ગુજરાતના 17 લાખ ખેડૂતોને નુકસાનીના રૂપિયા ચૂકવવા અંગે સરકારે કરી મોટી જાહેરાત
Trending Photos
અમદાવાદ :કમોસમી વરસાદને કારણે ગરીબીમાં સપડાઈ રહેલા ખેડૂતો (Farmers) માટે આખરે ગુજરાત સરકારે (Gujarat government) સહાય ચૂકવવાની વાત કરી છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગના મંત્રી આરસી ફળદુ (RC Faldu) એ જાહેરાત કરી કે, આગામી એક સપ્તાહમાં ગુજરાતના 17 લાખ ખેડૂતોને નુકસાની સામેનું પેમેન્ટ કરી દેવામાં આવશે, તેમજ મગફળી વેચતા ખેડૂતોને પણ રૂપિયા ચૂકવવાની જાહેરાત કરાઈ છે. 25મી ડિસેમ્બરથી ખેડૂતોને રાહતપેકેજ અંતર્ગત સહાય ચૂકવવાનું રાજ્ય સરકાર શરૂ કરશે.
મંત્રી આર.સી ફળદુએ જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને જે નુકશાન થયુ, તે નુકશાનની સહાય ચૂકવવા માટે રાજ્ય સરકારમાં અલગ અલગ બેઠક થઈ. જે અંતર્ગત નિર્ણય લેવાયો કે, ખેડૂતોને નુકસાનના હિસાબથી સરવે મુજબ સરકારે રાહત પેકેજ જાહેર કર્યું. તેમાં 3795 કરોડની સહાય આપવાનો નિર્ણય થયો. 17 લાખ ખેડૂતોએ એપ્લિકેશન કરી છે. નિર્ણય લેવાયો કે, આગામી સપ્તાહમાં રાહત પેકેજ અંતર્ગત 17 લાખ ખેડૂતોને પેમેન્ટ કરી દેવા. 17 લાખ ખેડૂતોના એકાઉન્ટમાં નાણા જમા કરાવાશે. ખેતીવાડી અને રેવન્યુ વિભાગ બાકીની કામગીરી પૂરી કરીને અંદાજે 25 ડિસેમ્બરે અટલજીના જન્મદિને તમામ કામગીરી પૂરી થઈ ગઈ હશે, અને પેમેન્ટની પ્રોસેસ હાથ ધરાશે.
તો બીજી તરફ, 40 લાખ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું નથી તે મામલે રાજ્ય સરકારની સહાય લેવા અનેક ખેડૂતો માગતા ન હોવાનો દાવો રાજ્યના કૃષિ મંત્રીએ કર્યો છે. તેમજ ખેડૂતોની નોંધણી માટે જરૂર લાગશે તો સમય લંબાવવામાં આવશે અને ઓનલાઈન અરજી કરવા માટે ૩૧મી તારીખે મુદત પૂરી થાય છે તેમાં મુખ્યમંત્રીની મંજૂરી લઈને જરૂર પડશે તો મુદત લંબાવીશું તેવું કહ્યું છે.
હાલ રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, તે મામલે તેમણે કહ્યું કે, 1 લાખ 73 હજારની મગફળી ખરીદાઈ છે. ચારેબાજુથી ખેડૂતોને પેમેન્ટ મળે તેવી રજૂઆતો કરાતી હતી. બે દિવસમાં નાફેડને મગફળી વેચનાર ખેડૂતોને રૂપિયા મળી જશે. 23 કરોડ જેટલી રકમ બે દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ છે. બાકીનું પેમેન્ટ જલ્દી થાય તેવી સૂચના અપાઈ છે. તેમજ સૂઈ અને વાવના 14-15 તાલુકામાં તીડના આતંક સામે ખેતરોનું સરવે કરીને અહેવાલ અપાશે તેઓને પણ સરકાર સહાયરૂપ થશે.
તો પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ રાજકોટમાં મગફળી ખરીદીમાં ગેરરિતીના મામલે ખુલાસો કર્યો કે, એક લાખ 71 હજાર મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ છે. આમ, 150 કરોડની મગફળી ખરીદાઈ છે. જેમાં 33 કરોડનું પેમેન્ટ ચૂકવાયું છે. મગફળી ખરીદીમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગનો અધિકારી કે માર્કેટયાર્ડનો કોઈ પણ કર્મચારી સંડોવાયેલો નથી. અને જો રાજકોટના સ્ટીંગ ઓપરેશન દેશમાં કોઇ પણ અધિકારી સંડોવાયેલો હશે તો છોડવામાં નહિ આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે