ઉત્તરાયણ પહેલા અમદાવાદ SOG ની ટીમનું સર્ચ ઓપરેશન, ચાઈનીસ દોરીનો મોટો જથ્થો ઝડપ્યો

ઉત્તરાયણ પહેલા અમદાવાદ SOG ની ટીમનું સર્ચ ઓપરેશન, ચાઈનીસ દોરીનો મોટો જથ્થો ઝડપ્યો
  • ઉત્તરાયણ પહેલા ગ્રામ્ય એસઓજીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
  • ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો
  • ત્રણ આરોપીઓની ધરપકડ કરી 7 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ઉદય રંજન/અમદાવાદ :ઉત્તરાયણના તહેવારની પહેલા ગ્રામ્ય એસઓજીએ મોટી માત્રામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. એસઓજીની ટીમને બાતમી મળતા એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાએ રેડ મારતા કુલ 7 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ગ્રામ્ય એસઓજીની ટીમે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દીપક રાણા નામના આરોપીને ૩૦૨ નંગ ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.  દસ્ક્રોઇ તાલુકાના કાશીન્દ્રા ગામ નજીક આવેલ ગ્રીન સોસાયટી પાસે આરોપી ઉત્તમ ઠાકોર અને ધરમ ઠાકોર ચાઈનીઝ દોરીના 1090 રીલનો જથ્થો લઈને સપ્લાય કરતા હતા. તે જ સમયે ગ્રામ્ય એસઓજીની ટીમે આરોપીઓને ઝડપી પાડી તમામ મુદ્દામાલ જપ્ત કરી દીધો હતો.

તપાસ વિશે અમદાવાદ ગ્રામ્ય SOG ના પીએસઆઈ એમડી જયસ્વાલે જણાવ્યું કે, આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, ત્રણેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સિઝનેબલ વેપાર સાથે સંકળાયેલા છે. ઓછી મૂડીમાં વધુ નફો કમાવવાના હેતુથી આરોપીઓ આ ચાઇનીઝ દોરીનો જથ્થો લાવ્યા હતા. એટલું જ નહિ, પકડાયેલા ત્રણેય આરોપીઓ હોલસેલમાં પણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હતા. જોકે હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી 7 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.

હાલ તો પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી આ ચાઇનીઝ દોરીનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા, કોની પાસેથી લાવ્યા હતા અને અગાઉ કોઈને વેચેલો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. આરોપીઓની પૂછપરછમાં મોટા ડિલર્સના નામ સામે આવવાની સંભાવના સેવાઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news