શીત લહેરથી આખુ ગુજરાત થરથર ધ્રૂજ્યું, હવામાન ખાતાની આગાહી વાંચીને બહાર નીકળજો
Trending Photos
અમદાવાદ :રાજ્યભરમાં કાતિલ ઠંડી (Coldwave) પડી રહી છે. સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા (Naliya) માં 3.6 ડિગ્રી નોંધાયું છે. બનાસકાંઠાના ડીસામાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં ઠંડીનો પારો 9.3 ડિગ્રી પર પહોંચી ગયો છે. તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી પર પહોંચી ગયું છે. શીત લહેરથી આખુ ગુજરાત થર થર ધ્રુજી રહ્યું છે. શહેરોમાં સવારે વાહનચાલકોને ધુમ્મસનો સામનો કરી રહ્યા છે, તો ગામડાંમાં ઝાકળ પડતાં જમીન ઠરીને બરફ બની ગઈ છે. આજે રવિવાર હોવાથી સ્કૂલોમાં બાળકોને રાહત છે પરંતુ ઘરમાં પણ ઠંડી હાડ થીજાવી રહી છે.
શહેર હોય કે ગામ... લોકો ઠંડીથી બચવા તાપણાંનો સહારો લઈ રહ્યા છે. એક રજાઈને બદલે હવે બે રજાઈ ઓઢવી પડે એવી ઠંડી પડવાની શરૂઆત થઈ છે. રાત્રે જે ખેડૂતો ખેતરમાં પાણી વાળતા હોય તે ખેડૂતો આખી રાત ખેતરમાં ઠરી રહ્યા છે. તો શહેરોમાં સ્વાસ્થ્ય પ્રેમીઓ કસરત કરીને ઠંડી ભગાડી રહ્યા છે. ફૂલગુબાલી ઠંડી અચાનક કાતિલ બની જતાં લોકોને પણ ઠંડા હવામાનમાં ઢળવામાં તકલીફ પડી રહી છે. લોહી થીજાવી દેતી આ ઠંડીમાં ના તો રાત્રે રાહત મળી રહી છે કે ના તો ઠંડા પવનોના કારણે દિવસે રાહત મળી રહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી જૂના રેકોર્ડ તોડી રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ વધારે ઠંડી પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
ગુજરાતના વિવિધ શહેરોનું ઠંડીનું તાપમાન
- નલિયા 3.6 ડિગ્રી
- ભૂજ 9 ડિગ્રી
- ડીસા 6.8 ડિગ્રી
- પોરબંદર 13.4 ડિગ્રી
- રાજકોટ 9.3 ડિગ્રી
- અમદાવાદ 10.2 ડિગ્રી
- ગાંધીનગર 10 ડિગ્રી
- ભાવનગર 14.2 ડિગ્રી
- વડોદરા 12.8 ડિગ્રી
- સુરત 16.4 ડિગ્રી
હવામાન ખાતાની આગાહી
હવામાન ખાતાએ જણાવ્યા અનુસાર, હજુ પણ આગામી દિવસોમા બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. રાતથી લઈ દિવસભર દરમિયાન 10 થી 30 કિમીની ગતિએ ઠંડો પવન ફૂંકાતા શહેરો-ગામડાઓમાં ઠંડી વધી ગઈ છે. આગામી 48 કલાક સુધી આવી કાતિલ ઠંડીથી રક્ષણ મળે તેવી કોઈ શક્યતા નથી. આગામી 24 કલાકમાં શહેરોમાં તાપમાનનો પારો 2 થી4 ડિ્ગરી સુધી ગગડી શકે છે. આ ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી, કચ્છમાં ઠંડા અને સૂકા પવનો ફૂંકાઈ શકે છે.
ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું
છેલ્લાં 2 દિવસથી તાપમાનમાં સતત ઘટાડો થતા ઉત્તર ભારત સહિત ગુજરાતના બનાસકાંઠામાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેમાં આજે ડીસામાં 6.5 સેલ્સિયસ, તો પાલનપુરમાં 10 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. અચાનક આવેલી ઠંડીને કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. સવારે ચાની લારીઓ ઉપર તાપણાની સાથે સાથે ગરમ ચાનો પણ સહારો લઈને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યાં છે. ઠંડીથી બચવા લોકો સ્વેટર, જેકેટ, ટોપી તેમજ ધાબળાનો સહારો પણ લઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે