અમરેલીમાં પોલીસે અટકાવ્યા સમૂહ લગ્ન, 17 યુગલો વિલાયેલા મોઢે પરત ફર્યા
Trending Photos
કેતન બગડા/અમરેલી :લીલા તોરણે જાન પાછી જાય તો એ ઘડી આઘાતજનક બની જતી હોય છે. અમરેલીના ચાંદગઢ ગામે એક નહિ, પણ એકસાથે 17 જાન લીલા તોરણે પાછી વળી ગઈ હતી. યુગલો સહિત બંનેના પરિવારજનો માટે આ વેળા દુખદાયક બની હતી. મંજૂરી વગર યોજાયેલા સમૂહ લગ્નને પોલીસે અટકાવ્યા હતા. ત્યારે જાનૈયાઓને લગ્નનો સામાન લઈને પરત ફરવુ પડ્યુ હતું. તો હાથમાં મહેંદી લગાવેલી કન્યા અને સાફા બાંઘેલ વર ઉદાસ મોઢે પરત ફર્યા હતા.
આ પણ વાંચો : વૈષ્ણોદેવીના દર્શને જવા માંગતા ગુજરાતી માઈ ભક્તો માટે સારા સમાચાર
17 યુગલોના લગ્ન અટક્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના ચાંદગઢ ગામે સમૂહ લગ્ન યોજાયા હતા. આ સમૂહ લગ્નમાં 17 યુગલોના લગ્ન થવાના હતા. એ માટે બધુ જ આયોજન થઈ ગયું હતું. પરંતુ આયોજકોએ પોલીસ મંજૂરી વગર જ લગ્નનું આયોજન કર્યું હતું. પૂર્વ મંજૂરી ન હોવાથી પોલીસે લગ્ન સ્થળે પહોંચીને સમૂહ લગ્ન અટકાવ્યા હતા. સમૂહ લગ્નના આયોજક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
વિલાયેલા મોઢે પરત ફર્યા પરિવારજનો
લગ્નની તમામ તૈયારીઓ થઈ જતા આયોજકો પણ મૂંઝાયા હતા. તો 17 યુગલોના પરિવારજનો પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. વ્હાલા દીકરા-દીકરીના લગ્ન માટે પરિવારજનો તૈયાર થઈને આવ્યા હતા. તો પરણવા આવેલા યુગલો પણ વિલાયેલા મોઢે પરત ફર્યા હતા. સજીધજીને આવેલી કન્યાઓ સમાચાર સાંભળીને જ નિરાશ થઈ ગઈ હતી. સામાન લઈને જાનૈયાઓ પરત ફર્યા હતા. તો સાથે જ સમૂહ લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે