બનાસકાંઠાના આ દાદા વીઘા જમીનમાં કરે છે ચંદનની સુંગધીદાર ખેતી, ખેડૂતોના માટે બન્યા પથદર્શક
Trending Photos
સાહસિકતાનો ગુણ ગુજરાતી પ્રજાના જનીનમાં રહેલો છે. કોઈ નવીન સાહસ, નવી પહેલ કરવામાં ગુજરાતીઓ હંમેશા અગ્રેસર રહેતા હોય છે. પોતાની મહેનત, ખંત અને ધીરજ થકી ગુજરાતીઓ કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી સમૃદ્ધિની કેડી કંડારતા હોય છે. ખેતીએ પરંપરાગત વ્યવસાય અને ગ્રામીણ અર્થતંત્રનો આધાર સ્તંભ છે. પરંતુ વર્તમાન સમયમાં બદલાતા પ્રવાહોમાં ખેતીમાં પણ આધુનિકતા અને ટેકનોલોજીના સમન્વયથી ગુજરાતના ખેડૂતો અપગ્રેડ બન્યા છે અને પરંપરાગત પાકોને ત્યજીને નવીન પાકોની પ્રયોગશીલ ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા અને પથદર્શક બની રહ્યા છે.
આજે વાત કરવી છે આવા જ એક ૮૫ વર્ષના પ્રયોગશીલ ખેડૂતની... બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના અજાપુર વાંકા ગામના મૂળજીકાકાએ આ ઉંમરે "ખુશ્બૂની ખેતી" કરી આખા પંથકમાં ચંદનની સુવાસ ફેલાવી છે. મુળજીભાઈ વીરસંગભાઈ દેસાઈ મૂળ પાલનપુર તાલુકાના જગાણાના વતની. શિક્ષક તરીકેની તેમની કારકિર્દી અને જગાણા ગામમાં બે વાર સરપંચ પણ રહી ચૂક્યા છે. વળી સામાજિક રીતે પણ તેમનું નામ આગળ પડતું એટલે મૂળજીકાકા આ પંથકના જાણીતા વ્યક્તિ તરીકેની ઓળખ ધરાવે છે એમ કહેવાય. નિવૃતિ પછી પ્રવૃત્તિ ઘટી જતી હોય છે અને બાકીનું જીવન ભક્તિભાવ કે અન્ય ધાર્મિક ક્રિયાઓમાં પસાર થતું હોય છે ત્યારે મૂળજીભાઈએ દક્ષિણના રાજ્યોની ઓળખ સમા ચંદનની ખેતી કરવાનું સાહસિક પગલું ભરી સમગ્ર પંથકમાં ચંદનની ખેતી કરતા ખેડૂત તરીકેની આગવી નામના મેળવી છે.
ચંદનનું વૃક્ષ એ દક્ષિણ ભારતીય રાજ્યોની નૈસર્ગિક સંપત્તિ છે. પરંતુ ગુજરાતમાં પણ કેટલાક સમૃદ્ધ અને સાહસિક ખેડૂતોએ આ ખેતી અપનાવી નવીન પહેલની આધારશીલા મૂકી છે. ગુજરાતમાં ચંદનનું વાવેતર ભારતના કુલ વાવેતરના ૦.૪૫ ટકા છે. જે કુલ વિસ્તાર ૧૭,૪૩૨ હેકટરમાંથી માત્ર ૮૦ હેકટર છે. મુળજીકાકાએ અજાપુર વાંકા ગામના પોતાના ખેતરમાં ૫૦ વીઘા જમીનમાં ચંદનના ૧૦ હજાર જેટલા વૃક્ષો વાવી લાંબાગાળાની આવકનું આયોજન કર્યુ છે. વર્ષ- ૨૦૧૨માં તેમણે કર્ણાટકથી ચંદનના ૫૦૦ રોપાઓ લાવી ચંદનની ખેતીનો પ્રારંભ કર્યો હતો અને આજે તેમની જમીનના ૫૦ વીધા વિશાળ ફાર્મમાં દસ હજાર વૃક્ષો સમગ્ર પંથકમાં પોતાની સુવાસ ફેલાવી રહ્યા છે.
સ્પોર્ટ્સ શૂઝમાં સજ્જ કોઈ યુવાનને પણ શરમાવે એવી સ્ફૂર્તિ અને ઉત્સાહવાળા મુળજીકાકાના ચંદનના ફાર્મની મુલાકાત લેવા જેવી છે. તેમની કુલ- ૭૫ વીઘા જમીનમાંથી ૫૦ વીઘા જમીનમાં તેમણે ચંદનના ૧૦ હજાર વૃક્ષો વાવીને પોતાના ખેતરને કર્ણાટકના જંગલ જેવું સુંદર અને રળીયામણું બનાવી દીધું છે. ચંદનના કિંમતી વૃક્ષોના રક્ષણ માટે સમગ્ર ફાર્મને સીસીટીવી કેમરાથી સજ્જ કરવામાં આવેલું છે.
