હવે ફરી કિંજલ દવેના મુખે સાંભળવા મળશે ‘ચાર ચાર બંગડી’ વાળું ગીત, જાણો કોર્ટે શું આપ્યો ચૂકાદો?
ગુજરાતી ગીત "ચાર ચાર બંગડીવાળી ગાડી" કેસમાં સિંગર કિંજલ દવેને અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંથી મોટી રાહત મળી છે, ટૂંકમાં કહીએ તો સિવિલ કોર્ટમાં કિંજલ દવે આ કેસ જીતી ગઈ છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતી સિંગર કિંજલ દવેને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીતને લઈને કોર્ટનો ચુકાદો આપવામાં આવ્યો છે. કિંજલને ગીત ગાવા પર લાગેલી રોક કોર્ટે હટાવી દીધી છે. જી હા.. કોપીરાઈટ ભંગનો કિંજલ પર ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ અમદાવાદ સિટી સિવિલ કોર્ટેમાં કેસ ચાલ્યો હતો. પરંતુ હવે કોર્ટમાંથી રાહત મળતા કિંજલ દવે ‘ચાર ચાર બંગડી’ ગીત ગાઈ શકશે. અમદાવાદ સિટી સિવિલ કોર્ટે હુકમ કરીને RDC મીડિયા કંપનીના દાવાને કોર્ટે નકાર્યો છે. લાંબા સમયથી સિટી સિવિલ કોર્ટમાં દલીલ ચાલી રહી હતી. અગાઉ સિટી સિવિલ કોર્ટે કિંજલ દવેને ગીત ગાવા પર રોક લગાવી હતી.
શું હતો સમગ્ર કેસ?
કિંજલ દવે ને ‘ચાર ચાર બંગડી વાળી ગાડી ગીત ગાતા રોકવા માટે એક રેડ રીબોન એન્ટરટેઇન્મેટ પા. લી. નામની કંપનીએ નામદાર અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કરેલ અને જણાવેલ કે ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતના કોપીરાઇટના હક્કો તેઓએ કોઈ કાર્તિક પટેલ પાસેથી ખરીદેલા છે અને તે ગીતના કોપીરાઇટના હક્કો તેઓની પાસે છે અને તે ગીત તેમની રજા પરવાનગી વગર કિંજલ દવે કે અન્ય કોઈપણ વ્યક્તિ ગાઈ શકે નહીં કે કોઈપણ કંપની કે વ્યક્તિ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મૂકી શકે નહીં તેવી દાદ માંગેલ હતી.
નામદાર અમદાવાદ સિટી સિવિલના કોમર્શિયલ કોર્ટ ન્યાયમુર્તિ સમક્ષ ઉપરોક્ત કેસમાં રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. પોતાના જણાવેલા ઉપરોક્ત ગીતના કોપીરાઇટના હક્કો સાબિત કરી શક્યા નથી અને આજ રોજ નામદાર કોર્ટે તેમના દ્વારા કિંજલ દવે સામે કરેલ કોપીરાઇટનો કેસ ખર્ચ સાથે રદ બાતલ કરી કેસ કાઢી નાખેલ છે.
તમને જણાવી દઈએ કે, કાર્તિક પટેલ નામના યુવકે આ ગીત પર કોપીરાઈટનો કેસ કર્યો હતો. કાર્તિક પટેલ ઓસ્ટ્રેલીયામાં રહે છે. ત્યાર બાદ કોર્ટે કિંજલ દવેને 1 લાખનો દંડ પણ ફટકાર્યો હતો અને આ ગીત ગાવા પર પ્રતિબંધ પણ મુક્યો હતો. જોકે, હવે કોર્ટે ગીત ગાવા પર પ્રતિબંધ હટાવી લેતા કિંજલ દવેને મોટી રાહત મળી છે.
ભાડાના સ્ટૂડિયોમાં કંપોઝ થયું હતું ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત
કિંજલ દવેના 'ચાર ચાર બંગડીવાળી ગાડી' ગીતને એક વર્ષમાં 11 કરોડથી વધુ લોકો યૂટ્યૂબ પર નિહાળી ચૂક્યા છે. આ ગીતને બે વાર ગાવામાં આવ્યું હતું. આ ગીતને ગાંધીનગર ખાતે ભાડાના સ્ટૂડિયોમાં કંપોઝ કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે