Vadodra Boat Tragedy: બોટમાં બેસતા પહેલાં જ નક્કી હતું મોત, સામે આવ્યાં બે મોટા કારણો! બેદરકારીનો ઈતિહાસ

Breaking News/Vadodra Boat Tragedy: ગુજરાતમાં બેદરકારીનો ઈતિહાસ; મોરબીકાંડ, સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ, બાદ વડોદરામાં બોટકાંડ. આવા અનેક કાંડ ગુજરાતમાં સતત થતા રહે છે. જેમાં કોઈકને કોઈની ગુનાઈત અને ઘોરબેદરકારી જવાબદાર હોય છે. બાદમાં જવાબદારો સામે પગલાં લેવામાં નથી આવતા. આવા અનેક કિસ્સાઓની આખી યાદી વિશે વાંચો વિગતવાર...

Vadodra Boat Tragedy: બોટમાં બેસતા પહેલાં જ નક્કી હતું મોત, સામે આવ્યાં બે મોટા કારણો! બેદરકારીનો ઈતિહાસ

Big Breaking News/Vadodra Boat Tragedy: ગુજરાતમાં બેદરકારીથી મોતનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. સ્થળ બદલાય છે...શહેર બદલાય છે...પરિણામ નથી બદલાતું...મળે છે મોત...અને સામે આવે છે એક જ કારણ ઘોરબેદરકારી...મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અને સંખ્યાબંધ જિંદગીઓને મોતને ભેટતા મન અને મગજને વ્યાકૂળ કરી દે તેવા વીડિયો સૌ કોઈએ જોયા હતાં. ગુજરાત સહિત દેશભરમાં આ ઘટનાએ હડકંપ મચાવી દીધો હતો. આ ઘટના મૂળમાં પણ મુખ્ય કારણ સામે આવ્યું એ હતું બેદરકારી અને વધુ પડતી નફાખોરી. સુરતની તક્ષશિલા સ્કૂલમાં બનેલી ઘટનાના વીડિયોએ પણ સમગ્ર દેશને હચમચી દીધો હતો. આવી તો અનેક બેદરકારીભરી ઘટનાઓની યાદી અહીં તમને યાદ કરાવવા માટે આપવામાં આવી છે. જેને કારણે માસૂમ બાળકો અને નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડ્યો છે. 

વડોદરાના હરણી તળાવમાં પિકનિક પર ગયેલાં બાળકોની બોટ ડૂબી જતાં 12 બાળકો અને 2 શિક્ષિકાનાં મોત થયાં છે. આ ઘટનામાં ફરી એકવાર ઘોરબેદરકારીને કારણે માસૂમોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ક્યારે બંધ થશે આ બેદરકારીનો સિલસિલો એ એક મોટો સવાલ છે. કોન્ટ્રાક્ટર બેદરકારી કરે છે, એજન્સીઓ બેદરકારી કરે છે, સંચાલક બેદરકારી કરે છે, સંસ્થાઓ બેદરકારી કરે છે, સ્કૂલ બેદરકારી કરે છે, તંત્ર અને પછી સરકાર પણ આવી જ બેદરકારી કરે છે. આવી ઘોર બેદરકારીઓ હજુ કેટલાં લોકોનો ભોગ લેતી રહેશે ઝી 24 કલાક આ સવાલ કરે છે.

આ ઘટનામાં બોટમાં બેસતા પહેલાં જ મોત થવાનું હતું એ નક્કી હતું. આ કારણ પોલીસ તપાસમાં જ ખુલ્યું છે. જેમાં બે મોટા કારણો સામે આવ્યાં છે. એક તો આ બોટ કોઈ નિષ્ણાંત ચાલકને બદલે સેવ ઉસળની લારી વારો ચલાવતો હતો. અને બીજી કારણકે, આ બોટમાં 14 લોકોની ક્ષમતા હોવા છતાં તેમાં 38 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં. આવી ઘોર બેદરકારીઓ જ બને છે મોતનું કારણ. 

કઈ રીતે બન્યો બનાવ?
વડોદરાના પાણીગેટ વિસ્તારની ન્યુ સનરાઈઝ સ્કૂલનાં ધોરણ એકથી પાંચનાં 80 બાળકો પિકનિક પર લઈ જવામાં આવ્યાં હતાં. આ બાળકોને એ હોડીમાં બેસાડવામાં આવ્યાં હતાં જેમાં 14 લોકો બેસવાની જ ક્ષમતા હતી પરંતુ 38 લોકોને બેસાડવામાં આવ્યા હતા. તેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં નહોતાં આવ્યાં. જેના કારણે બોટ અધવચ્ચે ડૂબી ગઈ અને 14 લોકોનાં મોત નીપજ્યાં છે. હજુ પણ 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક લાપતા છે. રાત્રે અંધારૂ થઈ જતાં રેસ્ક્યુ ઓપરેશન બંધ રાખવાની નોબત આવી હતી. જે હવે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. 

બોલે સેવ ઉસળની લારીવાળો ચલાવતો હતો બોટઃ
બોટ દુર્ઘટનામાં જે વ્યક્તિ બોટ ચલાવતો હતો તે નયન ગોહિલ નામનો વ્યક્તિ હોવાનો ખુલાસો થયો છે અને તેની તળાવના કિનારે સેવ- ઉસળની લારી છે. હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પોલીસને હરણી લેક ઝોનના ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે. 

મફતની કમાણી કરવા કોન્ટ્રાક્ટરોનો કારસોઃ 
બોટનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના વ્યક્તિએ લીધો હતો. તે હાલ ફરાર છે. તેણે નીલેશ શાહને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને નીલેશ શાહે બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ ત્રીજા કોઈ વ્યક્તિને આપ્યો હતો. એટલે કે કોન્ટ્રાક્ટ લઈને માત્ર નફાખોરી માટે પરેશ શાહે આ કૃત્યુ આચર્યું હતું. પરેશ શાહનો તળાવની બાજુમાં શનાયરાનો પેટ્રોલ પંપ છે. 

ZEE 24 કલાકને મળેલી જાણકારી પ્રમાણે કોટિયા પ્રોજેક્ટસ દ્વારા પીપીપી ધોરણે 100 ટકા ઇજારદારના ખર્ચે બોટિંગનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર પરેશ શાહે નિલેશ શાહને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નીલેશ શાહે અન્ય કોઈને આપ્યો હતો. આ દુર્ઘટનામાં નિર્દોષ માસૂમ  બાળકોનાં માતાપિતા રડી રડીને ન્યાય માગી રહ્યાં છે. પરંતુ તંત્ર માત્ર તપાસની વાતો કરી રહ્યું છે. વડોદરાની પોલીસની 9 ટીમો આરોપીઓને શોધી રહી છે. આ બોટકાંડમાં વડોદરા મહાનગર પાલિકાના જવાબદાર અધિકારીઓની પણ મિલીભગત ખુલ્લી પડી છે. તેમણે એક પણ બોટનું ઈન્સ્પેક્શન કર્યું નહોતું તેવો ખુલાસો થયો છે. 

છેલ્લાં કેટલાંક સમયમાં ગુજરાતમાં બેદરકારીને કારણે અલગ અલગ ઘટનાઓમાં અનેક લોકોના મોત:

  • મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોનાં મોત થયાં હતાં. 
  • હવે વડોદરામાં મોરબીકાંડનું પુનરાવર્તન થયું છે. જેમાં માસૂમ બાળકો સહિત બે શિક્ષકો મળીનેકુલ 14 લોકોને મોત ભરખી ગયું છે. હજુ પણ લાપતા બાળકની શોધખોળ ચાલી રહી છે. પરંતુ ભ્રષ્ટ અને નઘરોળ તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી. 
  • આવી જ બેદરકારીથી પાલનપુરમાં બ્રિજ ધરાશાયી થતાં 2નાં મોત થયાં હતાં.
  • સુરતની તક્ષશિલા બિલ્ડિંગમાં 22 વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. જેમાં ટ્યુશન ક્લાસીસમાં અચાનક આગ લાગી, કોઈ ફાયર સેફ્ટી નહોતી અને બિલ્ડીંગમાંથી નીચે ઉતરવાનો રસ્તો પણ નહોંતો. વિદ્યાર્થીઓ બિલ્ડિંગની બારીમાંથી નીચે કૂદી રહ્યાં હતાં. 
  • અમદાવાદના કાંકરિયા લેકમાં રાઈડ તૂટી પડતાં 2 લોકોનાં મોત થયાં હતાં. પરંતુ કેમ જાણે રાજ્ય સરકાર દાખલારૂપ કાર્યવાહી કરવાથી દૂર ભાગતી રહી છે જેના કારણે એક બાદ એક બેદરકારીની ઘટનાઓ સામે આવતી રહે છે અને જનતા બિચારી મોતને ભેટતી રહે છે.
  • રાજકોટમાં ફરિજયાત સ્કૂલ યુનિફોર્મનું પાતળું સ્વેટર પહેરવાની બજરદસ્તી કરવામાં આવી હતી. જેને કારણે એક માસૂમ બાળકીનું ઠંડીથી ઠુંઠવાઈ જવાને કારણે મોત નીપજ્યું હતું. 
  • આજ રીતે થોડા સમય અગાઉ એક શાળાના વિશાળ જાંપો તૂટી પડવાને કારણે એક માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. 

આવી તો અનેક બેદરકારીને ઘટનાઓ અવારનવાર ગુજરાતમાં સામે આવતી રહે છે. પણ નઘરોળ તંત્ર અને સરકાર માત્ર કાગળ પર તપાસ ચલાવતું રહે છે. જવાબદારો સામે સાચા અર્થમાં કોઈ નક્કર પગલાં લેવાતા જ નથી. મોટા વગરદાર અને માલેતૂઝારો આવા ગુનાઓ કરીને પણ બચી જાય છે. તથ્ય પટેલ જેવા નબીરાઓ પણ તેનું જ ઉદાહરણ છે. જે પોતાની મોજમાં, રૂપિયા અને પાવરના મધમાં સંખ્યાબંધ નિર્દોષ લોકોને કચડીને તેની હત્યા કરી દે છે.

તેમ છતાં આવા તત્વોને છાવરવા ખુદ પોલીસ પણ મદદરૂપ થતી હોય છે. જ્યારે મામલો મીડિયા ટ્રાયલમાં આવે અને પબ્લિકના સેન્ટીમેન્ટ સાથે જોડાઈ જાય, ખુબ વિરોધ થાય અને ચૂંટણીનો માહોલ હોય તો જ તેને રાજકીય રીતે જોઈને આવા કેસોમાં ક્યારેક કડક હાથે કામ લેવાય છે. અને કોર્ટ જયારે સરકાર અને તંત્ર પાસે જવાબ માગે ત્યારે થોડી તપાસ તેજ કરવામાં આવી છે, બાકી તો આવી ઘટનાઓમાં બધુ લોલમલોલ ચાલે છે. દોષિતો બિંદાસ્ત આવા કેસમાંથી છટકી જાય છે અને નિર્દોષો જીવ ગુમાવે છે અને તેમનો પરિવાર આખી જિંદગી આક્રંદ કરતો જ રહી જાય છે.   
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news