મુળજીકાકાએ ચંદનની ખેતી વિશે માહિતી આપતા જણાવ્યું કે, ચંદનની એક ખાસિયત છે કે એ પરોપજીવી વૃક્ષ છે એટલે કે તમે જેટલાં ચંદનના વૃક્ષ ઉછેરો એટલા બીજા ઝાડ એની પાસે તેના ખોરાક માટે રોપવા પડે. મોટાભાગે ચંદનના રોપાની બાજુમાં મિલિયા ડુબીયા એટલે કે મલબારી લીંમડાના ઝાડ વાવવામાં આવે છે. બીજું કે ચંદનની ખેતી બહુ ધીરજ અને માવજત માંગી લે છે. ચંદનના વૃક્ષને પરિપક્વ થવામાં ૧૫ વર્ષ જેટલો સમય લાગે છે અને ચંદનના બે વૃક્ષો વચ્ચે ૩ × ૩ મીટર જેટલું અંતર રાખવામાં આવે છે. એક વીઘામાં ૨૭૦ જેટલાં વૃક્ષો વાવી શકાય છે. વાવેતરના ૧૫ વર્ષ પછી ખેડૂતને આવક મળવાની શરૂ થાય છે અને ૧૦૦ વર્ષ સુધી તેની આવક મેળવી શકાય છે.
વર્ષે એક વીઘામાંથી ખેડૂતને રૂ. ૫ લાખ જેટલી આવક થાય છે. ૧૫ વર્ષના અંતે રૂ. ૭૫ લાખ કે તેથી પણ વધુ ઉપજ મેળવી શકાય છે કેમ કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ચંદનના ભાવ દિનપ્રતિદિન વધતા જતા હોય છે. પરંતુ આ અધધ કમાણી મેળવવા સમય અને પૈસાનો એટલો જ ભોગ આપવો પડે છે. આટલા વર્ષ કાળજી અને સારવાર સાથે ચંદનનો ઉછેર કરવો અને ચોરીથી રક્ષણ કરવું એ બહુ કપરું કામ છે. નાના ખેડૂતોને આર્થિક દ્રષ્ટિએ આ ખેતી પોસાય એમ નથી. છતાં કેટલાંક સાહસિક ખેડૂતો આજે ચંદનની ખેતી તરફ વળ્યા છે. સરકારશ્રી દ્વારા ચંદનની ખેતીને પ્રોત્સાહન આપવા માટે રોપા દીઠ ૩૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
મુળજીકાકા સેન્ડલવુડ સોસાયટી ઓફ ઇન્ડિયા (રજી.) બેંગ્લોરનું સભ્યપદ ધરાવે છે. તેઓ પોતાની ચંદનની સફળ ખેતી માટે રાજ્ય સરકારની નીતિ અને રામકુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક જેવા અધિકારીઓના માર્ગદર્શન અને પ્રેરણાને આભારી ગણાવે છે. મુળજીકાકાએ કહ્યું કે, ચંદનની ખેતી એ પર્યાવરણ શુદ્ધિકરણ, દેશને હૂંડિયામણની આવક રળી આપનાર અને કિસાનો માટે સમૃદ્ધિનો દ્વાર ખોલનાર ત્રિવેણી સંગમ છે.
ચંદનના મુખ્ય બે પ્રકાર છે એક સુખડ અને બીજું રક્ત ચંદન. બંને પ્રકારના ચંદનની ખૂબ જ માંગ છે. ચંદનનું લાકડું અનેક રીતે ઉપયોગી છે. કોતરણી, ટર્નરી, ફર્નિચર, દવા, પાવડર, ધૂપ, અગરબત્તી, હેન્ડીક્રાફ્ટ, તેલ ,અત્તર, પરફ્યુમ, સાબુ ,વગેરેમાં ચંદન વપરાય છે. રક્ત ચંદનની માંગ પરદેશમાં ખાસ કરીને ચીન, જાપાન, સિંગાપોર, મલેશિયા, યુએઈમાં ખૂબ છે. ચંદનના વૃક્ષની જોડમાં ઉછેરવામાં આવતા મિલિયા ડુબીયામાંથી ઊંચી કક્ષાનું પ્લાયવુડ બનતું હોવાથી તેના પણ ઘનફૂટ દીઠ સારા ભાવ મળે છે. ચંદનની ખેતી સર્વથા, સદાય, સરળ અને નિર્દોષ છે, કોઈને માટે હાનિરૂપ નથી તે ફાયદાકારક જ છે અને દર પંદર વર્ષે પુનઃપ્રાપ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે