો, બે દિવસમાં બીજી દુર્ઘટના
રાજ્યમાં રખડતા ઢોરનો પ્રશ્ન ખુબ ગંભીર બની ગયો છે. તંત્રની નિષ્ક્રિય કામગીરીને લીધે ઘણા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ઢોરના ત્રાસને કારણે બે લોકોના મોત થયા છે.
Trending Photos
નવનીત દલવાડી, ભાવનગરઃ રાજ્યના ઘણા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરને કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હવે ભાવનગરમાં આવી ઘટના સામે આવી છે. ભાવનગરમાં બે દિવસમાં બે વ્યક્તિએ રખડતાં ઢોરનાં હુમલામાં જીવ ગુમાવ્યા છે. પાલીતાણામાં દિવાળીની ખરીદી કરીને પરત ફરતો 28 વર્ષનો યુવાન જીવતો ઘરે ન પહોંચી શક્યો.
રખડતાં ઢોરોની સમસ્યા હવે રાજ્યવ્યાપી બની છે. શહેરો હોય કે ગામડાં રખડતાં ઢોરોનો આતંક દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. ભાવનગરનાં પાલીતાણા તાલુકાનાં માલપરા ગામે રખડતાં આખલાના હુમલામાં એક યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
કિશોર ગુજરાતી નામનો 28 વર્ષનો યુવાન ભાવનગરથી ખરીદી કરીને પોતાના ગામ દુધાળા પરત ફરી રહ્યો હતો, ત્યારે માલપરા પાસે એક રખડતાં આખલાએ યુવાનને અડફેટે લેતાં યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. યુવાન ખરીદી કરીને પોતાનાં ઘરે પણ ન પહોંચી શક્યો. દિવાળીનાં સમયે જ એક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ભાવનગર જિલ્લામાં રખડતાં ઢોરના હુમલામાં બે દિવસમાં થયેલું આ બીજું મોત છે. રવિવારે ભાવનગર શહેરનાં વડવા ખડિયા કૂવા પાસે રખડતાં ઢોરે અડફેટે લેતાં બાઈક પર જતા એક આધેડનું મૃત્યુ થયું હતું. તાજેતરમાં ભાવનગરમાં રખડતાં ઢોરના હુમલામાં પાંચ જેટલા લોકોનાં મૃત્યુ થયા છે.
આ તમામ બનાવો તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવે છે. રસ્તા પર રખડતાં ઢોર મોત બનીને ફરી રહ્યા છે. પણ આ સમસ્યાને તંત્ર ન તો ગંભીરતાથી લે છે કે ન તો તેનો ઉકેલ લાવે છે. તેનું પરિણામ એ આવે છે કે, ઘરેથી બહાર નીકળતી ઘણી વ્યક્તિઓ ક્યારેય પરત ફરતી નથી.
આ પ્રકારની ઘટનાઓને ટાળી શકાય છે. આ માટે કાયદા પણ છે અને કાર્યવાહી માટે વ્યવસ્થા પણ છે. તેમ છતા સત્તાધીશો લોકોને જીવલેણ સમસ્યાઓ સામે લડવા એકલા છોડી દે છે...કારણ વિના જીવ ગુમાવનાર વ્યક્તિનાં પરિજનોને સમજાતું નથી કે વાંક આખરે કોનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે